અમેરિકાના રાજકારણ અને અર્થતંત્રમાં મોટો ફેરફાર કરતાં, શુક્રવારે એક અપીલ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મોટાભાગના ટેરિફ ગેરકાયદેસર જાહેર કર્યા. ફેડરલ સર્કિટ માટે યુએસ કોર્ટ ઓફ અપીલ્સ કહે છે કે રાષ્ટ્રપતિ પાસે કટોકટીની સત્તા છે, પરંતુ તેમાં ટેરિફ અથવા કર લગાવવાની સત્તાનો સમાવેશ થતો નથી.
આ નિર્ણયને ટ્રમ્પની આર્થિક નીતિઓ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. અહેવાલ મુજબ, કોર્ટે 14 ઓક્ટોબર સુધી ટેરિફને યથાવત રાખવાની મંજૂરી પણ આપી હતી, જેના કારણે ટ્રમ્પ વહીવટીતંત્રને આ મામલો સુપ્રીમ કોર્ટમાં લઈ જવાની તક મળી છે.
ટ્રમ્પે કોર્ટને પક્ષપાતી ગણાવી
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું, "બધા ટેરિફ હજુ પણ લાગુ છે. આજે એક ખૂબ જ પક્ષપાતી અપીલ કોર્ટે ખોટું કહ્યું કે અમારા ટેરિફ હટાવવા જોઈએ, પરંતુ તેઓ જાણે છે કે અંતે અમેરિકા જીતશે. જો આ ટેરિફ ક્યારેય હટાવવામાં આવશે, તો તે દેશ માટે આપત્તિ હશે."
ટ્રમ્પે પોતાના નિવેદનમાં વિદેશી દેશો દ્વારા લગાવવામાં આવેલા વેપાર નુકસાન અને અન્યાયી ટેરિફનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે લખ્યું હતું કે, "યુનાઇટેડ સ્ટેટ્સ હવે વિશાળ વેપાર નુકસાન અને અન્યાયી ટેરિફ અને નોન-ટેરિફ વેપાર અવરોધોને સહન કરશે નહીં જે અન્ય દેશો, મિત્ર હોય કે શત્રુ, દ્વારા લગાવવમાં આવે છે, જે આપણા ઉત્પાદકો, ખેડૂતો અને બીજા બધાને નબળા પાડે છે. જો આ ચાલુ રહેવા દેવામાં આવશે, તો આ નિર્ણય શાબ્દિક રીતે અમેરિકાનો નાશ કરશે."