Surat News: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શહેરની માળખાગત સુવિધાઓ અને વહીવટી તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. શહેરના વ્યસ્ત ગણાતા કાપોદ્રા વિસ્તારમાં ભરઉનાળે મેઈન રોડ પર અચાનક મસમોટો ભુવો પડતા સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે ચોમાસામાં ભુવા પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ ધોમધખતા તાપમાં રોડ બેસી જવાની આ ઘટનાએ પાલિકાના રોડ-રસ્તાના કામોની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું છે.
સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, કાપોદ્રા મેઈન રોડ પર જ્યાં આ ભુવો પડ્યો છે ત્યાં થોડા સમય પહેલા જ નવા રોડનું કામ કરવામાં આવ્યું હતું. કરોડોના ખર્ચે બનેલા રસ્તાઓ ગણતરીના મહિનાઓમાં જ ધરાશાયી થતા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી નજીક હોવાથી વિરોધ પક્ષો અને સ્થાનિક રહીશો તંત્રની બેદરકારી પર આકરા પ્રહારો કરી રહ્યા છે.
આ પણ વાંચો: સુરતમાં સિંચાઈના પાણી માટે ખેડૂતોનો હલ્લાબોલ : "પાણી નહીં તો વોટ નહીં"ના નારા સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી
વ્યસ્ત માર્ગ પર ભુવો પડતા વાહનચાલકો અટવાયા
કાપોદ્રાનો આ મેઈન રોડ દિવસભર ટ્રાફિકથી ધમધમતો રહે છે. રસ્તાની વચ્ચોવચ ભુવો પડવાને કારણે વાહનચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે અંધારામાં કોઈ મોટો અકસ્માત ન સર્જાય તે માટે સ્થાનિકોએ સતર્કતા દાખવી હતી. ભુવો પડવાની જાણ થતા જ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક ધોરણે બેરીકેટ મૂકીને ભુવાને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો.

ચૂંટણી ટાણે જ તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલો
સુરત મહાનગરપાલિકાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સત્તાધારી પક્ષ અને તંત્ર માટે આ ભુવો મુસીબત બની શકે છે. સ્થાનિકોનું કહેવું છે કે, ચૂંટણી જીતવા માટે ઉતાવળમાં કરવામાં આવતા કામોમાં લોટ, પાણી અને લાકડા જેવી નીતિ અપનાવવામાં આવે છે, જેના પરિણામે જનતાના ટેક્સના પૈસાનું ધોવાણ થાય છે. "સ્માર્ટ સિટી" ના દાવાઓ વચ્ચે મુખ્ય માર્ગો પર પડતા ભુવાઓ પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી રહ્યા છે.





