Gujarat Police: ગુજરાતમાં સાયબર ગુનેગારો સામે રાજ્ય પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ડીજીપી ડો. કે.એલ.એન. રાવના માર્ગદર્શન હેઠળ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા 'ઓપરેશન મ્યુલ હંટ' શરૂ કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત છેલ્લા બે સપ્તાહમાં સાયબર ક્રાઈમના નેટવર્ક પર જોરદાર પ્રહાર કરવામાં આવ્યો છે.
ઓપરેશન મ્યુલ હંટ: સાયબર ગુનેગારો પર ત્રાટકતી પોલીસ
સાયબર ફ્રોડના નાણાં જે બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવે છે તેને 'મ્યુલ એકાઉન્ટ' કહેવામાં આવે છે. આ નેટવર્કને તોડવા માટે હાથ ધરાયેલી કાર્યવાહીની મુખ્ય વિગતો નીચે મુજબ છે. છેલ્લા ૧૫ દિવસમાં કુલ 40 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં અંદાજે 1040 જેટલા ગુનાઓનો પર્દાફાશ થયો છે. આ ઓપરેશન દરમિયાન અંદાજે ૬૨૨ કરોડ રૂપિયાના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો પર સફળતાપૂર્વક કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ચૂંટણી જંગ માટે ગુજરાત પોલીસ સજ્જ : 29 હજાર બિલ્ડિંગોમાં મતદાન અને 60 હજાર જવાનોનો લોખંડી બંદોબસ્ત
ભાવનગરમાં બેંક ફ્રોડ મામલે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી મોબાઈલ ફોન, લેપટોપ, આઈડી કાર્ડ અને અનેક બનાવટી બિલો મળી આવ્યા છે. એપીએમસી ઊંઝા ફ્રોડ: ઊંઝામાં ફેક એકાઉન્ટ ખોલી તેને ઓપરેટ કરવાના મામલે બે આરોપીઓ ઝડપાયા છે. અહીં અંદાજે 114 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડનો મામલો સામે આવ્યો છે. રાજકોટમાં બંધન બેંકના મેનેજર સહિત ૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એસપી ડો. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, બેંક મેનેજર મોટી રોકડ ઉપાડવાની સવલત કરી આપતા હતા અને બદલામાં 40 લાખ રૂપિયાનું આંગળિયું મેળવતા હોવાનું ખુલ્યું છે. આ ટોળકી એક લાખના વ્યવહાર પર 800 રૂપિયા કમિશન મેળવતી હતી.
ચૂંટણી બંદોબસ્ત: ૨૯ હજાર બિલ્ડિંગોમાં પોલીસનો લોખંડી પહેરો
રાજ્યમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન દ્વારા સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરવામાં આવી છે. મુક્ત અને ન્યાયી મતદાન થાય તે માટે નીચે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. કુલ 60,000થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. પોલીસની સાથે હોમગાર્ડ અને જીઆરડી (GRD) જવાનો પણ ચૂંટણી ફરજમાં જોડાશે.
ચૂંટણી દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે અત્યાર સુધીમાં 1000થી વધુ કેસ કરવામાં આવ્યા છે, જેમાં તડીપાર અને ભાગેડુ કેદીઓ વિરુદ્ધની કાર્યવાહીનો સમાવેશ થાય છે. ઓનલાઈન ફ્રોડ અને સાયબર ગુનાઓ ડામવા માટે પોલીસની આ કાર્યવાહી સતત ચાલુ રહેશે. નાગરિકોએ પણ અજાણ્યા નાણાકીય વ્યવહારોથી સાવધ રહેવું જોઈએ.





