Home Gujarat Ahmedabad Ahmedabad Amc Budget 2026 Slaughterhouse Controversy

મનપાની ચૂંટણીમાં કોંગ્રેસ જીતશે તો અમદાવાદમાં કતલખાનું બનાવવાનું વચન! : MLA ઇમરાન ખેડાવાલાનું મોટું નિવેદન

Ahmedabad Slaughterhouse Promise
Published by: Viral Patel
Last Updated: Apr 22, 2026, 12:07 PM IST

Ahmedabad News: એશિયાની સૌથી મોટી મહાનગરપાલિકાઓમાંની એક એવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નું વર્ષ 2026-27નું રૂ. 18,518 કરોડનું ઐતિહાસિક બજેટ પસાર કરવામાં આવ્યું છે. જોકે, આ બજેટ સભા વિકાસના કામો કરતા 'સ્લોટર હાઉસ' (કતલખાના)ના મુદ્દે વધુ ગરમાઈ હતી. આગામી મનપાની ચૂંટણીના ભણકારા વચ્ચે આ મુદ્દો ફરી એકવાર રાજકીય અખાડો બની ગયો છે.

સ્લોટર હાઉસ મુદ્દે સભાગૃહમાં હંગામો

બજેટ બેઠક દરમિયાન મક્તમપુરા વોર્ડના AIMIMના કોર્પોરેટર જૈનબ બીબીએ જમાલપુર અને મિરઝાપુરમાં નવા અદ્યતન સ્લોટર હાઉસ બનાવવાની માંગણી કરી હતી. તેમણે દલીલ કરી હતી કે જમાલપુરનું હાલનું સ્લોટર હાઉસ 103 વર્ષ જૂનું અને બિનઆરોગ્યપ્રદ છે. જો નવું કતલખાનું બને તો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકે. આ માંગણી થતા જ ભાજપના કોર્પોરેટરો આક્રમક બની ગયા હતા અને "સ્લોટર હાઉસ નહીં બને, નહીં બને"ના નારા લગાવ્યા હતા. વિવાદ વધતા મેયર પ્રતિભા જૈને સ્પષ્ટતા કરી હતી કે, સ્લોટર હાઉસ બનાવવાનું કામ મંજૂર કરવામાં આવશે નહીં, ત્યારબાદ જ મામલો શાંત પડ્યો હતો.

આ પણ વાંચો: GIFT સિટીમાં UAEની દિગ્ગજ વીમા કંપની ADNICની એન્ટ્રી : ગુજરાતના ફાઇનાન્સ હબ માટે નવું ક્ષિતિજ

ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના આક્ષેપ

બીજી તરફ, કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, મ્યુનિસિપલ કમિશનરે મંજૂરી આપી હોવા છતાં ભાજપે માત્ર રાજકીય રોટલા શેકવા આ પ્રોજેક્ટ રદ કરાવ્યો છે. તેમણે દાવો કર્યો કે જમાલપુરમાં કોંગ્રેસની પેનલ જીતશે તો સ્લોટર હાઉસ (કતલખાનું) બનાવવાનું વચન અપાયું છે. અમદાવાદમાં કોમનવેલ્થ અને ઓલિમ્પિક ગેમ્સ યોજાવાની હોવાથી અદ્યતન સ્લોટર હાઉસની જરૂરિયાત છે. ભાજપ પાસે વિકાસના મુદ્દા નથી એટલે પાકિસ્તાન અને ચિકનની લારીઓ જેવા વિષયો લાવી લોકોને ભ્રમિત કરે છે.

‘વિકસિત અમદાવાદ’નો સંકલ્પ

  • મેયર પ્રતિભા જૈને ભગવદ ગીતાના શ્લોક ‘યોગઃ કર્મસુ કૌશલમ્’ સાથે બજેટ પ્રવચન આપ્યું હતું. જેમાં શહેરના વિકાસ માટે નીચે મુજબની મહત્વની જાહેરાતો કરાઈ.

  • ટેક્સમાં રાહત: એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને 12% અને ઓનલાઈન પેમેન્ટ પર વધુ 1% મળી કુલ 15% સુધીનું રિબેટ મળશે.

  • પર્યાવરણ: ઇલેક્ટ્રિક વાહનોને આજીવન વ્હીકલ ટેક્સમાં 100% મુક્તિ. સાબરમતી નદી પર ફ્લોટિંગ સોલાર પેનલ્સ માટે રૂ. 50 કરોડની ફાળવણી.

  • આરોગ્ય: SVP હોસ્પિટલમાં AMC કર્મચારીઓને કેશલેસ સુવિધા અને પૂર્વ વિસ્તારમાં રૂ. 50 કરોડના ખર્ચે નવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ.

  • શિક્ષણ અને પરિવહન: શિક્ષણ માટે રૂ. 1,205 કરોડ અને 2030 સુધી તમામ AMTS બસોને ઇલેક્ટ્રિક બનાવવાનું લક્ષ્ય.

  • આવાસ: 'ઝીરો સ્લમ સિટી' અંતર્ગત 50 હજાર નવા આવાસના DPR તૈયાર કરાશે.

આ પણ વાંચો: એકલી મહિલાઓને ટાર્ગેટ બનાવતો હતો આ ભુવો : પહેલાં સુંદર મહિલાઓને ધાર્મિક વાતોમાં ભોળવતો...અને પછી જે કરતો...!

યુવક કોંગ્રેસનો વિરોધ

બજેટ સભા દરમિયાન જ યુવક કોંગ્રેસના પ્રમુખ ઇમરાન સંધી અને અર્થ અમીન કાર્યકર્તાઓ સાથે પીજી (PG) સીલ કરવાના મુદ્દે રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે સિક્યુરિટીએ તેમને અટકાવતા સૂત્રોચ્ચાર થયા હતા, બાદમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે યોગ્ય ઉકેલની ખાતરી આપી હતી. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ વિશ્વાસ અપાવ્યો હતો કે બજેટમાં સૂચવેલા તમામ વિકાસકામો અને સભ્યોના સૂચનો પર ઝડપથી અમલ કરવામાં આવશે. આમ, 2026-27નું બજેટ વિકાસના મોટા દાવાઓ અને સ્લોટર હાઉસના વિવાદ વચ્ચે પસાર થયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now