Home Gujarat Umreth By Election Anand Voting 2026

આણંદના ઉમરેઠમાં પેટાચૂંટણીનો ઉત્સાહ : 2.45 લાખથી વધુ મતદારો આવતીકાલે મતદાન માટે તૈયાર

Gujarat Election 2026
Published by: Viral Patel
Last Updated: Apr 22, 2026, 02:25 PM IST

Gujarat Local Body Election 2026: 111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા મુજબ આગામી 23મી એપ્રિલ ગુરૂવારના રોજ સવારે 7 કલાકથી સાંજના 6 કલાક સુધી યોજાશે. જ્યારે મત ગણતરી તારીખ ૦૪ મે, સોમવારના રોજ યોજાશે. ચૂંટણીના સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી સંદીપ સાગળેના માર્ગદર્શનમાં આણંદ કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવિણ ચૌધરી અને ટીમ આણંદ સજ્જ છે.

ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીમાં ઉમરેઠ તાલુકો અને આણંદ ગ્રામ્ય વિસ્તારના મળીને કુલ ૪૬ ગામોનો સમાવેશ થાય છે અને ૦૩ નગરપાલિકાઓ ઓડ, ઉમરેઠ અને બોરીયાવીનો પણ સમાવેશ થાય છે. આ પેટાચૂંટણીમાં કુલ ૦૬ હરીફ ઉમેદવારો મેદાને છે. તદુપરાંત ૧૮થી ૧૯ વર્ષની વય ધરાવતા ૪,૧૭૪ યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે. જ્યારે ૮૫ વર્ષ કરતા વધુ વયના સુપર સિનિયર સિટીઝન ૧,૫૫૬ મતદારો પણ પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. આ ઉપરાંત ૧,૫૪૬ જેટલા દિવ્યાંગ મતદારો પણ મતદાન કરશે. જ્યારે ૮૫ વર્ષથી વધુ વયના ૮૮ અને ૧૩ દિવ્યાંગો ઘરેથી મતદાન કરી ચુક્યા છે. આમ ૧૧૧- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ૧,૨૬,૫૪૫ પુરુષ મતદારો, ૧,૧૯,૦૭૨ મહિલા મતદારો અને અન્ય ૦૬ મતદારો મળીને કુલ ૨,૪૫,૬૨૩ મતદારો નોંધાયા છે, જે ચૂંટણીમાં મતદાન કરી શકશે.

આ પણ વાંચો: ખાતરની અછત અને ભાવવધારાથી ખેડૂતો મુશ્કેલીમાં! : ગુજરાતના ખેડૂતો માટે મોટું સંકટ, કોંગ્રેસના સરકાર પર આકરા પ્રહાર

ECI દ્વારા માન્ય ૧૨ પૈકી કોઈપણ એક દસ્તાવેજને આધારે મતદાન કરી શકાશે

મતદાન માટે ચૂંટણીકાર્ડના વૈકલ્પિક પુરાવા તરીકે ભારતના ચૂંટણીપંચ દ્વારા માન્ય કરેલા ૧૨ દસ્તાવેજો એટલે કે, આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક અથવા પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના અન્વયે આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ/આયુષ્માન ભારત હેલ્થ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, એન.પી.આર.(નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર) અન્વયે આરજીઆઈ દ્વારા અપાતા સ્માર્ટ કાર્ડ, ભારતીય પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેન્ટ, કેન્દ્ર /રાજ્ય સરકાર/ જાહેર ક્ષેત્ર ઉપક્રમો /જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખ પત્રો, સંસદ સભ્યો/ ધારાસભ્યો/ વિધાન પરિષદના સભ્યોને ઇશ્યૂ કરેલા સરકારી ઓળખ પત્રો અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા યુનિક ડિસેબિલીટી આઈડી કાર્ડ પૈકી કોઈ પણ ૦૧ દસ્તાવેજ રજૂ કરવાનો રહેશે. વધુમાં બિન નિવાસી ભારતીયોની જો મતદાર તરીકે નોંધણી થયેલ હોય તો તેઓએ મતદાન મથકે ફક્ત "અસલ પાસપોર્ટ" રજૂ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે.

શહેરી વિસ્તારમાં ૬૮ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૩૮ એમ કુલ ૩૦૬ મતદાન મથકો સજ્જ

ઉલ્લેખનીય છે કે, ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં શહેરી વિસ્તારમાં ૬૮ મતદાન મથકો અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૩૮ મતદાન મથકો મળી કુલ ૩૦૬ મતદાન મથકો સજ્જ કરવામાં આવ્યા છે. જ્યાં થતી તમામ ગતિવિધીઓ પર નજર રાખવા માટે વેબકાસ્ટિંગની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ મતદાનો પૈકી 0૧ મતદાન મથક દિવ્યાંગો દ્વારા સંચાલિત, ૦૨ યુવાઓ દ્વારા સંચાલિત તથા ૦૨ મહિલાઓ દ્વારા સંચાલિત મતદાન મથકો રહેશે. જ્યારે ૦૫ આદર્શ મતદાન મથક પણ તૈયાર કરવામાં આવ્યા છે. મતદાનની સમગ્ર પ્રક્રિયામાં કુલ ૧,૩૪૮ મતદાન સ્ટાફ, ૨૨ માઇક્રો ઓબ્ઝર્વર અને ૧૯ જિલ્લા કક્ષાના નોડલ અધિકારીઓ સહિત અંદાજે ૧,૫૦૦ જેટલો મોટો કર્મચારીગણ કાર્યરત છે. જેમને ત્રણ તબક્કામાં સઘન તાલીમ પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ચૂંટણી જંગ માટે ગુજરાત પોલીસ સજ્જ : 29 હજાર બિલ્ડિંગોમાં મતદાન અને 60 હજાર જવાનોનો લોખંડી બંદોબસ્ત

વ્હીલચેર, સ્વયંસેવકો અને વોટર આસિસ્ટન્સ બૂથ દ્વારા મતદાનની સુલભતા સુનિશ્ચિત

મતદાનની સુલભતા સુનિશ્ચિત કરવા માટે ૨૧૮ જેટલી વ્હીલચેરની સુવિધા રહેશે, જ્યારે નાગરિકોને મદદરૂપ થવા માટે ૩૬૧ સ્વયંસેવકો પણ ખડેપગે રહેવાના છે. સાથોસાથ ૮૫+ના વરિષ્ઠ મતદારો અને દિવ્યાંગ મતદારોને બૂથ સુધીની નિઃશુલ્ક મુસાફરી હેતુ ૬ વાહનો પણ આરક્ષિત રાખવામાં આવ્યા છે. મતદાન કેન્દ્ર પર મતદારોને જરૂરી તમામ માહિતી પૂરી પાડવા માટે વોટર આસિસ્ટન્સ બૂથ પણ તૈયાર કરાયા છે. જ્યાં મતદારોના મોબાઈલની જાળવણી માટે પણ સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી છે.

ચૂંટણીમાં રોકાયેલા ૨૧૨ જેટલા અધિકારી – કર્મચારીઓનું બેલેટથી મતદાન

આણંદ જિલ્લામાં ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા ચૂંટણી ફરજ પરના કુલ ૨૧૨ જેટલા અધિકારી – કર્મચારીઓ માટે તા.૧૫,૧૬ અને ૧૭ એપ્રિલ,૨૦૨૬ ના ત્રણ દિવસ દરમિયાન ઓડ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પોસ્ટલ બેલેટ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેના પ્રથમ દિવસે ૪૧ જેટલા અધિકારી – કર્મચારીઓએ તેમના મતાધિકારનો ઉપયોગ કરી પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું હતુ. આ અધિકારી – કર્મચારીઓ પૈકી ૧૧ મહિલા અને ૩૦ પુરુષ મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી રાષ્ટ્ર પ્રત્યેની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી હતી.

ચૂંટણીમાં રોકાયેલા અધિકારી – કર્મચારીઓના સ્વાસ્થ્યની તકેદારી

ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ ૧૧૧- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં જેમને ફરજ સોંપવામાં આવી છે તેવા તમામ અધિકારીઓ/ કર્મચારીઓ ને ચૂંટણી ફરજ દરમ્યાન કંઈ પણ આરોગ્યલક્ષી તકલીફ ઊભી થાય તો તાત્કાલિક અને કેશલેસ તબીબી સુવિધા મળી રહે તે માટે પ્રાથમિક સારવાર માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉમરેઠ, જનરલ હોસ્પિટલ-આણંદ, જનરલ હોસ્પિટલ-ભાલેજ તથા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયાક સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ-આણંદ અને શ્રી ક્રિષ્ના હોસ્પિટલ-કરમસદ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ હોસ્પિટલ સાથે એમઓયુ કર્યા છે. આ ઉપરાંત મતદાનના દિવસે તમામ મતદાન મથકો ખાતે ઓઆરએસ ના પેકેટ મૂકવામાં આવશે, જેથી કોઈ મતદારને ગરમી અને હિટવેવની અસરને કારણે કઈ તકલીફ થાય તો તરત જ પ્રાથમિક સુવિધા આપી શકાય.

આ પણ વાંચો: રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વજુભાઈ વાળાની એન્ટ્રી : અસંતોષ ઠારવા ભાજપે ‘ભીષ્મ પિતામહ’ને મેદાનમાં ઉતાર્યા

શાંતિ અને સલામતી માટે સુરક્ષાદળો ખડેપગે

મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે પોલીસ તંત્ર પણ સજ્જ છે. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણીની આગેવાનીમાં 0૨ ડીવાયએસપી, 0૪ પોલીસ ઇન્સ્પેક્ટર, ૫૦૦ જેટલા પોલીસ અને હોમગાર્ડના જવાનો ઉપરાંત સીઆરપીએફની 03 કંપની મતદાન મથકો ખાતે ફરજ બજાવશે.

૨૩ એપ્રિલના રોજ પેટા-ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીને ધ્યાને રાખીને ઉમરેઠ મતવિસ્તારના કર્મચારીઓ કોઈપણ અવરોધ વગર લોકશાહીના પર્વમાં સહભાગી થઈ મતદાન કરી શકે તે માટે મતદાનના દિવસ એટલે કે, ૨૩ એપ્રિલના રોજ રજા જાહેર કરવામાં આવી છે. આ ચૂંટણીમાં કોઈપણ વ્યક્તિને ચૂંટણીલક્ષી ફરિયાદ કે રજૂઆત કરવી હોય તો જિલ્લા કક્ષાએ ટોલ ફ્રી નંબર ૧૯૫૦ ઉપર અથવા ૧૧૧- ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી માટે ઓડ ખાતે કંટ્રોલરૂમ નંબર ૦૨૬૯૨ ૨૯૮૦૭૧ શરૂ કરવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now