રૂ. 74 કરોડના વ્યાપક નવીનીકરણ બાદ ઉપરકોટ કિલ્લાએ બદલ્યું રૂપ; ગિરનારની ગોદમાં વસેલું 2300 વર્ષથી વધુ જૂનું ઐતિહાસિક સ્થળ આજે દેશ-વિદેશના પ્રવાસીઓનું મનપસંદ ગંતવ્ય બન્યું
જૂનાગઢ: ગરવા ગિરનારની ગોદમાં 62 એકરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલો ઉપરકોટ કિલ્લો માત્ર જૂનાગઢની ઓળખ જ નથી, પરંતુ ગુજરાતના ગૌરવશાળી ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાનું જીવંત પ્રતીક છે. સદીઓના ઉતાર-ચઢાવ, આક્રમણો અને રાજવંશોના પરિવર્તનોનો સાક્ષી રહેલો આ કિલ્લો આજે નવી ભવ્યતા સાથે દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા વ્યાપક નવીનીકરણ બાદ ઉપરકોટ કિલ્લાની લોકપ્રિયતામાં નોંધપાત્ર વધારો થયો છે અને છેલ્લા આશરે અઢીથી ત્રણ વર્ષમાં 17.50 લાખથી વધુ પ્રવાસીઓએ તેની મુલાકાત લીધી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ વિઝનને સાકાર કરતી આ પહેલ હેઠળ ગુજરાત સરકારે અંદાજે રૂ. 74 કરોડના ખર્ચે ઉપરકોટ કિલ્લાનું સંરક્ષણ, પુનઃસ્થાપન અને આધુનિક સુવિધાઓ સાથેનું વિકાસ કાર્ય હાથ ધર્યું હતું. જેના કારણે માત્ર ઐતિહાસિક સ્મારકનું જતન જ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના પ્રવાસન ક્ષેત્રને પણ નવી દિશા મળી છે.

2300 વર્ષ જૂનો ઇતિહાસ આજે પણ જીવંત
બહાઉદ્દીન કોલેજના ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડૉ. ભરત રાઠોડના જણાવ્યા મુજબ ઉપરકોટ કિલ્લાનો ઇતિહાસ ઈસવીસન પૂર્વે બીજી અને ત્રીજી સદી સુધી પહોંચે છે. માનવામાં આવે છે કે મૌર્ય શાસકોના સમયમાં આ કિલ્લાનું પ્રાથમિક નિર્માણ થયું હતું. ત્યારબાદ મૈત્રક, ચુડાસમા, રા' વંશ, સુલતાન મહંમદ બેગડો અને બાબી શાસકો સહિત અનેક રાજવંશોએ અહીંથી શાસન કર્યું હતું. ઉપરકોટ કિલ્લો માત્ર રાજકીય સત્તાનું કેન્દ્ર જ નહોતો, પરંતુ સૈન્ય, વહીવટ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પણ મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યો હતો. આ કારણે જ આજે પણ તેની દિવાલો, દરવાજા અને સ્થાપત્યના વિવિધ અવશેષો ઇતિહાસના પાનાઓને જીવંત બનાવે છે.
અડી-કડી વાવ અને નવઘણ કૂવો આજે પણ અચંબિત કરે છે
ઉપરકોટ કિલ્લાની સૌથી મોટી વિશેષતાઓમાં અડી-કડી વાવ અને નવઘણ કૂવાનો સમાવેશ થાય છે. આધુનિક મશીનો અને ટેક્નોલોજી વિના માત્ર માનવ કૌશલ્ય અને પરિશ્રમથી એક જ વિશાળ ખડકને કોતરીને બનાવવામાં આવેલા આ સ્મારકો આજે પણ ઇજનેરીના અદભૂત નમૂનાઓ માનવામાં આવે છે. નવઘણ કૂવામાં બનાવવામાં આવેલી ગોળાકાર સીડીઓ, હવા અને પ્રકાશ માટે રાખવામાં આવેલી નાની બારીઓ તથા પાણી સંચયની વ્યવસ્થા તે સમયના વૈજ્ઞાનિક અભિગમ અને સ્થાપત્ય કૌશલ્યની સાક્ષી આપે છે. નવીનીકરણ દરમિયાન મળી આવેલી લશ્કરી વાવ પણ સંશોધકો અને ઇતિહાસપ્રેમીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે.
બૌદ્ધ ગુફાઓથી લઈને ગિરનારના નજારા સુધી
ઉપરકોટ કિલ્લામાં આવેલી પ્રાચીન બૌદ્ધ ગુફાઓ આ સ્થળને વધુ વૈવિધ્યપૂર્ણ બનાવે છે. બૌદ્ધ ભિક્ષુઓની સાધના અને આધ્યાત્મિક જીવન સાથે સંકળાયેલી આ ગુફાઓ આજે પણ પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ છે. કિલ્લાની ઊંચાઈ પરથી દેખાતો ગિરનાર પર્વતનો નજારો પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં હરિયાળીથી છવાયેલું ગિરનાર અને ઉપરકોટનો વિસ્તાર પ્રકૃતિપ્રેમીઓ માટે સ્વર્ગ સમાન અનુભવ આપે છે.

આધુનિક સુવિધાઓથી પ્રવાસનને મળ્યો નવો વેગ
ઉપરકોટ કિલ્લાના સંચાલકીય વડા રાજેશ તોતલાણીના જણાવ્યા અનુસાર, નવીનીકરણ બાદ પ્રવાસીઓ માટે અનેક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગાઇડ સેવા, ગોલ્ફ કાર્ટ, સાયકલિંગ ટ્રેક, પીવાના પાણીની વ્યવસ્થા, ફૂડ ઝોન, સ્વચ્છ શૌચાલય અને માહિતી કેન્દ્ર જેવી સુવિધાઓને કારણે પ્રવાસીઓનો અનુભવ વધુ સુખદ બન્યો છે. આ સુવિધાઓના પરિણામે જ છેલ્લા અઢી વર્ષમાં 17.50 લાખથી વધુ પ્રવાસીઓ અહીં પહોંચી ચૂક્યા છે. આ આંકડો દર્શાવે છે કે ગુજરાતના વારસાસ્થળોને આધુનિક દ્રષ્ટિકોણ સાથે વિકસાવવામાં આવે તો તે વૈશ્વિક સ્તરે પણ આકર્ષણનું કેન્દ્ર બની શકે છે.
વર્ષભર ધમધમતું રહે છે ઉપરકોટ
ઉપરકોટ માત્ર ઐતિહાસિક સ્થળ પૂરતું મર્યાદિત નથી. અહીં વર્ષ દરમિયાન 30થી 40 જેટલી નાની-મોટી સાંસ્કૃતિક, શૈક્ષણિક અને પ્રવાસન સંબંધિત ઇવેન્ટ્સ યોજાય છે. દિવાળી, નવરાત્રી અને અન્ય તહેવારોની ઉજવણી પણ અહીં વિશેષ આકર્ષણ બને છે. ગુજરાત ટુરિઝમ, પુરાતત્વ વિભાગ અને સવાણી હેરિટેજના સંયુક્ત પ્રયાસોથી કિલ્લાના પુનઃસ્થાપન અને સંચાલનનું કાર્ય સફળતાપૂર્વક કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : આસ્થાનો મહાપર્વ છે નજીક : અમદાવાદમાં 149મી રથયાત્રાની શરૂ થઈ તૈયારીઓ, ભગવાન જગન્નાથના રથો બનાવવાનું કામ શરૂ
પ્રવાસીઓએ વ્યક્ત કર્યો સંતોષ
અમદાવાદથી આવેલા ડૉ. અંકિતા વરિયાએ જણાવ્યું કે લગભગ દસ વર્ષ પહેલાં જ્યારે તેમણે ઉપરકોટની મુલાકાત લીધી હતી ત્યારે અને આજે જોવા મળતા ઉપરકોટ વચ્ચે ધરતી-આકાશ જેટલો ફરક છે. નવીનીકરણ બાદ સ્થળ વધુ સ્વચ્છ, વ્યવસ્થિત અને આકર્ષક બન્યું છે. તેમણે લોકોને વિદેશ પ્રવાસ કરતાં પહેલાં ગુજરાત અને ભારતના વારસાસ્થળોની મુલાકાત લેવા અપીલ કરતાં જણાવ્યું કે દેશના અનેક ઐતિહાસિક સ્થળો આજે વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે વિકસિત થઈ રહ્યા છે. ગાંધીનગરથી આવેલા પ્રવાસી મિત્રાબેને પણ જણાવ્યું કે ઉપરકોટ કિલ્લાના વિકાસથી લોકો પોતાના ઇતિહાસ અને સંસ્કૃતિને વધુ નજીકથી જાણી શકે છે. તેમના મતે વારસાના સંરક્ષણ અને પ્રવાસન વિકાસનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે.
ગુજરાતના વારસા સંરક્ષણની સફળ ગાથા
ઉપરકોટ કિલ્લાની સફળતા માત્ર એક સ્મારકના નવીનીકરણની વાત નથી, પરંતુ ગુજરાતના વારસા સંરક્ષણ અને પ્રવાસન વિકાસની વ્યાપક નીતિનું પ્રતિબિંબ છે. પ્રાચીન ઐતિહાસિક ધરોહરને જાળવી રાખતાં તેને આધુનિક સુવિધાઓ સાથે જોડવાની આ પહેલ આજે લાખો પ્રવાસીઓને આકર્ષી રહી છે. ગરવા ગિરનારની ગોદમાં ઉભેલો ઉપરકોટ કિલ્લો આજે પણ ગૌરવપૂર્વક કહી રહ્યો છે કે ઇતિહાસ માત્ર પુસ્તકોમાં જ નથી જીવતો, પરંતુ સાચા અર્થમાં તેને અનુભવી પણ શકાય છે.






