Surat: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના નગારા વાગી ચૂક્યા છે. રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, પરંતુ સુરતમાં સત્તાધારી પક્ષ ભાજપ માટે પ્રચાર કરવો હવે લોઢાના ચણા ચાવવા જેવો સાબિત થઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ જ્યારે રાંદેર વિસ્તારમાં પ્રચાર કરવા નીકળ્યા, ત્યારે તેમને જનતાના અભૂતપૂર્વ અને આક્રમક રોષનો સામનો કરવો પડ્યો હતો.
20 વર્ષનો હિસાબ માંગતી જનતા
5 એપ્રિલના રોજ વોર્ડ નં. 9 (રાંદેર-ઝંડા ચોક) માં ભાજપના દિગ્ગજ નેતા રાજન પટેલ અને તેમના કાર્યકર્તાઓ જનસંપર્ક માટે નીકળ્યા હતા. નેતાઓ જ્યારે હાર-તોરા અને સ્મિત સાથે મત માંગવા પહોંચ્યા, ત્યારે સ્થાનિકોએ તેમને રસ્તામાં જ અટકાવી દીધા હતા. લોકોનો એક જ સવાલ હતો. "20 વર્ષથી અમે તમને મત આપીએ છીએ, પણ આજે મતની જરૂર પડી ત્યારે જ કેમ દેખાયા?" લોકોએ આક્ષેપ કર્યો હતો કે વિસ્તારમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં છે અને વર્ષોથી કોઈ કામગીરી થઈ નથી. નેતાઓએ જ્યારે 'આશ્વાસન' આપવાની જૂની પદ્ધતિ અજમાવી, ત્યારે લોકોએ વળતો પ્રહાર કરતા કહ્યું કે આવા વાયદાઓ સાંભળીને હવે કાન પાકી ગયા છે.
આ પણ વાંચો: સ્કૂલ-કોર્ટ બાદ હવે RTO નિશાના પર : અમદાવાદ અને રાજકોટમાં આવ્યા બોમ્બની ધમકીભર્યા ઈમેલ
ગંદા પાણીની ડોલ અને ક્ષોભજનક સ્થિતિ
વિરોધનું સૌથી ચોંકાવનારું દ્રશ્ય ત્યારે સર્જાયું જ્યારે એક રહીશ નળમાં આવતું કાળા રંગનું અને અત્યંત દુર્ગંધ મારતું પાણી ડોલમાં ભરીને સીધું રાજન પટેલ સામે લઈ આવ્યા. શું આ પાણી પીવાલાયક છે? તમે કરોડોના બજેટની મોટી-મોટી વાતો કરો છો, પણ અમને પીવા માટે શુદ્ધ પાણી આપી શકતા નથી? તમને આ જોતા શરમ નથી આવતી?" લોકોના આ વેધક સવાલો સામે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન નિરુત્તર થઈ ગયા હતા. જે નેતાએ આખા શહેરનું કરોડોનું બજેટ રજૂ કર્યું હોય, તે પોતાના જ વિસ્તારમાં પાયાની સુવિધા આપવામાં નિષ્ફળ સાબિત થતા ભારે ક્ષોભજનક સ્થિતિ મુકાઈ હતી.
મહિલાઓ અને વૃદ્ધોનો હુમકારો: "વોટ નહીં મળે"
આ વખતે માત્ર યુવાનો જ નહીં, પણ ઘરની જવાબદારી સંભાળતી મહિલાઓ પણ મેદાનમાં આવી હતી. મહિલાઓએ આક્રોશ ઠાલવતા કહ્યું કે, ગંદા પાણીને કારણે બાળકો બીમાર પડી રહ્યા છે અને ખરાબ રસ્તાઓને કારણે વૃદ્ધોનું ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. રોષે ભરાયેલી મહિલાઓએ નેતાઓને સીધેસીધું સંભળાવી દીધું હતું કે "આ એરિયાને આજે તમે ભૂલી જજો, અહીંથી આ વખતે કોઈ વોટ નહીં મળે."
આ પણ વાંચો: Iran Israel US War : ટ્રમ્પની છેલ્લી ચેતવણી- "Strait of Hormuz ખોલો નહીંતર નરક જોવા તૈયાર રહો"
કાર્યકર્તાઓ અને લોકો વચ્ચે ઘર્ષણ
જ્યારે સ્થિતિ હાથબહાર ગઈ, ત્યારે ભાજપના કાર્યકર્તાઓએ નેતાઓનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ જ્યારે વિરોધનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું, ત્યારે કાર્યકર્તાઓએ તેને અટકાવવાની કોશિશ કરી. જેના કારણે સ્થાનિકો વધુ ભડક્યા હતા અને કહ્યું હતું કે, "અમારી પોલ ખુલ્લી પડી રહી છે એટલે તમે ડરો છો? અમે વીડિયો ચોક્કસ ઉતારીશું."
સુરતની આ ઘટના એ વાતનો સંકેત છે કે હવે જનતા માત્ર 'વિકાસના દાવા' થી સંતુષ્ટ નથી. કરોડોના બજેટ અને કાગળ પરની યોજનાઓ જ્યારે સામાન્ય માણસના નળ સુધી કે રસ્તા સુધી નથી પહોંચતી, ત્યારે જનતા આ પ્રકારે રસ્તા પર ઉતરે છે. આગામી ચૂંટણીમાં આ જનરોષ ભાજપને કેટલો ભારે પડશે, તે તો સમય જ બતાવશે.





