Home Gujarat Vadodara Vadodara Election 2026 Congress Internal Rift Ward 1 Ami Rawat Independent Candidate Political Controversy

વડોદરા કોંગ્રેસમાં ભડકો : વોર્ડ-1માં મતદાન પહેલા જ પેનલમાં ગાબડું? મહિલા ઉમેદવારો અપક્ષ સાથે દેખાતા અનેક તર્ક-વિતર્ક

Vadodara Election Congress Internal Rift
Published by: Nirali Gohil
Last Updated: Apr 14, 2026, 09:50 AM IST

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં હવે જ્યારે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. વડોદરાના વોર્ડ નંબર 1 માં કોંગ્રેસની આંતરિક જૂથબંધી અને ખેંચતાણ જાહેરમાં આવતા પક્ષની મુશ્કેલીઓ વધી હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસની સત્તાવાર પેનલના બે મહિલા ઉમેદવારો પક્ષના જ અન્ય સાથીદારોને પડતા મૂકીને બળવાખોર અપક્ષ ઉમેદવાર સાથે પ્રચાર પ્રસારમાં જોવા મળતા રાજકીય આલમમાં ચર્ચાનું પૂર આવ્યું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ કોંગ્રેસ છાવણીમાં દોડધામ મચી ગઈ છે અને પક્ષના શિસ્ત સામે પણ પ્રશ્નાર્થો ઉભા થયા છે.

પ્રચારમાં પક્ષની પેનલ ગાયબ! અપક્ષ સાથેની જુગલબંધીથી વિવાદ

વોર્ડ નંબર 1માં કોંગ્રેસ દ્વારા અમીબેન રાવત, ડો. નિકુલ પટેલ, સોનલ દેસાઈ અને પુષ્પાબેન વાઘેલાની પેનલ મેદાનમાં ઉતારવામાં આવી છે. જોકે, ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં જ સોનલ દેસાઈ અને પુષ્પાબેન વાઘેલા કોંગ્રેસના અન્ય બે દિગ્ગજ ઉમેદવારોને છોડીને અપક્ષ ઉમેદવાર હરીશ પટેલ સાથે એક જ વાહનમાં જોવા મળ્યા હતા. આ દ્રશ્યો સામે આવ્યા બાદ એવી અટકળો તેજ થઈ છે કે, મતદાન પહેલા જ કોંગ્રેસની પેનલ વિખેરાઈ ગઈ છે. રાજકીય વિશ્લેષકો મુજબ, ઉમેદવારો વચ્ચેના આ પ્રકારના અણબનાવની સીધી અસર મતદાનના પરિણામો પર પડી શકે છે.

'આ રાજકીય પ્રચાર નથી': ઉમેદવાર પુષ્પાબેન વાઘેલાનો બચાવ

વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકરતા કોંગ્રેસના મહિલા ઉમેદવાર પુષ્પાબેન વાઘેલાએ પક્ષનો બચાવ કરતા ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "અમે કોઈ રાજકીય પ્રચાર માટે સાથે નહોતા, પરંતુ ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે નીકળેલી રેલીમાં સહભાગી થયા હતા. આ એક સામાજિક પ્રસંગ હતો જેમાં આયોજકોએ તમામ પક્ષના ઉમેદવારોને આમંત્રણ આપ્યું હતું. અમીબેન રાવત અને ડો. નિકુલ પટેલ કોઈ કારણોસર હાજર રહી શક્યા નહોતા, જ્યારે હરીશ પટેલ પણ ત્યાં હાજર હોવાથી અમે સાથે જોવા મળ્યા હતા."

આ પણ વાંચો: "મારા મોદીના પગલાં જ્યાં-જ્યાં જાય, ત્યાં-ત્યાં હઉનું હારું થાય" : ભાજપમાંથી ટિકિટ મળતા PM મોદી માટે ગાયું ગીત, સોશિયલ મીડિયા પર આ ચહેરાની ચર્ચા

આયોજકોની સ્પષ્ટતા અને કોંગ્રેસની ચિંતા

રેલીના આયોજકોએ પણ સમર્થન આપ્યું હતું કે તેમણે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ સહિત તમામ પ્રતિસ્પર્ધી ઉમેદવારોને હાર્દિક આમંત્રણ આપ્યું હતું. જે ઉમેદવારો હાજર રહ્યા તેમને સન્માનપૂર્વક રથમાં બેસાડવામાં આવ્યા હતા. જોકે, ભલે ઉમેદવારો આને માત્ર સંયોગ ગણાવતા હોય, પણ રાજકીય વર્તુળોમાં આ ઘટનાને આંતરિક જૂથબંધીના પુરાવા તરીકે જોવામાં આવી રહી છે. અમીબેન રાવત જેવા વરિષ્ઠ નેતાની ગેરહાજરીમાં બાકીના બે ઉમેદવારોનું અપક્ષ સાથે દેખાવું એ કોંગ્રેસ માટે 'ડેમેજ કંટ્રોલ' કરવાનો વિષય બની ગયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now