Home International Us Iran Deal Un Eu Sanctions Explained Gujarati

Offbeat Explainedઅમેરિકા-ઈરાન સમજૂતી બાદ શું હટશે પ્રતિબંધો? : UN અને EUનાં પ્રતિબંધોનું સંપૂર્ણ ગણિત સમજો

અમેરિકા અને ઈરાનના ફ્લેગની છબી
Image Credit: AI
Published by: Niraj Chokshi
Last Updated: Jun 20, 2026, 05:35 AM IST

અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ, સંઘર્ષ અને રાજદ્વારી અથડામણો વચ્ચે હવે એક મહત્વપૂર્ણ અંતરિમ શાંતિ સમજૂતી થયા બાદ વૈશ્વિક સ્તરે નવી ચર્ચા શરૂ થઈ છે. બંને દેશોના નેતાઓ દ્વારા સમજૂતી પર હસ્તાક્ષર થયા બાદ સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે શું હવે ઈરાન પર વર્ષોથી લાગેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો સંપૂર્ણપણે દૂર થઈ જશે કે પછી હજુ પણ તેને અનેક આર્થિક અને રાજકીય મર્યાદાઓનો સામનો કરવો પડશે.

ઈરાનનું પરમાણુ કાર્યક્રમ વર્ષોથી અમેરિકા, યુરોપિયન દેશો અને સંયુક્ત રાષ્ટ્ર માટે ચિંતાનો વિષય રહ્યું છે. આ કારણોસર ઈરાન પર વિવિધ સ્તરે કડક આર્થિક અને વ્યાપારી પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. હવે નવી સમજૂતી બાદ ઈરાનને આ પ્રતિબંધોમાં કેટલી રાહત મળશે તે અંગે વિશ્વભરમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.

ઈરાન પર શા માટે લાગ્યા હતા પ્રતિબંધો?

ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને લાંબા સમયથી પશ્ચિમી દેશો અને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. અમેરિકા અને તેના સહયોગી દેશોનું માનવું હતું કે ઈરાન પરમાણુ ઊર્જાના નામે પરમાણુ હથિયારો વિકસાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

આ ઉપરાંત મધ્ય પૂર્વમાં ઈરાનની સૈન્ય અને પ્રાદેશિક પ્રવૃત્તિઓને લઈને પણ અનેક દેશોએ વાંધા ઉઠાવ્યા હતા. પરિણામે સંયુક્ત રાષ્ટ્ર (UN), અમેરિકા અને યુરોપિયન સંઘ (EU) દ્વારા ઈરાન પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. આ પ્રતિબંધોના કારણે ઈરાનની બેંકિંગ વ્યવસ્થા, આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારો અને તેલના વેપારને ભારે ફટકો પડ્યો હતો. ઈરાનની અર્થવ્યવસ્થા મોટા પ્રમાણમાં તેલની નિકાસ પર આધારિત હોવાથી તેલ વેપાર પરના પ્રતિબંધોએ દેશની આવકમાં ભારે ઘટાડો કર્યો હતો. સાથે જ વિદેશી રોકાણકારોએ પણ ઈરાનથી અંતર જાળવવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો: હોર્મુઝ સ્ટ્રેટ ખુલતા જ ઈરાનનો નવો ફરમાન : હવે જહાજોએ 48 કલાક પહેલાં લેવી પડશે મંજૂરી

2015ના પરમાણુ કરારથી મળી હતી રાહત

વર્ષ 2015માં ઈરાન અને વિશ્વની મહાસત્તાઓ વચ્ચે સંયુક્ત વ્યાપક કાર્યવાહી યોજના (JCPOA) તરીકે ઓળખાતો ઐતિહાસિક પરમાણુ કરાર થયો હતો. આ કરાર હેઠળ ઈરાને પોતાના પરમાણુ કાર્યક્રમ પર અનેક મર્યાદાઓ સ્વીકારી હતી અને તેના બદલામાં આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોમાં રાહત આપવામાં આવી હતી.

તે સમયગાળા દરમિયાન ઈરાનની અર્થવ્યવસ્થામાં સુધારો જોવા મળ્યો હતો. તેલની નિકાસ વધી હતી અને અનેક આંતરરાષ્ટ્રીય કંપનીઓએ ફરીથી ઈરાનમાં રોકાણ કરવાની શરૂઆત કરી હતી. જોકે વર્ષ 2018માં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા આ કરારમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ ઈરાન પર ફરીથી કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા હતા અને આંતરરાષ્ટ્રીય દબાણ વધ્યું હતું.

નવી સમજૂતીથી ઈરાનને શું ફાયદો થશે?

તાજેતરમાં થયેલી અંતરિમ શાંતિ સમજૂતી હેઠળ ઈરાનને કેટલાક મહત્વપૂર્ણ આર્થિક લાભ મળી શકે છે. અમેરિકાએ ઈરાનના તેલ નિકાસ સંબંધિત કેટલાક પ્રતિબંધોમાં તાત્કાલિક રાહત આપવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આનો સીધો અર્થ એ થાય છે કે ઈરાન ફરીથી આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાનું ક્રૂડ ઓઈલ વેચી શકશે. જો આ વ્યવસ્થા લાંબા સમય સુધી ચાલુ રહે તો ઈરાનની અર્થવ્યવસ્થાને મોટી રાહત મળી શકે છે અને વિદેશી ચલણની આવકમાં વધારો થઈ શકે છે. આ ઉપરાંત વિદેશી બેંકોમાં અટવાયેલા ઈરાનના અબજો ડોલરના ભંડોળ સુધી પહોંચવાનો માર્ગ પણ સરળ બની શકે છે. નિષ્ણાતોના મતે આ નાણાં ઈરાનની આર્થિક સ્થિતિ સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

આ પણ વાંચો: અમેરિકા જવાનું સપનું જોતા વિદ્યાર્થીઓ માટે એલર્ટ : ટ્રમ્પ સરકારના એક નિર્ણયથી સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ભણવા આવેલા વિદ્યાર્થીઓમાં ફફડાટ

યુરોપિયન સંઘ હજુ સાવધ

જોકે અમેરિકાની તરફથી મળતી રાહત ઈરાન માટે મહત્વપૂર્ણ છે, પરંતુ યુરોપિયન સંઘે હજુ સુધી પોતાના પ્રતિબંધો હટાવવાના કોઈ સ્પષ્ટ સંકેત આપ્યા નથી. યુરોપિયન સંઘના નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાન તેના પરમાણુ કાર્યક્રમ અંગે પારદર્શક અને ચકાસી શકાય તેવા પગલાં ભરે ત્યારે જ પ્રતિબંધોમાં છૂટછાટ અંગે વિચારણા કરવામાં આવશે. ફ્રાન્સ, જર્મની, ઈટાલી અને બ્રિટન જેવા દેશો ઈરાનની આગામી કામગીરી પર નજર રાખી રહ્યા છે. તેથી હાલમાં અમેરિકી રાહત છતાં યુરોપિયન પ્રતિબંધો યથાવત રહેવાની શક્યતા વધુ છે. આ કારણે ઈરાનને સંપૂર્ણ આર્થિક મુક્તિ તરત જ મળી જશે એવું માનવું યોગ્ય નથી.

આ પણ વાંચો: અમેરિકા-ઈરાન શાંતિ કરાર બાદ $300 અબજના ફંડ પર વિવાદ : આખરે ઈરાનને રૂપિયા આપશે કોણ?

આગામી 60 દિવસ રહેશે નિર્ણાયક

આગામી અઠવાડિયાઓ અને મહિના ઈરાન માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે હવે વધુ વિસ્તૃત ચર્ચાઓ થવાની છે. આ ચર્ચાઓ દરમિયાન ઈરાનના સંવર્ધિત યુરેનિયમના જથ્થા, પરમાણુ કાર્યક્રમની મર્યાદાઓ અને ભવિષ્યમાં પરમાણુ હથિયાર ન બનાવવાની ખાતરી જેવા મુદ્દાઓ પર નિર્ણય લેવાશે. આંતરરાષ્ટ્રીય સમુદાય ઈચ્છે છે કે ઈરાન તેના પરમાણુ કાર્યક્રમ અંગે સંપૂર્ણ પારદર્શિતા દાખવે. જો ઈરાન વિશ્વાસ સ્થાપિત કરવામાં સફળ રહેશે તો ભવિષ્યમાં વધુ પ્રતિબંધો હટાવવાની શક્યતા ઉભી થઈ શકે છે.

સંપૂર્ણ રાહત હજુ દૂર

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે હાલની સમજૂતી ઈરાન માટે સકારાત્મક શરૂઆત છે, પરંતુ તે પ્રતિબંધોમાં સંપૂર્ણ મુક્તિ સમાન નથી. સંયુક્ત રાષ્ટ્ર, યુરોપિયન સંઘ અને અન્ય દેશો દ્વારા લાગુ કરાયેલા વિવિધ પ્રતિબંધો હજુ પણ અમલમાં છે.

જ્યાં સુધી ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને વૈશ્વિક સ્તરે સંપૂર્ણ વિશ્વાસ પુનઃસ્થાપિત નહીં થાય, ત્યાં સુધી તમામ પ્રતિબંધો દૂર થવાની સંભાવના ઓછી છે. તેથી હાલની સમજૂતીને એક મહત્વપૂર્ણ રાજદ્વારી પગલું તરીકે જોવામાં આવી રહી છે, પરંતુ સંપૂર્ણ આર્થિક અને રાજકીય રાહત માટે ઈરાનને હજુ લાંબો માર્ગ કાપવો પડશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now