સાણંદ: અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં નશાના કારોબારનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાણંદ પોલીસે બાતમીના આધારે ઓપરેશન પાર પાડીને કપડાંની દુકાનની આડમાં ચાલતા મેફેડ્રોન (MD) ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કર્યો છે. શહેરના નાળાની ભાગોળ જેવા વ્યસ્ત વિસ્તારમાં આવેલી એક ફેશન સ્ટોરમાં ગ્રાહકોને કપડાંના બદલે મોતનું વેચાણ કરવામાં આવતું હોવાનું બહાર આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે આ મામલે મુખ્ય સૂત્રધાર સહિત કુલ 4 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ડ્રગ્સ નેટવર્ક છેક રાજસ્થાન સુધી ફેલાયેલું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આરોપીઓ કપડાંના વેપારના બહાને ડ્રગ્સનો જથ્થો મંગાવતા અને ત્યારબાદ તેનું સ્થાનિક સ્તરે છૂટક વેચાણ કરતા હતા. સાણંદ પોલીસની ટીમે બાતમીદારની સચોટ માહિતી પરથી 'બાબા ફેશન' નામની દુકાનમાં દરોડો પાડ્યો ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. દુકાનમાંથી ડ્રગ્સનો જથ્થો અને પેકિંગ માટેની સામગ્રી મળી આવતા સ્પષ્ટ થયું છે કે અહીં લાંબા સમયથી આ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી હતી.
પોલીસ કોન્સ્ટેબલની સજાગતાથી પકડાયું ‘બાબા ફેશન’નું પાપ
સાણંદ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મહિપાલસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે, નાળાની ભાગોળ પાસે આવેલી 'બાબા ફેશન' નામની દુકાનમાં ધવલ ઉર્ફે લવલી દરજી નામનો શખ્સ કપડાં વેચવાની આડમાં MD ડ્રગ્સનો કાળો કારોબાર ચલાવે છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને જેવો જ જથ્થો દુકાનમાં આવ્યો કે તુરંત દરોડો પાડ્યો હતો. આરોપી લવલી દરજી ગ્રાહકોને આકર્ષવા માટે દુકાનનો ઉપયોગ સેફ હાઉસ તરીકે કરતો હતો.
રૂ. 2.44 લાખનો મુદ્દામાલ જપ્ત: MD ડ્રગ્સ અને ઝીપલોક બેગ મળી આવી
પોલીસના દરોડા દરમિયાન દુકાનની તલાશી લેતા ચોંકાવનારો મુદ્દામાલ હાથ લાગ્યો છે. પોલીસે સ્થળ પરથી:
21.48 ગ્રામ MD ડ્રગ્સ: જેની બજાર કિંમત આશરે રૂ. 2,14,800/- થાય છે.
પેકિંગ સામગ્રી: ડ્રગ્સને નાના પ્રમાણમાં વેચવા માટે ઉપયોગમાં લેવાતી ઝીપલોક બેગનો જથ્થો.
મોબાઈલ ફોન: રૂ. 30,000/- ની કિંમતનો મોબાઈલ ફોન પણ જપ્ત કરાયો છે, જેના કોલ ડિટેલ્સના આધારે વધુ તપાસ ચાલી રહી છે. પોલીસે કુલ રૂ. 2,44,800/- નો મુદ્દામાલ જપ્ત કરીને ડ્રગ્સના વેપારના નેટવર્કને તોડી પાડ્યું છે.
રાજસ્થાન કનેક્શનની તપાસ તેજ, વધુ ધરપકડની શક્યતા
ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આ ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનથી સપ્લાય કરવામાં આવતો હતો. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 4 શખ્સોને પણ ઝડપી લીધા છે અને હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે સાણંદમાં અન્ય કોણ કોણ આ ડ્રગ્સના ગ્રાહકો હતા અને રાજસ્થાનમાં બેઠેલા કયા મોટા માથા આ નેટવર્ક ચલાવી રહ્યા છે. અમદાવાદ ગ્રામ્યમાં ડ્રગ્સ સામેની આ મોટી કાર્યવાહીથી નશાના સોદાગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.





