અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલ સામ્રાજ્ય ફ્લેટમાં એક ચોંકાવનારી હત્યાનો બનાવ સામે આવ્યો છે, જ્યાં પાર્કિંગમાંથી મળેલા વૃદ્ધના મૃતદેહના કેસમાં પોલીસે ઝડપથી ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. મૃતક 55 વર્ષીય કાનજીભાઈ, મૂળ ગોધાવીના નિવાસી હતા અને છેલ્લા લગભગ 25 વર્ષથી સોસાયટીમાં છૂટક મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા.
વહેલી સવારે સામ્રાજ્ય ફ્લેટના H બ્લોકના કોમન પાર્કિંગમાંથી તેમનો મૃતદેહ મળતા સોસાયટીમાં હાહાકાર મચી ગયો હતો. શરૂઆતમાં મોતનું કારણ અકસ્પષ્ટ હતું, પરંતુ સ્થળ પરથી મળેલા લોહીના નિશાન અને પરિસ્થિતિને આધારે પોલીસને હત્યાની શંકા મજબૂત બની હતી.
સોસાયટીના અંદરથી જ આરોપી હોવાની આશંકા
સિક્યુરિટી ગાર્ડના નિવેદન મુજબ, ઘટનાની રાત્રે કોઈ અજાણ્યો વ્યક્તિ સોસાયટીમાં પ્રવેશ્યો ન હતો. આ માહિતીના આધારે પોલીસે તપાસનો ફોકસ સોસાયટીમાં રહેતા લોકો પર કેન્દ્રિત કર્યો હતો.
તપાસ દરમિયાન G બ્લોકમાં રહેતા 25 વર્ષીય ઋત્વિજ જયમલાણી નામના યુવક પર શંકા ગઈ અને પૂછપરછમાં તેની સંડોવણી સામે આવી હતી. બાદમાં પોલીસે તેની ધરપકડ કરી હતી.
ઝઘડાથી જન્મેલી હત્યાની ઘટના
તપાસમાં જાણવા મળ્યું કે મૃતક કાનજીભાઈ અવારનવાર H બ્લોકના બાથરૂમનો ઉપયોગ કરતા હતા, જે આરોપીના ઘરેથી દેખાતું હતું. આ મુદ્દે આરોપી અને મૃતક વચ્ચે અગાઉ પણ અનેક વખત ઝઘડા થયા હતા.
આક્ષેપ મુજબ, આરોપીના પરિવારના સભ્યો ખાસ કરીને માતા અને બહેનને લઈને મૃતકના વર્તનથી આરોપી અસંતોષમાં હતો. અંતે ગુસ્સામાં આવી આરોપીએ મોડી રાતે દસ્તા વડે કાનજીભાઈના માથા પર ત્રણ ઘા મારી તેમની હત્યા કરી હતી.
આ પણ વાંચો: GIFT સિટીમાં UAEની દિગ્ગજ વીમા કંપની ADNICની એન્ટ્રી : ગુજરાતના ફાઇનાન્સ હબ માટે નવું ક્ષિતિજ
CCTV અને સ્નિફર ડોગથી ઉકેલાયો કેસ
આ કેસ ઉકેલવામાં ટેકનોલોજી અને પરંપરાગત પોલીસ પદ્ધતિ બંને મહત્વપૂર્ણ સાબિત થયા. સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિ કાનજીભાઈ સાથે ઝઘડો કરીને હુમલો કરતો જોવા મળ્યો હતો, જે તપાસ માટે મહત્વપૂર્ણ કડી બની.
આ ઉપરાંત સ્નિફર ડોગની મદદ પણ લેવામાં આવી હતી. ડોગ ઘટના સ્થળેથી સીધો આરોપીના ઘરે પહોંચ્યો હતો અને ત્યાં જઈને શંકાસ્પદ રીતે ભસવા લાગ્યો હતો, જેના આધારે પોલીસે વધુ તપાસ કરી હતી.






