Rajkot Municipal Corporation Elections: રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓ પૂર્વે શહેરનું રાજકારણ ગરમાયું છે. ખાસ કરીને વોર્ડ નંબર 11માં પૂર્વ કોર્પોરેટરો સામેના સ્થાનિક રોષને ખાળવા માટે ભાજપે પોતાના સૌથી અનુભવી અને કદાવર નેતા વજુભાઈ વાળાને મેદાનમાં ઉતાર્યા છે. વજુભાઈની સક્રિયતા સાથે જ ભાજપે આ વિસ્તારમાં પ્રચારનો જોર વધારી દીધો છે.
સ્થાનિકોમાં રોષ: પાણીની સમસ્યા બની પડકાર
વોર્ડ નંબર 11માં સમાવિષ્ટ અંબિકા ટાઉનશીપ સહિતના વિસ્તારોમાં છેલ્લા લાંબા સમયથી પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. સ્થાનિકોનો આરોપ છે કે વારંવારની રજૂઆતો છતાં પૂર્વ કોર્પોરેટરોએ આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળતા મેળવી છે. આ અસંતોષને કારણે આગામી ચૂંટણીમાં ભાજપની લીડ ઘટે તેવી શક્યતા જણાતા પક્ષ હરકતમાં આવ્યો છે.
આ પણ વાંચો: '1 લાખ બેરોજગારોને મળશે સરકારી નોકરી...' : યુવાનોને અમિત શાહનું મોટું વચન; મહિલાઓને મહિને મળશે 3 હજાર
વજુભાઈ વાળાનો કાર્યકરોને 'બોધ-પાઠ'
તાજેતરમાં વજુભાઈ વાળાએ વોર્ડ નંબર 11ના કાર્યકરો અને હોદ્દેદારો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે માત્ર ચૂંટણી જીતવા માટે જ નહીં, પરંતુ લોકોના દિલ જીતવા માટે પણ માર્ગદર્શન આપ્યું હતું. વજુભાઈએ કાર્યકરોને ઘર-ઘર જઈને લોકો સાથે સંવાદ સાધવા જણાવ્યું છે. લોકોના રોષને શાંત કરવા માટે કઈ રીતે નમ્રતાપૂર્વક રજૂઆત કરવી અને સરકારની કામગીરી સમજાવવી, તે અંગે તેમણે કાર્યકરોને વિશેષ શિખામણ આપી હતી. પૂર્વ કોર્પોરેટરો સામેના વિરોધને પક્ષ વિરુદ્ધના મતદાનમાં ફેરવાતો અટકાવવા માટે તેમણે માઇક્રો-પ્લાનિંગ પર ભાર મૂક્યો છે.
વોર્ડ-11માં ભાજપની મજબૂત લીડ માટે કવાયત
ભાજપ માટે વોર્ડ નંબર 11 પ્રતિષ્ઠાનો જંગ બની રહ્યો છે. વજુભાઈ વાળા જેવા સિનિયર નેતાની એન્ટ્રી સૂચવે છે કે પક્ષ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી. કાર્યકરોમાં નવો ઉત્સાહ ફૂંકતા વજુભાઈએ સ્પષ્ટ કર્યું છે કે, ભાજપના ઉમેદવારોએ જનતાની વચ્ચે રહીને તેમની સમસ્યાઓ સાંભળવી પડશે. વજુભાઈ વાળાનો કાર્યકરોને સંદેશ આપ્યો હતો કે ચૂંટણી માત્ર પોસ્ટરોથી નથી જીતાતી, જનતાના વિશ્વાસથી જીતાય છે."
આ પણ વાંચો: મનપાની ચૂંટણીમાં કોંગ્રેસ જીતશે તો અમદાવાદમાં કતલખાનું બનાવવાનું વચન! : MLA ઇમરાન ખેડાવાલાનું મોટું નિવેદન
એક તરફ પાણીની સમસ્યા અને પૂર્વ પ્રતિનિધિઓ સામેનો રોષ છે, તો બીજી તરફ વજુભાઈ વાળાનો બહોળો અનુભવ અને રણનીતિ છે. હવે જોવાનું એ રહેશે કે 'વજુભાઈ ફેક્ટર' વોર્ડ નંબર 11માં ભાજપને કેટલી મજબૂત લીડ અપાવવામાં સફળ રહે છે.





