Irans new rules for the Strait of Hormuz: વિશ્વના સૌથી મહત્વપૂર્ણ અને વ્યસ્ત દરિયાઈ વેપાર માર્ગોમાંના એક હોર્મુઝ સ્ટ્રેટને લઈને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા તેજ બની છે. અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કરાર બાદ આ મહત્વપૂર્ણ જળમાર્ગ પરથી જહાજોની અવરજવર ફરી શરૂ થઈ છે, જેના કારણે વૈશ્વિક વેપાર અને તેલ પરિવહન ક્ષેત્રને મોટી રાહત મળી છે. જોકે, માર્ગ ફરી ખુલ્લો થતા જ ઈરાને નવા અને કડક નિયમોની જાહેરાત કરીને શિપિંગ કંપનીઓ અને આંતરરાષ્ટ્રીય વેપારીઓનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના ઊર્જા વેપાર માટે જીવદોરી સમાન માનવામાં આવે છે. મધ્ય પૂર્વમાંથી વિશ્વભરમાં જતો મોટાભાગનો ક્રૂડ ઓઈલ અને પ્રાકૃતિક ગેસ આ જ માર્ગ મારફતે પસાર થાય છે. આવી સ્થિતિમાં અહીં અમલમાં મૂકાયેલા નવા નિયમોની સીધી અસર વૈશ્વિક વેપાર, ઊર્જા બજાર અને આંતરરાષ્ટ્રીય શિપિંગ ઉદ્યોગ પર પડી શકે છે.
હવે પૂર્વ મંજૂરી વગર પસાર નહીં થઈ શકે જહાજો
ઈરાન સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવેથી હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માંગતા દરેક જહાજ માટે પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે. નવા નિયમો મુજબ કોઈપણ વેપારી કે અન્ય જહાજને આ જળમાર્ગનો ઉપયોગ કરવો હોય તો ઓછામાં ઓછા 48 કલાક પહેલાં સત્તાવાર અરજી દાખલ કરવી પડશે. આ અરજીમાં જહાજની સંપૂર્ણ માહિતી, નિર્ધારિત રૂટ, મુસાફરીનો સમયગાળો તેમજ સંચાર માટેની વિગતો આપવી જરૂરી રહેશે. મંજૂરી મળ્યા વગર કોઈ પણ જહાજને સ્ટ્રેટમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
PGSAએ જાહેર કરી નવી માર્ગદર્શિકા
ઈરાન દ્વારા તાજેતરમાં રચાયેલી 'પર્સિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટી' (PGSA) એ આ નવા નિયમોની વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી છે. ઓથોરિટીના જણાવ્યા અનુસાર જહાજના ઓપરેટરોએ પોતાની યાત્રાની તમામ વિગતો અગાઉથી સબમિટ કરવી પડશે અને મંજૂરી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સતત સત્તાવાર સંપર્કમાં રહેવું પડશે. તે ઉપરાંત હોર્મુઝમાંથી પસાર થતી વખતે જહાજના કેપ્ટને સમગ્ર મુસાફરી દરમિયાન સ્થાનિક દરિયાઈ સત્તાધીશો સાથે સતત સંપર્ક જાળવવો પડશે. કોઈપણ પ્રકારની સુરક્ષા સૂચના અથવા માર્ગદર્શનનું પાલન કરવું ફરજિયાત રહેશે.
સુરક્ષા કારણોસર લેવાયો નિર્ણય
ઈરાનનું કહેવું છે કે દરિયાઈ વિસ્તારમાં હજુ પણ કેટલાક સંવેદનશીલ અને સંભવિત માઈન્સ (દરિયાઈ સુરંગો) ધરાવતા ઝોન હોઈ શકે છે. આવી સ્થિતિમાં જહાજોના રૂટ અને સમયની અગાઉથી માહિતી મળવાથી અકસ્માતો ટાળી શકાય અને દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બની શકે. PGSAએ ચેતવણી આપી છે કે જો કોઈ જહાજ આ નિયમોનું પાલન નહીં કરે અથવા ખોટી માહિતી આપશે તો તેના કારણે સર્જાતા કોઈપણ નુકસાન માટે જહાજના માલિક અથવા ઓપરેટર જ જવાબદાર રહેશે.
વેપારીઓને મોટી રાહત, 60 દિવસ સુધી નહીં વસૂલાય કોઈ ચાર્જ
એક તરફ ઈરાને કડક નિયમો લાગુ કર્યા છે તો બીજી તરફ વૈશ્વિક વેપારને પ્રોત્સાહન આપવા માટે મહત્વની રાહત પણ જાહેર કરી છે. નવા નિયમોના અમલ બાદ પ્રથમ 60 દિવસ સુધી હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પાસેથી કોઈપણ પ્રકારની ટ્રાન્ઝિટ ફી વસૂલવામાં નહીં આવે. સુરક્ષા, પર્યાવરણ સંરક્ષણ, નેવિગેશન સહાયતા, સેફ્ટી સર્વિસ અને વીમા સંબંધિત ખર્ચ પણ આ સમયગાળા દરમિયાન ઈરાન સરકાર પોતે ઉઠાવશે. આ નિર્ણયનો હેતુ વેપારિક જહાજોને ફરીથી આ માર્ગનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવાનો હોવાનું માનવામાં આવે છે.
હોર્મુઝમાં ફરી વધ્યો જહાજોનો ટ્રાફિક
અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી થયા બાદ હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર ઝડપથી વધવા લાગી છે. દરિયાઈ ટ્રાફિક પર નજર રાખતી સંસ્થાઓના અહેવાલ મુજબ એક જ દિવસમાં 25 જેટલા કોમર્શિયલ જહાજો આ માર્ગ પરથી પસાર થયા હતા. આ આંકડો છેલ્લા કેટલાક મહિનાઓમાં નોંધાયેલા સૌથી ઊંચા આંકડાઓમાંનો એક ગણાય છે. અગાઉ વિસ્તારમાં તણાવ અને સંઘર્ષના કારણે દરરોજ સરેરાશ માત્ર સાત જેટલા જહાજો જ પસાર થઈ શકતા હતા.
આ પણ વાંચો: અમેરિકા-ઈરાન શાંતિ કરાર બાદ $300 અબજના ફંડ પર વિવાદ : આખરે ઈરાનને રૂપિયા આપશે કોણ?
વૈશ્વિક અર્થતંત્ર માટે કેમ મહત્વપૂર્ણ છે હોર્મુઝ?
હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી વ્યૂહાત્મક દરિયાઈ માર્ગોમાંનું એક છે. વિશ્વના કુલ સમુદ્રી તેલ પરિવહનનો મોટો હિસ્સો આ જ માર્ગમાંથી પસાર થાય છે. મધ્ય પૂર્વના મુખ્ય તેલ ઉત્પાદક દેશો માટે આ માર્ગ જીવનરેખા સમાન છે. એટલા માટે અહીં થતી કોઈપણ રાજકીય, સૈન્ય અથવા વહીવટી હલચલની સીધી અસર આંતરરાષ્ટ્રીય તેલ બજાર, શિપિંગ ખર્ચ અને વૈશ્વિક વેપાર પર જોવા મળે છે. ઈરાનના નવા નિયમો પણ આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય વેપાર જગત માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.





