ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે વૈશ્વિક તેલ બજાર અને અર્થવ્યવસ્થા પર ઊભા થયેલા દબાણને પહોંચી વળવા માટે અમેરિકા એક સાથે બે પ્રકારની નીતિ અપનાવી રહ્યું છે. એક તરફ ઈરાન પર આર્થિક દબાણ વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તો બીજી તરફ વૈશ્વિક તેલ સપ્લાયમાં ખોટ ન પડે તે માટે નવા વિકલ્પો પણ શોધવામાં આવી રહ્યા છે. અમેરિકાના ટ્રેઝરી સચિવ સ્કોટ બેસન્ટએ તાજેતરમાં આ બાબત પર મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે, જેમાં તેમણે ઈરાનના તેલ અંગે સંભવિત નીતિ બદલાવની વાત કરી છે.
‘અનસેંક્શન’નો વિકલ્પ
સ્કોટ બેસન્ટના જણાવ્યા મુજબ, અમેરિકા ઈરાનના તેલ પર લાગેલા પ્રતિબંધોમાંથી કેટલાક તાત્કાલિક રાહત આપવા વિચાર કરી શકે છે. ખાસ કરીને જે તેલ પહેલેથી જ ટાંકરોમાં ભરાયેલું છે અને સમુદ્રમાં અટવાયેલું છે, તેને વૈશ્વિક બજારમાં પ્રવાહિત કરવાની શક્યતા પર વિચારણા ચાલી રહી છે. આ પગલાનો મુખ્ય હેતુ વૈશ્વિક બજારમાં તેલની સપ્લાય વધારવાનો છે, કારણ કે યુદ્ધના કારણે મધ્યપૂર્વ વિસ્તારમાં પુરવઠા પર અસર પડી રહી છે. અંદાજે લાખો બેરલ તેલ સમુદ્રમાં અટવાયેલું છે, જેને બજારમાં લાવવામાં આવે તો કિંમતો પરનો દબાણ ઘટાડવામાં મદદ મળી શકે છે.
ઈરાનની અર્થવ્યવસ્થાને નિશાન બનાવાઈ
જ્યાં એક તરફ સપ્લાય વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે, ત્યાં બીજી તરફ અમેરિકા ઈરાનની તેલ આવકને ઘટાડવા માટે કડક પગલાં પણ લઈ રહ્યું છે. રિપોર્ટ મુજબ, અમેરિકા “મૅક્સિમમ પ્રેશર” સ્ટ્રેટેજી હેઠળ ઈરાનની તેલ નિકાસને લગભગ બંધ કરી તેની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવા માંગે છે. તાજેતરના અહેવાલો મુજબ, અમેરિકા દ્વારા ઈરાનના બંદરો પર બ્લોકેડ, તેલ વહન કરતી શિપ્સ પર કડક કાર્યવાહી અને નેટવર્ક પર સૅન્ક્શન જેવા પગલાં લેવામાં આવી રહ્યા છે. આ સ્ટ્રેટેજીનો મુખ્ય હેતુ ઈરાનને પરમાણુ કાર્યક્રમ અને પ્રાદેશિક નીતિઓ અંગે ચર્ચા માટે દબાણમાં લાવવાનો છે.
વૈશ્વિક બજાર પર અસર
ઈરાન-ઇઝરાયેલ તણાવના કારણે વૈશ્વિક તેલ બજારમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. ઓઈલ સપ્લાયમાં અવરોધ અને જહાજો પર હુમલાઓના કારણે કિંમતોમાં વધારો નોંધાયો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જેવા મહત્વપૂર્ણ માર્ગ પર વધતી અથડામણો વિશ્વના લગભગ 20% તેલ વેપારને અસર કરી શકે છે, જેનાથી વૈશ્વિક અર્થવ્યવસ્થા પર સીધી અસર પડે છે. આ પરિસ્થિતિમાં અમેરિકા બજારને સ્થિર રાખવા માટે એક તરફ તેલ સપ્લાય વધારવા અને બીજી તરફ ઈરાન પર દબાણ જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે.
આ પણ વાંચો: યુદ્ધની એર લાઈન્સ કંપનીઓ પર પડી અસર : લુફ્થાન્સા એર લાઈન્સે રદ કરી 20,000 ફ્લાઈટ્સ
વિશ્લેષકોના મત મુજબ, અમેરિકાની આ દ્વિધા નીતિ એક તરફ સૅન્ક્શન અને બીજી તરફ રાહત. લાંબા ગાળે કેટલા અસરકારક રહેશે તે પ્રશ્નાર્થ છે. કેટલાક નિષ્ણાતો માને છે કે ઈરાનના તેલને બજારમાં લાવવાથી તાત્કાલિક રાહત મળશે, પરંતુ તે ઈરાનને આર્થિક રીતે મજબૂત પણ બનાવી શકે છે. આથી, અમેરિકા માટે આ નીતિ સંતુલન જાળવવાનું મોટું પડકાર બની શકે છે. આગામી દિવસોમાં અમેરિકા ઈરાન અંગે વધુ જાહેરાતો થવાની સંભાવના છે. જો ‘અનસેંક્શન’નો નિર્ણય અમલમાં આવે, તો વૈશ્વિક તેલ બજારમાં તાત્કાલિક અસર જોવા મળી શકે છે.





