કેરલમ વિધાનસભા ચૂંટણી માટે આગામી 9 એપ્રિલ, 2026ના રોજ મતદાન યોજાશે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા કેરલમમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. ત્યારે આજે(5 એપ્રિલ) કેરલમમાં ચૂંટણી પ્રચાર કરી રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. કેરલમના ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેએ ગુજરાતીઓને અશિક્ષિત-અભણ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, 'મોદીજી ગુજરાતની અભણ પ્રજાને મૂર્ખ બનાવી શકે, કેરલમની નહીં...'
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે AAP-કોંગ્રેસે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ત્યારે ચુંટણી પહેલા કેટલા કાર્યકરો પક્ષ બદલી રહ્યા છે, જેથી ગુજરાતનું રાજકારણ ગરમ છે. તે દરમિયાન કેરલમમાં પણ વિધાનસભાની ચુંટણી માટે રાજકીય પક્ષોનો પ્રચાર ચાલુ થઈ ગયો છે. ત્યારે 5 એપ્રિલે કેરલમ ચુંટણી માટે પ્રચાર દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓ અંગે મોટું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આ નિવેદનને કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.
કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે "મોદીજી ગુજરાતની અભણ પ્રજાને મૂર્ખ બનાવી શકે છે, કેરલમની નહીં... " મલ્લિકાર્જુન ખડગેના આ નિવેદનથી ગુજરાતના કેટલાક નેતાઓએ 'અપમાનજનક' ગણાવી વળતાં પ્રહાર કરી રહ્યા છે.
આ મામલે ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખનું નિવેદન
મલ્લિકાર્જુન ખડગેના વિવાદાસ્પદ નિવેદન ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પ્રતિક્રિયા આપતા કહ્યું, "ગુજરાતની સાડા છ કરોડ જનતા, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસીઓને પૂછવા માંગુ છું કે ગુજરાત પ્રત્યે આટલું ઝેર કેમ? વારંવાર ગુજરાતીઓને જ કેમ ટાર્ગેટ બનાવવામાં આવે છે? ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે આટલી બધી ઈર્ષ્યા શેના માટે છે?"
ભાજપ પ્રદેશ પ્રમુખ આગળ બોલ્યા, "કેરળની ચૂંટણીના ઉન્માદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી ભાન ભૂલ્યા છે, ત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગે દ્વારા ગુજરાતીઓને 'અભણ અને મૂર્ખ' કહેવામાં આવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીજી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેવા ગુજરાતી નેતાઓ સામે સીધી રાજકીય લડત ન આપી શકનારા હવે ગુજરાતીઓનું અપમાન કરી રહ્યા છે."
"તમામ ગુજરાતીઓનું વારંવાર અપમાન" જગદીશ વિશ્વકર્મા
"માત્ર ગુજરાત જ નહીં, દેશ-વિદેશમાં રહેતા તમામ ગુજરાતીઓનું વારંવાર અપમાન એ ગુજરાતીઓ ક્યારેય સહન નહીં કરે. આ નિવેદનથી કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતા ફરી બહાર આવી છે. અગાઉ પણ ટીએમસીના સાંસદ દ્વારા ગુજરાતીઓને સ્વાતંત્ર સેનાનીઓ અંગે અપમાનજનક નિવેદન કરાયું છે. પ્રશ્ન ઉઠી રહ્યો છે કે રાષ્ટ્ર નિર્માણમાં ગુજરાતીઓના વિશાળ યોગદાનને શું ખડગે ભૂલી ગયા છે? કે પછી ગુજરાતના વિકાસને અને અહીંની એકતા સામે ગભરાયેલા છે?" એમ જગદીશ વિશ્વકર્મા બોલ્યા.
"કોંગ્રેસનો કાળો પંજો..." ભાજપ પ્રદેશ પ્રમુખ
"ગુજરાતની શાણી અને સમજુ જનતા છેલ્લા 27-27 વર્ષથી ગુજરાતની તિજોરી પર કોંગ્રેસનો કાળો પંજો પડવા દેતી નથી, ત્યારે દેશની 140 કરોડ જનતાએ દેશની તિજોરી પર ત્રણ-ત્રણ વખત કોંગ્રેસનો કાળો પંજો પડવા નથી દીધો."
"રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અપમાન" જગદીશ વિશ્વકર્મા
"ત્યારે દેશને આઝાદી આપવામાં જેમનું અમૂલ્ય યોગદાન છે એવા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અપમાન છે. જેમણે સ્વતંત્રતા આંદોલનમાં પોતાનું સમગ્ર જીવન ખપાવી દીધું, આઝાદી પછી પણ દેશના 562 રજવાડાઓને એક કરી ભારતની અખંડિતતા જાળવી રાખવાનું અભૂતપૂર્વ કાર્ય કર્યું હોય, તેવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું આ સદંતર અપમાન છે."
"વિશ્વભરમાં રહેતા તમામ ગુજરાતીઓનું અપમાન છે. મલ્લિકાર્જુન ખડગે અને તેમના તમામ કોંગ્રેસીઓને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીજીને પૂછવા માંગુ છું કે આવો ગુજરાતમાં... પછી ખબર પડશે! આ વખતે અભણ કહેવાયેલી જનતા તમને ચોક્કસ જડબાતોડ જવાબ આપશે."
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની હલચલ તેજ : કોંગ્રેસે જાહેર કર્યા 243 ઉમેદવારો
"મલ્લિકાર્જુન ખડગે જો આ મામલે માફી નહીં માંગે તો..." : જગદીશ વિશ્વકર્મા
"ગુજરાત કોંગ્રેસ અને મલ્લિકાર્જુન ખડગે જો આ મામલે માફી નહીં માંગે તો પછી ગુજરાતની જનતા પોતાનો કરારો જવાબ આપશે. ફરીથી રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સાડા છ કરોડ ગુજરાતી નહીં, પણ દેશ-વિદેશમાં વસતા તમામ ગુજરાતીઓની માફી માંગે, માફી માંગે, માફી માંગે! ખડગેજી, આનો જવાબ આ બંને ગુજરાતીઓ તમને ભારે પડશે, લખવું હોય તો લખી રાખજો."
"એકદમ અપમાનજનક ટિપ્પણી": સાંસદ ધવલ પટેલ
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાતીઓને અભણ કહેવાના નિવેદન પર પ્રદેશ ભાજપના સહ પ્રવકતા અને વલસાડના સાંસદ ધવલ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, " એકદમ અપમાનજનક ટિપ્પણી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખરગેએ આપણા ગુજરાતીઓ અને ગુજરાત વિશે આપી. એમણે એમ કહ્યું કે બધા જ ગુજરાતીઓ, 6.5 કરોડ ગુજરાતીઓ અભણ છે, ઈલિટરેટ છે, એના કારણે ભારતીય જનતા પાર્ટીને ઘડીએ-ઘડીએ વોટ આપે છે. આ પાછું કોંગ્રેસના નેતાઓએ પોતાના દિલમાં, પોતાના મનમાં જે આપણા ગુજરાતી અને ગુજરાત વિશે જે ઝેર છે, જે નફરત છે એ પાછી જાહેર કરી કે ગુજરાતીઓ બધા અભણ છે."
'જવાહરલાલ નેહરુએ કાવતરાપૂર્વક સરદાર વલ્લભભાઈ પટેલને હટાવ્યા' : સાંસદ ધવલ પટેલ
તેઓ વધુમાં બોલ્યા, "અને આ પહેલીવાર નથી થયું. તમને બધાને યાદ હશે કે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતી, દેશના પ્રધાનમંત્રી પહેલા બનવાના હતા ત્યારે પણ જવાહરલાલ નેહરુએ કાવતરાપૂર્વક એમને હટાવી દીધા અને એમને પ્રધાનમંત્રી નહીં બનવા દીધા. એ જ રીતે મોરારજી દેસાઈ પણ દેશના એકદમ સશક્ત અને મજબૂત નેતા બનતા હતા ત્યારે પણ ઇન્દિરા ગાંધીએ એમને પણ હટાવવાનું કામ કર્યું."
"ગુજરાત અને ગુજરાત પ્રત્યે કેટલી નફરત છે." : સાંસદ ધવલ પટેલ
"અને જ્યારથી આપણા દેશમાં પ્રધાનમંત્રી મોદી સાહેબ અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબ પૂરા દેશભરમાં અને રાજ્યોમાં સારું શાસન ચલાવી રહ્યા છે ત્યારે પણ કોંગ્રેસના લોકો પૂરા ગુજરાતીઓને અને ગુજરાત માટે અવારનવાર આવા બયાન આપીને પોતાના મનમાં જે ઝેર છે, જે નફરત છે એ જાહેર કરે છે. થોડા જ વર્ષો પહેલા રાહુલ ગાંધીએ પણ આસામમાં એમ કહ્યું હતું કે બધા જ ગુજરાતીઓ કૌભાંડી છે અને કૌભાંડ કરે છે. આ બતાવે છે કે આ કોંગ્રેસના લોકોએ ગુજરાત અને ગુજરાત પ્રત્યે કેટલી નફરત છે."
"કોંગ્રેસની ટીમ એનો પબ્લિકલી જો મલ્લિકાર્જુન ખરગેનો વિરોધ ના કરે, તો..." સાંસદ ધવલ પટેલ
ભાજપના સહ પ્રવકતા અને સાંસદ ધવલ પટેલ ગુજરાત કોંગ્રેસના નેતાઓને સવાલ પૂછતાં બોલ્યા, "મારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા તુષાર ચૌધરીને પૂછવું છે કે જ્યારે મલ્લિકાર્જુન ખરગે તમારા રાષ્ટ્રીય પ્રમુખે ગુજરાતીઓ વિશે આટલી અપમાનજનક ટિપ્પણી કરી છે, તો તમે મલ્લિકાર્જુન ખરગેને સપોર્ટ આપવાના છો, સમર્થન આપવાના છો કે તમે ગુજરાતીઓને અને ગુજરાતને સપોર્ટ આપવાના છો? આ ગુજરાતની અપમાનની વાત છે, ગુજરાતીઓના અપમાનની વાત છે તો મલ્લિકાર્જુન ખરગેના આ બયાન પર અમિત ચાવડા, તુષાર ચૌધરી અને પૂરી કોંગ્રેસની ટીમ એનો પબ્લિકલી જો મલ્લિકાર્જુન ખરગેનો વિરોધ ના કરે, તો એ સાબિત થશે કે ગુજરાત કોંગ્રેસ પણ પૂરેપૂરી રીતે ગુજરાતીઓ અને ગુજરાત માટે નફરત કરે છે."





