Home International Iran Seizes Two Gujarat Bound Cargo Ships In Hormuz After Firing

ઈરાને કરેલાં હુમલામાં ગુજરાત આવી રહેલું જહાજ બન્યું હતું ટાર્ગેટ : ભારતીય જહાજ અંગે ચોંકાવનારી હકીકત આવી સામે

Iran Seizes India Bound Ship Hormuz Strait Tension
Published by: Nirali Gohil
Last Updated: Apr 22, 2026, 11:37 AM IST

Hormuz Strait Tension: આંતરરાષ્ટ્રીય સમુદ્રી માર્ગો પર ફરી એકવાર તણાવની સ્થિતિ સર્જાઈ છે. મધ્ય પૂર્વમાં હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) નજીક ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા બે કોમર્શિયલ જહાજો પર અંધાધૂંધ ગોળીબાર કરવાની અને ત્યારબાદ તેમને કબજે કરવાની સનસનીખેજ ઘટના સામે આવી છે. આ ઘટનામાં ચિંતાજનક બાબત એ છે કે ઈરાને જે જહાજોને નિશાન બનાવ્યા છે, તેમાં એક ભારતીય ધ્વજ ધરાવતું જહાજ પણ સામેલ છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, આ ભારતીય જહાજ દુબઈથી ગુજરાતના મુંદ્રા પોર્ટ પર આવી રહ્યું હતું.

રોયટર્સના અહેવાલ અનુસાર, ઈરાની સુરક્ષા દળોએ ભારતીય જહાજ ઉપરાંત પનામા અને લાઈબેરિયાના ધ્વજ ધરાવતા જહાજો પર પણ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં રોકેટ-પ્રોપેલ્ડ ગ્રેનેડ (RPG) નો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે એક જહાજના બ્રિજને નુકસાન પહોંચ્યું છે. જોકે, રાહતની વાત એ છે કે આ હુમલામાં કોઈ ક્રૂ મેમ્બરને ઈજા થઈ નથી અને જહાજમાં આગ લાગવાની કે પર્યાવરણીય નુકસાનની કોઈ ઘટના બની નથી. હાલમાં ઈરાનના સરકારી ટીવીએ આ જહાજોને કબજે કરીને ઈરાની બંદરે લઈ જવામાં આવી રહ્યા હોવાની પુષ્ટિ કરી છે.

ભારતીય જહાજ 'એપામિનોંડાસ' પર ઈરાનનો કબજો

સૂત્રોના જણાવ્યા મુજબ, જે જહાજ પર ઈરાને કબજો કર્યો છે તેનું નામ 'એપામિનોંડાસ' હોવાનું કહેવાય છે. આ જહાજ ભારતીય ધ્વજ સાથે દુબઈથી માલસામાન ભરીને ગુજરાતના મુંદ્રા બંદર તરફ રવાના થયું હતું. હોર્મુઝની ખાડીમાં અચાનક IRGCની ગનબોટ આ જહાજોની નજીક આવી ગઈ હતી અને કોઈપણ પ્રકારના રેડિયો સંપર્ક વિના સીધું ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ ઘટના બાદ ભારતીય વિદેશ મંત્રાલય અને દરિયાઈ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા સુનિશ્ચિત કરવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.

આ પપણ વાંચો: હવે નવી પેઢી ક્યારેય નહીં ખરીદી શકે સિગારેટ : 'સ્મોક-ફ્રી જનરેશન' માટે કાયદો પસાર

ગનબોટ દ્વારા RPGથી હુમલો અને સુરક્ષામાં ગાબડું

UKMTO (યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ) એ જણાવ્યું કે લાઈબેરિયાના ધ્વજ ધરાવતા કન્ટેનર જહાજના કેપ્ટને માહિતી આપી હતી કે ઈરાની ગનબોટ પર સવાર ત્રણ શસ્ત્રધારી લોકોએ અચાનક ગોળીબાર શરૂ કર્યો હતો. આ હુમલામાં RPG નો ઉપયોગ થતા જહાજના માળખાને નુકસાન થયું છે. આશ્ચર્યની વાત એ છે કે હુમલા પહેલા જહાજના કેપ્ટનને એવી જાણકારી આપવામાં આવી હતી કે તેમને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી છે, તેમ છતાં આ હુમલો કરવામાં આવ્યો હતો.

શા માટે હોર્મુઝ સ્ટ્રેટ છે સંવેદનશીલ?

હોર્મુઝ સ્ટ્રેટ એ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પૈકીનો એક છે. દુનિયાના કુલ તેલ વેપારનો મોટો હિસ્સો આ સાંકડી ખાડીમાંથી પસાર થાય છે. ઈરાન વારંવાર આ માર્ગ પર પશ્ચિમી દેશો અને તેમના સહયોગી દેશોના જહાજોને અટકાવીને પોતાનું વર્ચસ્વ સાબિત કરવાનો પ્રયાસ કરે છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલી વર્તમાન અસ્થિરતા વચ્ચે આ પ્રકારની ઘટના આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો કરી શકે છે અને વૈશ્વિક વેપાર માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now