અમદાવાદ શહેરના વિકાસ અને નાગરિકોની સુવિધા માટે શહેર કોંગ્રેસ દ્વારા મહત્વના વાયદાઓ સાથેનો મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલ અને વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ આગામી આયોજનો અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે, કોંગ્રેસની પ્રાથમિકતા મધ્યમ અને ગરીબ વર્ગના ઉત્થાનની રહેશે.
સરદાર પટેલની વિરાસત અને શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર
શહેર પ્રમુખ સોનલ પટેલે જણાવ્યું હતું કે, જે સંસ્થાને (મ્યુનિસિપલ કોર્પોરેશન) એક સમયે સરદાર વલ્લભભાઈ પટેલે શોભાવી હતી, તેની હાલની સ્થિતિ ચિંતાજનક છે. ગુજરાતમાં શહેરીકરણનો દર 46% છે, જ્યારે અમદાવાદ સહિતના મુખ્ય ચાર શહેરોમાં 56% વસ્તી વસે છે. બહારથી આવતા લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ અને સારા આવાસની અપેક્ષા રાખે છે, જે પૂરી કરવી અમારું મુખ્ય લક્ષ્ય છે.
હોકર્સ પોલિસી અને વેન્ડિંગ ઝોન
અમદાવાદના આર્થિક માળખામાં 'ઇન્ફોર્મલ સેક્ટર' એટલે કે લારી-ગલ્લા ધારકો અને ફેરિયાઓનો મોટો ફાળો છે. સોનલ પટેલે ઉમેર્યું કે, ડો. મનમોહન સિંહની સરકાર વખતે ફેરિયાઓ માટે જે પોલિસી બની હતી, તેનું પાલન કરવામાં આવશે.
સમગ્ર અમદાવાદમાં હોકર્સનો સર્વે કરવામાં આવશે.
ફેરિયાઓ માટે વ્યવસ્થિત 'વેન્ડિંગ ઝોન' બનાવવામાં આવશે.
વારંવાર થતી હેરાનગતિ બંધ કરી તેમને સુરક્ષિત રોજગારી પૂરી પડાશે.
12,000 નવી નોકરીઓ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન
ભરતસિંહ સોલંકીએ સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, હાલમાં 'પૈસા દો, કામ લો'ની નીતિ ચાલી રહી છે, જ્યાં મોટા કોન્ટ્રાક્ટરો ભાજપને ફંડ આપે છે અને બદલામાં કામ મેળવે છે. કોંગ્રેસ આ ફિલોસોફી બદલીને લોકો માટે કામ કરવાની નીતિ લાવશે.
આ પણ વાંચો: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોનું 5 મું લિસ્ટ જાહેર : ભાજપ-કોંગ્રેસના ગઢમાં મચશે ખળભળાટ?
સૌથી મહત્વની જાહેરાત કરતા તેમણે કહ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં લગભગ 12,000 જેટલી જગ્યાઓ ખાલી છે. જો કોંગ્રેસ સત્તા પર આવશે, તો આ તમામ ખાલી પડેલી સરકારી નોકરીઓ તાત્કાલિક ધોરણે ભરવામાં આવશે, જેથી બેરોજગાર યુવાનોને રોજગારી મળી શકે.





