Punjab Bus Accident: પંજાબના ફતેહગઢ સાહિબમાં મોડી રાત્રે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. શ્રી આનંદપુર સાહિબ ખાતે વૈશાખી મેળામાં દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી બસ હિંમતપુરા ગામ પાસે અનિયંત્રિત થઈને પલટી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બસ સીધી વીજળીના થાંભલા સાથે અથડાઈ હતી, જેના કારણે આખી બસમાં હાઈવોલ્ટેજ કરંટ ઉતરી આવ્યો હતો. આ દુર્ઘટનામાં 6 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે 15થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
ઘટના સમયે બસમાં અંદાજે 40 જેટલા મુસાફરો સવાર હતા, જેઓ પોતાના ઘરથી માત્ર દોઢ કિલોમીટર જ દૂર હતા. અકસ્માત બાદ ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક ગ્રામજનો અને પોલીસે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા. આ કરૂણ ઘટનાને પગલે સમગ્ર પંજાબમાં શોકની લહેર ફરી વળી છે.
ટેકનિકલ ખામી બાદ બસ થાંભલા સાથે અથડાઈ
પ્રાપ્ત વિગતો અનુસાર, શ્રદ્ધાળુઓ આનંદપુર સાહિબમાં વૈશાખીનો પવિત્ર મેળો માણીને બસ્સી પઠાણા નજીકના મૈણ માજરી ગામ જઈ રહ્યા હતા. હિંમતપુરા ગામ પાસે અચાનક બસમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બસ રસ્તાની સાઈડમાં આવેલા વીજળીના થાંભલા સાથે જોરદાર ધડાકા સાથે અથડાઈ અને પલટી ગઈ હતી. મુસાફરોના જણાવ્યા મુજબ, બસ પલટતાની સાથે જ તેમાં વીજ કરંટ વહેવા લાગ્યો હતો, જે મોતના આંકડામાં વધારો થવાનું મુખ્ય કારણ બન્યું હતું.
આ પણ વાંચો: છત્તીસગઢના વેદાંતા પાવર પ્લાન્ટમાં મોટી દુર્ઘટના : બોઈલર ફાટતા 10ના મોત, 40થી વધુ મજૂરો ઈજાગ્રસ્ત
ગ્રામજનો દેવદૂત બની મદદે આવ્યા
અકસ્માત મોડી રાત્રે થયો હોવા છતાં, અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ જીવના જોખમે બસમાં ફસાયેલા બાળકો અને મહિલાઓને બહાર કાઢ્યા હતા. જોકે, ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે એમ્બ્યુલન્સ સેવા ઘણી મોડી પહોંચી હતી. એસએસપી ડો. શુભમ અગ્રવાલે જણાવ્યું કે, પોલીસ અધિકારીઓ પણ રાત્રે જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કાર્યમાં સ્થાનિકોનો મોટો સહયોગ રહ્યો હતો. હાલમાં 12 ઘાયલોને મોરિન્ડા અને 9 ને ફતેહગઢ સાહિબની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગંભીર રીતે ઘાયલોને ચંદીગઢ PGI રેફર કરાયા
અકસ્માતમાં ઘાયલ થયેલા 15 શ્રદ્ધાળુઓમાંથી જેની હાલત અત્યંત નાજુક છે, તેમને વધુ સારવાર માટે ચંદીગઢ PGI ખાતે રેફર કરવામાં આવ્યા છે. મૃતકોમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસે બસને ક્રેઈન દ્વારા ટો કરીને રસ્તાની સાઈડમાં ખસેડી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સાંસદ હરસિમરત કૌર બાદલે વ્યક્ત કર્યું દુઃખ
આ દુર્ઘટના અંગે બઠિન્ડાના સાંસદ હરસિમરત કૌર બાદલે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે, "આ ખૂબ જ દુઃખદ સમાચાર છે. શ્રી આનંદપુર સાહિબથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓના મોતના સમાચાર સાંભળીને હૃદય દ્રવી ઉઠ્યું છે. ગુરુ સાહેબ દિવંગત આત્માઓને શાંતિ આપે અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના."





