કેરલમ વિધાનસભા ચૂંટણી માટે આગામી 9 એપ્રિલ, 2026ના રોજ મતદાન યોજાશે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા કેરલમમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. ત્યારે આજે(5 એપ્રિલ) કેરલમમાં ચૂંટણી પ્રચાર કરી રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. કેરલમના ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેએ ગુજરાતીઓને અશિક્ષિત-અભણ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, 'મોદીજી ગુજરાતની અભણ પ્રજાને મૂર્ખ બનાવી શકે, કેરલમની નહીં...' કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખના આ નિવેદન પર ગુજરાતના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમાં બંનેએ આ નિવેદનને 6 કરોડ ગુજરાતીઓનું અપમાન ગણાવ્યું.
ખડગેના વિવાદાસ્પદ નિવેદન પર CM ભૂપેન્દ્ર પટેલ
ખડગેના વિવાદાસ્પદ નિવેદન પર ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ બોલ્યા, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતના લોકો વિશે જે નિવેદન કર્યું છે તે અત્યંત આપત્તિજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે આ નિવેદન કરીને સાડા છ કરોડ ગુજરાતીઓનું તો અપમાન કર્યું જ છે, સાથે સાથે પૂજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબની પાવન ધરતીની ગરિમાને પણ ઠેસ પહોંચાડી છે.
વધુમાં તેઓએ જણાવ્યું, "તેમનું આવું શરમજનક નિવેદન સ્પષ્ટ કરે છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપની વિકાસની રાજનીતિને મળી રહેલા વ્યાપક જનસમર્થનથી કોંગ્રેસ પોતાની જાતને અસુરક્ષિત મહેસૂસ કરી રહી છે. ગુજરાત અને ગુજરાતીઓ વિરુદ્ધની કોંગ્રેસની આ માનસિકતા આજકાલની નથી પણ વર્ષો જૂની છે. દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબને 'ભારત રત્ન' ન આપીને તેમની પણ કોંગ્રેસે ઉપેક્ષા કરી હતી."
આ પણ વાંચો: "ગુજરાતીઓ અભણ..." કોંગ્રેસના નેતા ખડગેનું નિવેદન : ગુજરાતીઓમાં ભભૂક્યો રોષ, "જો માફી નહીં માંગે તો...!"
ખડગેના વિવાદાસ્પદ નિવેદન પર DyCM હર્ષ સંઘવી
ખડગેના આ નિવેદન પર ગુજરાતના DyCM હર્ષ સંઘવીએ આ નિવેદનને 6 કરોડ ગુજરાતીઓના આક્રોશ અને દુઃખનું પ્રતિબિંબ ગણાવતા કહ્યું કહ્યું, રાજકારણમાં વૈચારિક મતભેદ સ્વાભાવિક છે, પરંતુ કોઈ રાજ્યના તમામ નાગરિકોનું અપમાન કરવું અને તેમની બૌદ્ધિક ક્ષમતાઓ પર સવાલ ઉઠાવવું અયોગ્ય અને અશોભનીય છે. આ પ્રકારના નિવેદનો કોંગ્રેસની નકારાત્મક માનસિકતા દર્શાવે છે.
વધુમાં DyCM બોલ્યા, ખડગેનું નિવેદન દરેક ગુજરાતી માટે અપમાનજનક છે. ગુજરાતીઓએ પોતાની મહેનત અને બુદ્ધિથી વિશ્વમાં ભારતનું નામ ઉજ્જવળ કર્યું છે. ભૂતકાળ યાદ કરાવતા આગળ કહ્યું, પાર્ટીના વલણમાં ખાસ કરીને ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે સતત નકારાત્મકતા જોવા મળે છે. તેમના મતે, દરેક ચૂંટણી વખતે કોંગ્રેસ ગુજરાતને નિશાન બનાવીને રાજકીય લાભ મેળવવાનો પ્રયાસ કરે છે.
આ સાથે DyCM હર્ષ સંઘવીને મલ્લિકાર્જુન ખડગેને સવાલ કર્યો કે, શું આ નિવેદન સંપૂર્ણ પણે વ્યક્તિગત છે? કે રાહુલ ગાંધીએ લખીને આપ્યું છે? કે ગુજરાત કોંગ્રેસના તે નેતાઓએ લખી આપ્યું છે કે, જેઓ ગુજરાતની આગમી ચુંટણીમાં હાર જોઈ ગયા છે?





