દેવભૂમિ દ્વારકા જિલ્લામાં SOG દ્વારા ગેરકાયદેસર ડીઝલના વેપાર સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગર-ખંભાળીયા હાઇવે પર દાંતા ગામ નજીક બાતમીના આધારે દરોડો પાડીને પોલીસે પાંચ આરોપીઓને ઝડપી લીધા છે અને કુલ ₹81.53 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ગેરકાયદેસર રીતે ડીઝલનો સંગ્રહ અને વેચાણ
મળતી માહિતી મુજબ,અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં વધારો થયો છે. આ પરિસ્થિતિનો ગેરફાયદો ઉઠાવી આરોપીઓ ગેરકાયદેસર રીતે ડીઝલનો સંગ્રહ અને વેચાણ કરી રહ્યા હતા.
આંબાના ઝાડની છુપાવ્યું 1700 લિટર ડીઝલ
દરોડા દરમિયાન પોલીસને એક વાડીમાં આંબાના ઝાડ નીચે છુપાવવામાં આવેલું આશરે 1,700 લીટર બિનઅધિકૃત ડીઝલ મળી આવ્યું હતું, જેની કિંમત અંદાજે ₹1.53 લાખ થાય છે. વધુ તપાસમાં બહાર આવ્યું કે આરોપીઓ ટેન્કર ટ્રકમાંથી ડીઝલની ચોરી કરીને તેને પેટ્રોલ પંપ ધારકો અને સપ્લાય કંપનીઓને વેચતા હતા.
આ ઉપરાંત, પોલીસે આશરે ₹80 લાખની કિંમતના ચાર ટેન્કર ટ્રક પણ જપ્ત કર્યા છે. આરોપીઓ પાસે કોઈપણ પ્રકારનો લાયસન્સ કે સલામતીના સાધનો ન હોવા છતાં તેઓ જ્વલનશીલ પદાર્થનો સંગ્રહ કરતા હતા, જેના કારણે માનવજીવન માટે ગંભીર જોખમ ઉભું થતું હતું.
જામ ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં ગુનો
પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ જામ ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ ટેન્કર ટ્રકના માલિકને શોધવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
આ ઘટનાએ ગેરકાયદેસર ઈંધણ વેપારના નેટવર્કને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે અને આગળ પણ આવી કાર્યવાહી ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.





