Home Gujarat Unemployed Son Father For Not Getting Money For Addiction

પુત્રએ કરી પિતાની હત્યા : પિતા પૂત્રને વ્યસન માટે પૈસા ન આપતા પૂત્રએ વહેલી સવારે રહેંસી નાખ્યા

પુત્રએ કરી પિતાની હત્યા
Published by: OBS Bureau
Last Updated: Jun 28, 2025, 12:37 PM IST

અમદાવાદમાં બેકાર પુત્રને વ્યસનના રુપિયા ન મળતા પિતાની હત્યા કરી છે. આ  પુત્રએ પિતાને બચાવવા વચ્ચે પડેલી બે બહેનો પર પણ હુમલો કર્યો છે. જેમાં એક બહેનના ચહેરા પર ચપ્પુ ફસાઈ જતા ઓપરેશન કરવુ પડયું છે. જે અંગે વાડજ પોલીસે હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હત્યારા પુત્રની ધરપકડ કરી છે.

વાડજ પોલીસે દિલીપ દુર્ગારામ મેઘવાલની હાલમાં ધરપકડ કરી છે. આ 25 વર્ષીય યુવકે તેના જ પિતા દુર્ગારામ મેઘવાલની હત્યા કરી હતી. આ સાથે જ પિતા પર થયેલા હુમલામાં વચ્ચે પડી તેમને બચાવવાનો પ્રયત્ન કરતા તેની બે બહેન લતાબેન અને તરુણાબેન પર પણ હુમલો કર્યો હતો. જેથી દિલીપની ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે વહેલી સવારે વાડજમાં નિર્ણયનગર સેક્ટર 3માં આવેલા રામ પ્રતાપ નગર સોસાયટીમાં આરોપીએ ઘરમાં સુઈ રહેલા તેના પિતા દુર્ગારામ મેઘવાલને ચપ્પુથી 9 જેટલા ઘા માર્યા હતા. જેના કારણે બુમાબુમ થતા આરોપીની બે બહેનો લતાબેન અને તરુણાબેન તેમજ નાનો ભાઈ નિખિલ અને તેની માતા જમકુબેન દુર્ગા રામને બચાવવા વચ્ચે પડ્યા હતા. જેમાં તરુણા બેનના ચહેરા પર છરી ફસાઈ જતા, ઓપરેશન કરવુ પડ્યું છે. જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

હત્યારા દિલીપ મેઘવાલની પુછપરછ કરતા સામે આવ્યું કે તે રાજસ્થાનના જયપુરમાં આર્યા કોલેજ ખાતે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો, પરંતુ વારંવાર નાપાસ થવાથી ભણવાનું મૂકી દીધું હતું. જે બાદ તે કોઈ કામ ધંધો કરતો ન હોય અને પિતા પાસે વારંવાર પૈસાની માગણી કરતો હતો. દુર્ગારામ મેઘવાલ તેને રૂપિયા આપતા ન હોવાથી તેણે પિતાની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. રાતના સમયે જ તેણે પોતાની પાસે ચપ્પુ રાખ્યું હતું અને સવાર પડતાની સાથે જ પિતાની હત્યા કરી હતી. આ મામલે હાલ તો વાડજ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now