Home International Uae Security Guard Wins Rs 78 Crore Lottery Jackpot With Friends

નસીબ હોય તો આવું! : UAEમાં 5 મિત્રોએ રૂ.1,300 ભેગા કરી ખરીદી ટિકિટ, બદલામાં મળ્યા રૂ.78 કરોડ; જાણો કેવી રીતે ચમકી કિસ્મત

UAE 5 friends win 78 crore lottery
Image Credit: @Weloveenepal
Published by: Nirali Gohil
Last Updated: Jun 10, 2026, 07:53 AM IST

UAE Lottery Jackpot: ક્યારે અને કોના નસીબનું તાળું ખુલી જાય તે કોઈ કહી શકતું નથી. ક્યારેક વર્ષોની મહેનત પછી પણ સફળતા મળતી નથી, તો ક્યારેક એક નાનો નિર્ણય આખી જિંદગી બદલી નાખે છે. આવો જ એક અદભૂત કિસ્સો સંયુક્ત આરબ અમીરાત (UAE)માંથી સામે આવ્યો છે, જ્યાં એક સામાન્ય સિક્યોરિટી ગાર્ડ અને તેના ચાર મિત્રોએ માત્ર 50 દિરહમ (અંદાજે રૂ.1,300) ખર્ચીને એવી લોટરી જીતી કે તેમની દુનિયા જ બદલાઈ ગઈ. નેપાળના 25 વર્ષીય તૈય્યબ ખાન છેલ્લા કેટલાક વર્ષોથી UAEની રાજધાની અબુ ધાબીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરી રહ્યા હતા. મર્યાદિત પગાર અને સામાન્ય જીવન જીવતા તૈય્યબે કદાચ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે એક દિવસ તે કરોડોની સંપત્તિના માલિક બની જશે. પરંતુ નસીબે એવી પલટી મારી કે આજે તે અને તેના મિત્રો કરોડપતિ બની ગયા છે.

માત્ર રૂ.1,300ના ટિકેટે અપાવ્યો રૂ.78 કરોડનો જૅકપોટ

મીડિયા અહેવાલો અનુસાર, તૈય્યબ ખાન અને તેના ચાર મિત્રોએ મળીને લોટરીની ટિકિટ ખરીદી હતી. પાંચેય મિત્રોએ મળીને 50 દિરહમનું યોગદાન આપ્યું હતું, જે ભારતીય ચલણમાં આશરે રૂ.1,300 જેટલું થાય છે. આ ટિકિટ પર તેમને 30 મિલિયન દિરહમ એટલે કે અંદાજે રૂ.78 કરોડનો જૅકપોટ લાગ્યો. ઇનામની રકમ પાંચેય મિત્રો વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવી, જેના કારણે દરેકના ભાગે આશરે રૂ.15 કરોડથી વધુની રકમ આવી છે.

બકરી ઈદની રજાના દિવસે બદલાઈ ગયું નસીબ

જ્યારે લોટરીના પરિણામ જાહેર થયા ત્યારે તૈય્યબ ખાન બકરીદની રજાઓ દરમિયાન નાઇટ શિફ્ટમાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા. લાખો લોકો લોટરીનો ડ્રો લાઇવ જોઈ રહ્યા હતા, પરંતુ તૈય્યબ પોતાના કામમાં વ્યસ્ત હતા. થોડા સમય બાદ તેમને ઇમેઇલ દ્વારા લોટરી જીત્યાની માહિતી મળી. શરૂઆતમાં તેમને લાગ્યું કે કદાચ કોઈ નાનું ઇનામ મળ્યું હશે, કારણ કે અગાઉ પણ તેઓને નાના ઇનામો મળ્યા હતા. પરંતુ જ્યારે તેમણે ઇમેઇલ ધ્યાનથી વાંચ્યો ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.

આ પણ વાંચો: PoKમાં 100થી વધુ લોકોના મોતના દાવા વચ્ચે તણાવ ચરમસીમાએ: JAACના 4 નેતાઓના પર 1 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર

વિશ્વાસ ન આવ્યો તો એજન્સીને ફોન કર્યો

તૈય્યબે જણાવ્યું કે, શરૂઆતમાં તેમને વિશ્વાસ જ નહોતો આવ્યો કે તેઓએ કરોડોની લોટરી જીતી છે. ખાતરી કરવા માટે તેમણે સંબંધિત લોટરી એજન્સીનો સંપર્ક કર્યો અને માહિતીની પુષ્ટિ કરી. જ્યારે જીતની ખાતરી થઈ ત્યારે તેમના માટે આ ક્ષણ જીવનની સૌથી મોટી ખુશી બની ગઈ. વર્ષોથી નસીબ અજમાવી રહેલા તૈય્યબ માટે આ સફળતા કોઈ સપના જેવી હતી.

દર અઠવાડિયે બદલાતા હતા નંબર

તૈય્યબ ખાન અને તેમના મિત્રો લાંબા સમયથી નિયમિત રીતે લોટરીમાં ભાગ લઈ રહ્યા હતા. તેઓ દરેક અઠવાડિયે મળીને ટિકિટ ખરીદતા અને એક મિત્ર નંબર પસંદ કરતો. તૈય્યબે જણાવ્યું કે, તેઓ 2024થી સતત લોટરીમાં ભાગ લઈ રહ્યા હતા. અનેક વખત નિષ્ફળતા મળ્યા બાદ પણ તેમણે આશા છોડી નહોતી. આખરે તેમની ધીરજ અને નસીબ બંનેએ સાથ આપ્યો અને કરોડો રૂપિયાનો જૅકપોટ તેમના નામે થયો.

આ પણ વાંચો: પાકિસ્તાને રાતના અંધારામાં અફઘાનિસ્તાન પર કર્યો ઘાતક હવાઈ હુમલો: 11 બાળકો સહિત 13 લોકોના મોત

હવે નોકરી છોડીને કરશે બિઝનેસ

લોટરી જીત્યા બાદ તૈય્યબે જણાવ્યું કે, હવે તેઓ સિક્યોરિટી ગાર્ડ તરીકેની પોતાની ચાર વર્ષ જૂની નોકરી છોડવાનું વિચારી રહ્યા છે. તેઓ પોતાના માટે નવો બિઝનેસ શરૂ કરવા માંગે છે અને ભવિષ્યમાં રોકાણના વિકલ્પો શોધી રહ્યા છે. તેમણે કહ્યું કે હાલ તેઓ UAEમાં જ રહેવાની યોજના ધરાવે છે અને પ્રોપર્ટી તેમજ અન્ય બિઝનેસ ક્ષેત્રોમાં રોકાણ કરવા માંગે છે.

પરિવાર માટે ખરીદશે નવું ઘર

આ કરોડોની જીતથી સૌથી વધુ ખુશી તૈય્યબના પરિવારને થઈ છે. તેમણે જણાવ્યું હતું કે, તેઓ પોતાના પરિવાર માટે નેપાળમાં એક સુંદર અને મોટું ઘર ખરીદવા માંગે છે જેથી પરિવાર વધુ સારું જીવન જીવી શકે. જ્યારે તેમણે પોતાના પરિવારને જીત અંગે જાણકારી આપી ત્યારે સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા હતા. પરિવારના સભ્યોની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા.

આ પણ વાંચો: ભારતીયો માટે મોટા સમાચાર: અમેરિકી કોર્ટે H-1B વિઝા પરની 95 લાખની ફી રોકી

લક્ઝરી કાર અને દુબઈમાં ફ્લેટનું સપનું

તૈય્યબ હવે પોતાના કેટલાક વ્યક્તિગત સપનાઓ પણ પૂરા કરવા માંગે છે. તેમણે જણાવ્યું કે તેઓ એક મહિન્દ્રા થાર ખરીદવા ઇચ્છે છે તેમજ એક લક્ઝરી રોલેક્સ ઘડિયાળ પણ લેવા માંગે છે. આ ઉપરાંત દુબઈમાં ફ્લેટ ખરીદવાનો તેમનો પ્લાન છે. તેઓ માને છે કે આ જીત માત્ર પૈસા નથી, પરંતુ તેમના અને તેમના પરિવાર માટે નવા ભવિષ્યની શરૂઆત છે. માત્ર ₹1,300ના રોકાણે પાંચ મિત્રોના જીવનમાં એવો ફેરફાર લાવ્યો છે, જેની તેઓએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે ક્યારેક નાનું પગલું પણ જીવનમાં અસાધારણ બદલાવ લાવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now