Amit Shah In West Bengal: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોની જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ રાજ્યમાં સતત રેલીઓ કરી રહ્યા છે. આજે, બુધવાર 22 એપ્રિલ 2026 ના રોજ, તેમણે હુગલીમાં એક જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે બંગાળમાંથી ઘૂસણખોરોને હાંકી કાઢવા અને રાજ્યના 1 લાખ યુવાનોને નોકરી આપવાની વાત કરી હતી.
મહિલાઓને દર મહિને મળશે 3,000 રૂપિયા
અમિત શાહે પોતાના સંબોધનમાં બંગાળની મહિલાઓને વચન આપ્યું હતું કે, રાજ્યમાં ભાજપ સત્તા પર આવ્યા બાદ તેમને સરકારી નોકરીઓમાં 30 ટકા અનામત મળશે. આ ઉપરાંત રાજ્યના બેરોજગાર યુવાનોને દર મહિને ચેક દ્વારા 3,000 રૂપિયા મળશે. દરેક મહિલાના બેંક ખાતામાં દર મહિને 3,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. મહિલાઓ માટે સરકારી બસોમાં મુસાફરી મફત કરી દેવામાં આવશે.
આ પણ વાંચો: મેમનગર મૃતદેહ કેસનો ભેદ ઉકેલાયો : પોલીસે ગણતરીના કલાકોમાં જ શોધી કાઢ્યો ગુનેગાર
1 લાખ બેરોજગાર યુવાનોને નોકરી
અમિત શાહે આગળ જણાવ્યું કે, બંગાળમાં ભાજપની સત્તા આવતા જ તેઓ ઉદ્યોગોને પ્રોત્સાહન આપશે અને દર વર્ષે 1 લાખ બેરોજગાર યુવાનોને સરકારી નોકરી આપવાનું કામ કરશે. તેમણે ઉમેર્યું કે મમતા સરકારમાં જેટલા પણ કૌભાંડો થયા છે અને રાજ્યના જે પણ નાણાં હડપ કરવામાં આવ્યા છે, તે TMC એ યુવાનોને પાછા આપવા પડશે." તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યમાં ભાજપ સરકાર આવ્યા બાદ લવ જેહાદ અને લેન્ડ જેહાદ બંને બંધ થશે. સરકારી કર્મચારીઓને સાતમું પગાર પંચ અને DA (મોંઘવારી ભથ્થું) મળશે, જ્યારે ગરીબોને 5 લાખ સુધીની મફત સારવાર મળશે. આ સાથે જ ખેડૂતોને કિસાન સન્માન નિધિ હેઠળ 9,000 રૂપિયા આપવામાં આવશે.
ઘૂસણખોરોને વીણી-વીણીને બહાર કાઢીશું
અમિત શાહે પોતાના સંબોધનમાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે બંગાળમાં મમતા બેનર્જીની સરકાર જઈ રહી છે અને કમળ ખીલી રહ્યું છે. તેમણે જનતાને અપીલ કરતા કહ્યું કે મમતા બેનર્જી જઈ રહ્યા છે અને કમળ આવી રહ્યું છે. 29 તારીખે બંગાળમાંથી ઘૂસણખોરોને ભગાડવા માટે મતદાન કરો. મમતા બેનર્જી પોતે ઘૂસણખોરોને લાવે છે, પરંતુ અમારી ભાજપનું વચન છે કે અમે માત્ર બંગાળ જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાંથી ઘૂસણખોરોને વીણી-વીણીને બહાર કાઢીશું."
આ પણ વાંચો: મનપાની ચૂંટણીમાં કોંગ્રેસ જીતશે તો અમદાવાદમાં કતલખાનું બનાવવાનું વચન! : MLA ઇમરાન ખેડાવાલાનું મોટું નિવેદન
નોંધનીય છે કે બંગાળની 152 વિધાનસભા બેઠકો પર 23 એપ્રિલ અને 29 એપ્રિલ 2026 ના રોજ મતદાન થવાનું છે.





