Gandhinegar News: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ કર્મીઓ દ્વારા જીવન ટૂંકાવવાના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. રક્ષણહાર ગણાતી પોલીસ ફોર્સમાં જ જ્યારે જવાનો જીવન ટૂંકાવે કે અન્ય રીતે અંતિમ પગલું ભરે છે, ત્યારે પોલીસ તંત્ર અને સરકાર સામે અનેક સવાલો ઊભા થાય છે.
તાજેતરની ઘટના: SRP કમાન્ડો અજયભાઈએ જીવન ટૂંકાવ્યું
ગાંધીનગરમાં ફરજ બજાવતા વધુ એક પોલીસ જવાને મોતને વહાલું કરતા પોલીસબેડામાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતકનું નામ અજયભાઈ રમેશભાઈ પટેલ છે, જેમનું ઉંમર 36 વર્ષ છે. તેઓ SRP (સ્ટેટ રિઝર્વ પોલીસ) માં કમાન્ડો તરીકે કાર્યરત હતા. માત્ર 36 વર્ષની ભરયુવાન વયે એક બાહોશ કમાન્ડોએ શા માટે જીવન ટૂંકાવ્યું તે હજુ તપાસનો વિષય છે, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર પોલીસ જવાનોના માનસિક સ્વાસ્થ્ય અને કામના ભારણ પર ચર્ચા જગાવી છે.
ગાંધીનગરમાં મોતનું સિલસિલો
ગાંધીનગર અત્યારે જાણે પોલીસ જવાનો માટે જીવન ટૂંકાવવાનું કેન્દ્ર બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા થોડા સમયમાં બનેલી ઘટનાઓ પર નજર કરીએ તો હજુ ગણતરીના દિવસો પહેલા જ રાજ્યના સૌથી સુરક્ષિત ગણાતા 'સચિવાલય સંકુલ' ખાતે ફરજ પરના એક કમાન્ડોએ આત્મહત્યા કરી હતી. થોડા સમય અગાઉ સેક્ટર-૭ પોલીસ મથકમાં ફરજ બજાવતા એક જવાને પણ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
શા માટે વધી રહ્યા છે આવા બનાવો?
પોલીસ વિભાગમાં સતત વધી રહેલી આત્મહત્યાઓ પાછળ કેટલાક પાયાના કારણો હોઈ શકે છે, 24 કલાકની નોકરી અને સતત તણાવપૂર્ણ વાતાવરણ. કૌટુંબિક પ્રશ્નો અને ફરજ વચ્ચેનું સંતુલન ન જળવાવું. સતત બંદોબસ્ત અને વીકલી ઓફ ન મળવાને કારણે શારીરિક-માનસિક થાક.
ખાખી વર્દી પાછળ છુપાયેલા આ દર્દને સમજવાની જરૂર છે. શું પોલીસ જવાનોના કાઉન્સેલિંગ માટે કોઈ મજબૂત વ્યવસ્થા ઊભી કરવી જોઈએ? ગાંધીનગરમાં એકપછી એક બનતી આ ઘટનાઓ લાલબત્તી સમાન છે. જો સમયસર આ દિશામાં પગલાં લેવામાં નહીં આવે, તો શિસ્તબદ્ધ ગણાતા આ દળનું મનોબળ તૂટી શકે છે.





