અમદાવાદ શહેરના અમરાઇવાડી વિસ્તારમાં રહેતી 26 વર્ષીય યુવતીને પ્રેમ સંબંધ તોડવો મોંઘો પડ્યો છે. પ્રેમ સંબંધ તૂટતા નારાજ થયેલા યુવકે યુવતીના ઘેર ચાકુ લઇ પહોંચી જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી દીધી હતી. યુવતીના બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. સમગ્ર મામલે યુવતીએ અમરાઇવાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
મોના (ઓળખ છુપાવવા નામ બદલાયું છે) નામની યુવતી અમરાઇવાડી વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. સાત વર્ષ પહેલાં તેની ફેસબુક પર કરણ પરમાર નામના યુવક સાથે ઓળખાણ થઈ હતી. ઓળખાણ આગળ વધતાં તેઓ વચ્ચે મિત્રતા અને ત્યારબાદ પ્રેમ સંબંધ શરૂ થયો હતો. કરણ અને મોના એકબીજાને મળવા લાગ્યા હતા.
આ દરમ્યાન મોનાને જાણવા મળ્યું કે કરણ પરણેલો છે અને તેને એક સંતાન પણ છે. આ સત્ય જાણવા મળતાં મોનાએ તરત જ તેના સંબંધ તોડી નાખ્યા હતા અને કરણને સંપર્ક ન કરવા માટે કહી દીધું હતું.
જબરદસ્તી અને ધમકીઓ
સંબંધ તૂટી ગયા બાદ પણ કરણ મોનાના સંપર્કમાં રહેવા જબરદસ્તી કરવાનો પ્રયાસ કરતો હતો. મોનાએ પોતાનું નામ ખોટું ન આવે અને બદનામ ન થવું પડે તે ડરથી વાતચીત ચાલુ રાખી હતી. પરંતુ છેલ્લાં ત્રણ મહિનાથી મોનાએ કરણ સાથે કોઈપણ પ્રકારની વાતચીત બંધ કરી દીધી હતી.
આથી નારાજ થયેલા કરણએ યુવતીનું પીછો કરવાનું શરૂ કર્યું હતું અને કહેતો હતો કે, "તને બગાડી નાખીશ, તારા ફ્લેટમાં રહેતા લોકોને આપણા સંબંધની વાત કહી દઇશ."
ઘર પર ચાકુ લઇ પહોંચી ગયો
ઘટનાના દિવસે કરણ મોનાના ઘેર ચાકુ લઇ પહોંચી ગયો હતો અને ચીખચીખ કરતો એ ધમકી આપતો હતો કે, "મારી સાથે સંબંધ નહીં રાખે તો તને જાનથી મારી નાખીશ." તેની આ ઘટનાથી મોનાએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો એકઠા થયા હતા અને યુવક ત્યાંથી ભાગી ગયો હતો.
પોલીસ ફરિયાદ નોંધાઇ
આ સમગ્ર ઘટનાથી પરેશાન થયેલી મોનાએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં કરણ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય દંડ સંહિતા હેઠળ ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર





