Gujarat Congress: ગુજરાતના કૃષિ ક્ષેત્રમાં અત્યારે ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે. એકતરફ ખરીફ સીઝન માટેની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ ખેડૂતોને પાયાના ખાતર જેવા કે DAP (ડાય એમોનિયમ ફોસ્ફેટ) અને NPK (નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ) મેળવવા માટે વલખાં મારવા પડી રહ્યા છે. સરકારની નીતિઓ અને ખાતરના વધતા ભાવોને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.
આત્મનિર્ભરતાના પોલા દાવા અને આયાત પર નિર્ભરતા
ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે મોદી સરકારનું "આત્મનિર્ભર ભારત" કૃષિ ક્ષેત્રમાં માત્ર એક ખાલી સ્લોગન બનીને રહી ગયું છે. ભારત આજે પણ ખાતર માટે વિદેશી બજારો પર નિર્ભર છે. કુલ NPK માંગના માત્ર 65-70% ઉત્પાદન જ દેશમાં થાય છે. પોટાશ માટે ભારત 100% કેનેડા, રશિયા અને ઇઝરાયેલ જેવા દેશો પર નિર્ભર છે. વર્ષ 2026ની ખરીફ સીઝન માટે 39 મિલિયન ટન ખાતરની માંગ સામે વર્તમાન સ્ટોક માત્ર 18 મિલિયન ટન જ છે, જે ખેતી માટે ખતરનાક સંકેત છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ચૂંટણી જંગ માટે ગુજરાત પોલીસ સજ્જ : 29 હજાર બિલ્ડિંગોમાં મતદાન અને 60 હજાર જવાનોનો લોખંડી બંદોબસ્ત
મોંઘવારીનો માર: ખેડૂતોના ખિસ્સા પર તરાપ
છેલ્લા દસ મહિનામાં ખાતરના ભાવમાં જે રીતે વધારો ઝીંકવામાં આવ્યો છે, તેનાથી ખેડૂતોની આર્થિક કમર તૂટી ગઈ છે. DAP: 150 રૂપિયાનો વધારો. NPK: 850 રૂપિયાનો તોતિંગ વધારો. એમોનીયમ સલ્ફેટ: 300 રૂપિયાનો વધારો. પોટાશ: 550 રૂપિયાનો વધારો. કોંગ્રેસના મતે, યુપીએ સરકાર વખતે જ્યારે ડોલરના ભાવ વધતા ત્યારે સરકાર સબસીડી વધારીને ખેડૂતોને રક્ષણ આપતી હતી. પરંતુ વર્તમાન ભાજપ સરકારે સબસીડી ફિક્સ કરી દેતા, આંતરરાષ્ટ્રીય ભાવવધારાનો સીધો બોજ હવે ખેડૂતોએ સહન કરવો પડે છે.
નેનો યુરિયાની નિષ્ફળતા અને કાળી બજારી
સરકાર દ્વારા પ્રમોટ કરવામાં આવતું નેનો યુરિયા પાક માટે ગુણવત્તાયુક્ત કે અસરકારક સાબિત થયું નથી. પરિણામે, ખેડૂતો પરંપરાગત યુરિયા માટે કલાકો સુધી લાઈનોમાં ઉભા રહે છે. ખાતરના ઉત્પાદનમાં ઘટાડો અને વિતરણ વ્યવસ્થાની નિષ્ફળતાને કારણે કાળા બજારીયાઓ બેફામ બન્યા છે, જેનો ભોગ ગરીબ ખેડૂત બની રહ્યો છે.
દેવાના બોજ નીચે દબાયેલો ખેડૂત
ગુજરાતનો ખેડૂત પહેલેથી જ અસ્થિર મોન્સૂન, ટેકાના ભાવ (MSP)માં વિલંબ અને અંદાજે 99,000 કરોડના દેવાના બોજ નીચે દબાયેલો છે. આવી સ્થિતિમાં ખાતરની અછત પાક ઉત્પાદનમાં ઘટાડો કરી શકે છે, જે અંતે ખાદ્ય મોંઘવારીમાં પરિણમશે.
કોંગ્રેસની માંગણીઓ
ડૉ. મનીષ દોશીએ ખેડૂતોના હિતમાં નીચે મુજબની માંગણીઓ કરી છે:
1. ખરીફ સીઝન માટે ખાતરના ભાવ તાત્કાલિક અસરથી સ્થિર કરવામાં આવે.
2. દેશમાં યુરિયા અને ફોસ્ફેટિક ખાતરનું ઉત્પાદન વધારવા માટે યુદ્ધના ધોરણે પગલાં લેવાય.
3. આયાત પ્રક્રિયામાં પારદર્શિતા લાવવામાં આવે જેથી ખેડૂતોને સમયસર ખાતર મળી રહે.
"મોદી સરકારે ફરી એકવાર અન્નદાતાઓ સાથે વિશ્વાસઘાત કર્યો છે," તેમ જણાવતા ડૉ. દોશીએ ઉમેર્યું કે ખેડૂતોની આ સમસ્યા માત્ર આંકડાકીય રમત નથી પરંતુ એક રાષ્ટ્રીય કટોકટી છે. કોંગ્રેસ પક્ષ આ મુદ્દે ખેડૂતોની સાથે રહીને સરકાર સામે લડત ચાલુ રાખશે.





