Gujarat Bomb Threat : ગુજરાતના મુખ્ય શહેરોમાં સુરક્ષાને લઈને ચિંતા વધારતી ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં અમદાવાદ, સુરત અને રાજકોટની RTO કચેરીઓને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ મળતા તંત્ર તાત્કાલિક એલર્ટ થઈ ગયું છે. ધમકી મળતા જ RTO અધિકારીઓએ પોલીસને જાણ કરી, જેના પગલે ત્રણેય શહેરોમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે.
અમદાવાદ RTO ને આવ્યો ઈમેલ
અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી RTO Ahmedabad કચેરીને સાવચેતીના ભાગરૂપે તરત ખાલી કરાવવામાં આવી હતી. તે સમયે ટ્રેક ટેસ્ટ માટે આવેલા અરજદારોને પણ પરત મોકલી દેવાયા હતા. પોલીસ સાથે બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા સમગ્ર પરિસરની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવે તો તરત કાર્યવાહી થઈ શકે.
સુરતમાં પણ મળી ધમકી
સુરતમાં પણ સમાન પરિસ્થિતિ સર્જાઈ હતી. RTO Surat ને ઈમેલ મારફતે બોમ્બ ધમકી મળતા તાત્કાલિક કચેરી ખાલી કરાવવામાં આવી હતી. ટ્રેક ટેસ્ટ સહિતની કામગીરી અસ્થાયી રીતે બંધ રાખવામાં આવી છે. અહીં પણ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
રાજકોટ RTO ને આવ્યો ઈમેલ
રાજકોટમાં આવેલી RTO Rajkot કચેરીને પણ આવી જ ધમકી મળતા તંત્ર દોડતું થયું હતું. કચેરી ખાલી કરાવી દેવામાં આવી અને સુરક્ષા એજન્સીઓએ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.
અન્ય શહેરોના RTO ને મળી બોમ્બની ધમકી
અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા બાદ હવે કચ્છની RTO કચેરીને બોમ્બનો ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. ઈમેલ મળતા જ પોલીસ કાફલો અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ કરી દેવામાં આવ્યું છે. અરજદારોમાં અફરાતફરી મચી અને લોકોની સલામતીના ભાગરૂપે બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવી છે.
આ પણ વાંચો: "ગુજરાતીઓ અભણ..." કોંગ્રેસના નેતા ખડગેનું નિવેદન : ગુજરાતીઓમાં ભભૂક્યો રોષ, "જો માફી નહીં માંગે તો...!"
અગાઉ પણ મળી ચૂકી છે ધમકી
ઉલ્લેખનીય છે કે, આ પહેલા 12 માર્ચ, 2026ના રોજ અમદાવાદની Ahmedabad Metropolitan Court ને પણ બોમ્બ ધમકી મળી હતી. તે સમયે પણ સંપૂર્ણ બિલ્ડિંગ ખાલી કરાવીને સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, પરંતુ કોઈ ખતરનાક વસ્તુ મળી નહોતી.
આવી સતત મળતી ધમકીઓને કારણે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. જાહેર સ્થળોએ નજર રાખવામાં વધારો કરવામાં આવ્યો છે અને દરેક ધમકીને ગંભીરતાથી લઈ તપાસ કરવામાં આવી રહી છે. નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તરત જ પોલીસને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે.





