Texas News: અમેરિકાના ટેક્સાસ રાજ્યમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં ભારતીય મૂળના એક જ પરિવારના ત્રણ સભ્યોની નિર્દયતાપૂર્વક મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસ મુજબ, 19 વર્ષના યુવકે પોતાના માતા, પિતા અને દાદી પર ગોળીબાર કરીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટનાએ માત્ર ટેક્સાસ જ નહીં પરંતુ ભારતીય સમુદાયમાં પણ ભારે આઘાત અને શોકની લાગણી ફેલાવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી યુવક ગૌરવ ચોપરાની ધરપકડ કરી લેવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેના વિરુદ્ધ ‘કેપિટલ મર્ડર’ સહિતના ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા છે. હાલમાં તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આખરે યુવકે આ ભયાનક પગલું શા માટે ભર્યું.
ટેક્સાસના અલ્ટન શહેરમાં બની ઘટના
આ સમગ્ર ઘટના ટેક્સાસ રાજ્યના અલ્ટન શહેરમાં બની હતી. હિડાલ્ગો કાઉન્ટી શેરિફ ઓફિસના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ 56 વર્ષીય સ્વીતા રામ, 46 વર્ષીય કમલેશ રાની અને 73 વર્ષીય મિંદર કૌર તરીકે કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, ત્રણેયના મોત માથામાં ગોળી વાગવાના કારણે થયા હતા. ઘટનાસ્થળેથી મળેલા પુરાવાઓના આધારે પોલીસે આરોપી તરીકે પરિવારના જ સભ્ય ગૌરવ ચોપરાની ઓળખ કરી હતી.
ભાઈ પણ નિશાન પર હતો, પરંતુ બચી ગયો
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ગૌરવ ચોપરાએ માત્ર ત્રણ સભ્યો પર જ નહીં પરંતુ પોતાના ભાઈ પર પણ ગોળી ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સદનસીબે તેનો ભાઈ હુમલામાંથી બચી ગયો હતો. ઘટના બાદ જીવ બચાવી શકેલા ભાઈએ તરત જ અમેરિકન ઈમરજન્સી સેવા 911 પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. તેના કારણે પોલીસને ઝડપી કાર્યવાહી કરવામાં મદદ મળી હતી.
આ પણ વાંચો: હોર્મુઝ સ્ટ્રેટ ખુલતા જ ઈરાનનો નવો ફરમાન : હવે જહાજોએ 48 કલાક પહેલાં લેવી પડશે મંજૂરી
ઘટના બાદ ફરાર, પોલીસે પીછો કરીને ઝડપી પાડ્યો
ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ગૌરવ ચોપરા ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. પોલીસને જાણ થતાં જ તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પોલીસે પીછો કરતા આરોપીને ઝડપી પાડ્યો હતો. આ દરમિયાન સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં બે અન્ય લોકો ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે અકસ્માત સ્થળેથી એક હેન્ડગન પણ કબજે કરી છે, જેનો ઉપયોગ ગુનામાં થયો હોવાની આશંકા છે.
'કેપિટલ મર્ડર'નો કેસ નોંધાયો
અમેરિકન કાયદા મુજબ, એકથી વધુ લોકોની હત્યાના કેસને અત્યંત ગંભીર માનવામાં આવે છે. ગૌરવ ચોપરા સામે ‘કેપિટલ મર્ડર’ અને હત્યાના પ્રયાસ સહિતના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. કોર્ટમાં રજૂઆત બાદ તેને જામીન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે અને હાલ તે પોલીસ કસ્ટડીમાં છે. તપાસ એજન્સીઓ તેની માનસિક સ્થિતિ, વ્યક્તિગત જીવન અને ઘટનાની પાછળના સંભવિત કારણોની પણ તપાસ કરી રહી છે.
તપાસમાં હજુ અનેક સવાલોના જવાબ બાકી
હિડાલ્ગો કાઉન્ટીના શેરિફ એડી ગુએરાએ જણાવ્યું છે કે, આ ક્રૂર હત્યાકાંડ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. તપાસના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને પોલીસ આગળ વધી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી ગૌરવ ચોપરા યુનિવર્સિટી ઓફ ટેક્સાસ રિયો ગ્રાન્ડે વેલી (UTRGV)માં અભ્યાસ કરતો વિદ્યાર્થી છે. હાલમાં તપાસ અધિકારીઓ તેના મિત્રવર્તુળ, શૈક્ષણિક જીવન અને પારિવારિક સંબંધોની પણ તપાસ કરી રહ્યા છે.
ભારતીય સમુદાયમાં શોકની લાગણી
આ ઘટનાના સમાચાર સામે આવ્યા બાદ અમેરિકામાં વસતા ભારતીય સમુદાયમાં ભારે શોક અને આઘાતનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિવારનું પંજાબના નવાંશહર જિલ્લાના લખપુર ગામ સાથે જોડાણ હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્રણ સભ્યોના એકસાથે થયેલા મોત અને પરિવારના જ સભ્ય દ્વારા આ ઘટના અંજામ અપાઈ હોવાના કારણે સમગ્ર કેસ ચર્ચાનો વિષય બન્યો છે.





