સુરત: દક્ષિણ ગુજરાતના હજીરા કાંઠા વિસ્તારના ખેડૂતો માટે પાણીની સમસ્યા વિકરાળ બની રહી છે. છેલ્લા 12 દિવસથી કેનાલમાંથી ડાંગરના પાક માટે પૂરતું પાણી ન મળતા રોષે ભરાયેલા ખેડૂતોએ આજે સુરત સિંચાઈ વિભાગની કચેરીએ પહોંચી ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોનો આક્ષેપ છે કે, કાળઝાળ ગરમીમાં પાણીના અભાવે તેમનો ઉભો ડાંગરનો પાક સુકાઈ રહ્યો છે, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ છે.
હજીરા ગ્રુપ ગ્રામ પિયત સહકારી મંડળીના ઉપપ્રમુખ જયેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સુવાલી માઈનોર, હજીરા માઈનોર અને તેની પેટા કેનાલો (8R, 9R, 10R) હેઠળ આવતા વિસ્તારના ખેડૂતો છેલ્લા ત્રણ વર્ષથી પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. આ વર્ષે પણ સતત 12 દિવસથી પાણી ન મળતા ડાંગરનો પાક ફેલ થવાની અણી પર છે. જો આગામી દિવસોમાં તાત્કાલિક પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતોએ આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ડાંગરનો પાક સુકાવાની ભીતિ, ખેડૂતો પાયમાલ થવાના આરે
હજીરા વિસ્તારમાં ડાંગરની ખેતી મુખ્ય છે. ઉનાળાની શરૂઆતમાં જ જ્યારે પાણીની વધુ જરૂર હોય છે, ત્યારે જ સિંચાઈ વિભાગ દ્વારા અન્યાય કરવામાં આવતો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ખેડૂતોના મતે, છેલ્લા ત્રણ સીઝનથી ઓલપાડ-ચોર્યાસી વિસ્તારમાં ડાંગરનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે. આ વર્ષે પણ જો પાણી નહીં મળે તો ખેડૂતો દેવામાં ડૂબી જશે. સિંચાઈ વિભાગની કચેરીએ મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવી હતી અને તાત્કાલિક ધોરણે પાણીની માંગણી કરી હતી.
ચૂંટણી બહિષ્કારની ગંભીર ચેતવણી
ખેડૂતોએ માત્ર આવેદનપત્ર આપીને સંતોષ નથી માન્યો, પરંતુ લોકશાહીના પર્વ સમાન ચૂંટણીના બહિષ્કારનું હથિયાર ઉગામ્યું છે. ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, "પાણી એ અમારો હક છે અને જો સરકાર કે તંત્ર અમને પાક બચાવવા માટે પાણી નહીં આપે, તો અમે આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોઈ પણ પક્ષને વોટ આપીશું નહીં અને મતદાનનો બહિષ્કાર કરીશું." આ ચીમકીને પગલે રાજકીય વર્તુળોમાં પણ હલચલ મચી ગઈ છે.





