Home International Us Iran Peace Deal 300 Billion Dollar Fund Controversy

અમેરિકા-ઈરાન શાંતિ કરાર બાદ $300 અબજના ફંડ પર વિવાદ : આખરે ઈરાનને રૂપિયા આપશે કોણ?

અમેરિકા-ઈરાન વચ્ચે કરાર દર્શાવતી છબી
Image Credit: AI
Published by: Niraj Chokshi
Last Updated: Jun 20, 2026, 03:30 AM IST

વોશિંગ્ટન: અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા ઐતિહાસિક શાંતિ કરાર (MoU) બાદ હવે એક નવા વિવાદે અમેરિકન રાજકારણમાં ગરમાવો લાવ્યો છે. કરારમાં ઈરાનના પુનર્નિર્માણ અને આર્થિક વિકાસ માટે 300 અબજ ડોલર (આશરે ₹25 લાખ કરોડ)ના વિશાળ ફંડનો ઉલ્લેખ થતાં સૌથી મોટો સવાલ ઉભો થયો છે કે આ રકમ આખરે કોણ આપશે? આ મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના નિવેદનો બાદ વધુ ગૂંચવણ સર્જાઈ છે.

એક તરફ ટ્રમ્પ પ્રશાસન સ્પષ્ટપણે કહી રહ્યું છે કે આ ફંડમાં અમેરિકન કરદાતાઓનો એક પણ ડોલર ખર્ચાશે નહીં, જ્યારે બીજી તરફ વિરોધ પક્ષ અને કેટલાક રિપબ્લિકન નેતાઓ પણ આ મુદ્દે સવાલો ઉઠાવી રહ્યા છે. જેના કારણે શાંતિ કરારની રાજકીય અસર હવે અમેરિકાની આંતરિક રાજનીતિમાં પણ દેખાવા લાગી છે.

300 અબજ ડોલરનો ફંડ કેમ ચર્ચામાં?

અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલતા તણાવ અને સંઘર્ષ બાદ થયેલા આ કરારમાં ઈરાનના પુનર્નિર્માણ માટે વિશેષ આર્થિક સહાયના માળખાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. MoUના છઠ્ઠા મુદ્દામાં ઈરાનના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અર્થતંત્ર અને વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે 300 અબજ ડોલરના સંભવિત ફંડની વાત કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આટલી મોટી રકમનો ઉલ્લેખ થતાં જ અમેરિકામાં ચર્ચા શરૂ થઈ ગઈ કે શું આ રકમ અમેરિકાની તિજોરીમાંથી આપવામાં આવશે? શું અમેરિકન કરદાતાઓ પર તેનો બોજ પડશે? કે પછી અન્ય દેશો આ ખર્ચ ઉઠાવશે? આ પ્રશ્નોના જવાબ હજુ સ્પષ્ટ નથી, પરંતુ રાજકીય દળો વચ્ચે આ મુદ્દે ઘર્ષણ વધતું જઈ રહ્યું છે.

ટ્રમ્પનો દાવો: આ બધું ફેક ન્યૂઝ

વિવાદ વધતાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રમ્પે લખ્યું કે અમેરિકા ઈરાનને 300 અબજ ડોલર ચૂકવવા જઈ રહ્યું હોવાના દાવા સંપૂર્ણપણે ખોટા છે.

તેમણે આ પ્રકારના અહેવાલોને 'ફેક ન્યૂઝ' અને રાજકીય વિરોધીઓ દ્વારા ફેલાવવામાં આવતો પ્રચાર ગણાવ્યો હતો. ટ્રમ્પના કહેવા મુજબ આ શાંતિ કરારથી અમેરિકાને માત્ર વ્યૂહાત્મક લાભ, તેલના ભાવમાં સ્થિરતા અને આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા મળી છે. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો કે કરારનો અર્થ સીધી નાણાકીય સહાય નથી અને અમેરિકન કરદાતાઓને કોઈ નુકસાન થવાનું નથી.

આ પણ વાંચો: પાકિસ્તાન સરહદ પર તાલિબાનનો મોટો ડ્રોન હુમલો! : ISISના ઠેકાણાઓ ઉડાવ્યાનો કર્યો દાવો

જેડી વેન્સે આપ્યું અલગ સ્પષ્ટીકરણ

ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પણ આ મુદ્દે પોતાનું વલણ રજૂ કર્યું હતું. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે જણાવ્યું કે આ ફંડ માટે અમેરિકન કરદાતાઓના પૈસા ખર્ચવાના નથી. વેન્સના જણાવ્યા મુજબ, સંભવિત રીતે ખાડી દેશો અને ઈરાનમાં રોકાણ કરવા ઇચ્છુક અન્ય આંતરરાષ્ટ્રીય ભાગીદારો પાસેથી ભંડોળ એકત્રિત કરવામાં આવી શકે છે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાનને કોઈપણ પ્રકારની સહાય ત્યારે જ મળશે જ્યારે તે શાંતિ કરારની તમામ શરતોનું સંપૂર્ણ પાલન કરશે. હાલ સુધી કોઈપણ દેશે સત્તાવાર રીતે આ ફંડમાં યોગદાન આપવાની જાહેરાત કરી નથી, જેના કારણે પ્રશ્નો યથાવત છે.

વિરોધ પક્ષે ટ્રમ્પને ઘેર્યા

ડેમોક્રેટિક પાર્ટી અને કેટલાક રિપબ્લિકન નેતાઓએ ટ્રમ્પના નિવેદનો પર સવાલો ઉઠાવ્યા છે. ડેમોક્રેટિક નેતા અને સેનેટ સભ્ય ચક શુમરે આ મુદ્દે કટાક્ષ કરતાં કહ્યું કે જો અમેરિકાનો કોઈ નાણાકીય હિસ્સો નથી તો પછી MoUમાં આટલા મોટા ફંડનો ઉલ્લેખ શા માટે કરવામાં આવ્યો? તેમણે એવો પણ દાવો કર્યો કે કરાર પર ટ્રમ્પના જ હસ્તાક્ષર છે અને તેમને પોતાના કરારની જોગવાઈઓ ફરી વાંચવી જોઈએ. અન્ય ડેમોક્રેટ નેતાઓએ પણ આ મુદ્દે સરકારની ટીકા કરી હતી. તેમના મતે અમેરિકામાં આરોગ્ય, શિક્ષણ અને ગરીબી નિવારણ માટે પૂરતા સંસાધનો ઉપલબ્ધ નથી, ત્યારે ઈરાન માટે વિશાળ ફંડની ચર્ચા કરવી યોગ્ય નથી.

આ પણ વાંચો: ‘ભારત-ફ્રાન્સની દોસ્તી અમર રહે’ : મેક્રોને હિન્દીમાં કહ્યું, જુઓ સંપૂણ VIDEO

પોતાની જ પાર્ટીમાં પણ અસંતોષ

આ મુદ્દે માત્ર વિરોધ પક્ષ જ નહીં, પરંતુ રિપબ્લિકન પાર્ટીના કેટલાક નેતાઓએ પણ અસંતોષ વ્યક્ત કર્યો છે. સેનેટર રોજર વિકરે જણાવ્યું હતું કે ભલે અમેરિકન કરદાતાઓનો સીધો પૈસો ખર્ચાતો ન હોય, છતાં આ રકમનું કદ ખૂબ જ મોટું છે.

તેમણે યાદ અપાવ્યું કે વર્ષ 2015માં પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની JCPOA પરમાણુ ડીલ હેઠળ ઈરાનની આશરે 55 અબજ ડોલરની જપ્ત સંપત્તિ મુક્ત કરવામાં આવી હતી. હાલ ચર્ચામાં રહેલો 300 અબજ ડોલરનો આંકડો તેના કરતાં અનેક ગણો મોટો છે.

આ પણ વાંચો: સ્કૂલમાં અચાનક આગ લાગતા વિદ્યાર્થીઓમાં ચીસાચીસ : મિનિટોમાં મચી અફરાતફરી, 300થી વધુ બાળકોનું તાત્કાલિક રેસ્ક્યુ; 10 લોકો ઈજાગ્રસ્ત

આગામી 60 દિવસ રહેશે નિર્ણાયક

શાંતિ કરારના અમલીકરણ માટે આગામી 60 દિવસ દરમિયાન અમેરિકા અને ઈરાન વચ્ચે વધુ ચર્ચાઓ થવાની છે. આ દરમિયાન ફંડની રચના, નાણાકીય સ્ત્રોતો અને અમલીકરણની પ્રક્રિયા અંગે વધુ સ્પષ્ટતા થવાની શક્યતાછે.

હાલ માટે સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે 300 અબજ ડોલરના આ વિશાળ ફંડનું વાસ્તવિક સ્ત્રોત શું હશે અને તેની જવાબદારી કોણ ઉઠાવશે. જ્યાં સુધી આ મુદ્દે સત્તાવાર સ્પષ્ટતા નહીં થાય, ત્યાં સુધી અમેરિકામાં રાજકીય વિવાદ ચાલુ રહે તેવી શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now