Ukraine Moscow Refinery Attack: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેને ફરી એકવાર રશિયાના ઊર્જા માળખાને નિશાન બનાવ્યું છે. મંગળવારે યુક્રેનના ડ્રોન હુમલામાં મોસ્કો વિસ્તારની સૌથી મોટી ઓઈલ રિફાઈનરીના એક ભાગને નુકસાન પહોંચ્યું હોવાનું રશિયન અધિકારીઓએ જણાવ્યું છે. હુમલા બાદ રિફાઈનરી વિસ્તારમાં આગ લાગી હતી, જોકે તાત્કાલિક કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી યુક્રેન રશિયાની ઊર્જા અને ઈંધણ ઉત્પાદન ક્ષમતાને નબળી પાડવા માટે સતત રિફાઈનરીઓ અને તેલ સંબંધિત માળખાંને નિશાન બનાવી રહ્યું છે. વિશ્લેષકોના મતે આવા હુમલાઓનો મુખ્ય હેતુ રશિયાના યુદ્ધ માટેના નાણાકીય સ્ત્રોતોને અસર પહોંચાડવાનો છે.
મોસ્કોની સૌથી મોટી રિફાઈનરી પર હુમલો
માહિતી અનુસાર હુમલાનો ભોગ બનેલી રિફાઈનરી રશિયન ઊર્જા કંપની ગાઝપ્રોમ નેફ્ટની માલિકીની છે અને તે મોસ્કો વિસ્તારની સૌથી મોટી રિફાઈનરી ગણાય છે. રશિયન ઇમરજન્સી સર્વિસના જણાવ્યા મુજબ હુમલા બાદ આગ લાગી હતી, પરંતુ તેને ઝડપથી બુઝાવી દેવામાં આવી હતી. મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને પણ રિફાઈનરીના એક વિભાગને નુકસાન પહોંચ્યાની પુષ્ટિ કરી હતી. જોકે તેમણે નુકસાનની ચોક્કસ વિગતો જાહેર કરી નહોતી.
ઝેલેન્સ્કીનો દાવો: 500 કિમી દૂરથી નિશાન બનાવ્યું
યુક્રેનના રાષ્ટ્રપતિ Volodymyr Zelenskyyએ જણાવ્યું હતું કે હુમલો લગભગ 500 કિલોમીટર દૂરથી કરવામાં આવ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર આ હુમલો દર્શાવે છે કે યુક્રેન હવે રશિયાના આંતરિક વિસ્તારો સુધી લાંબા અંતરની કાર્યવાહી કરવાની ક્ષમતા ધરાવે છે. ઝેલેન્સ્કીએ જણાવ્યું કે, રશિયા દ્વારા કરવામાં આવતા હુમલાઓનો આ જવાબ છે અને યુદ્ધને લાંબું ખેંચવાની કિંમત હવે રશિયાને ચૂકવવી પડી રહી છે.
ઈંધણ ઉત્પાદન પર વધી રહી છે અસર
તાજેતરના મહિનાઓમાં યુક્રેન દ્વારા કરવામાં આવેલા હુમલાઓના કારણે રશિયાની અનેક રિફાઈનરીઓમાં ઉત્પાદન ખોરવાયું છે. વિવિધ અહેવાલો અનુસાર 2026ની શરૂઆતથી અત્યાર સુધીમાં રિફાઈનરીઓ પર થતા હુમલાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. તેના કારણે પેટ્રોલ, ડીઝલ અને જેટ ફ્યુઅલના ઉત્પાદન પર અસર પડી રહી છે. કેટલાક વિસ્તારોમાં ઈંધણની અછત અને સપ્લાય ચેઈનમાં અવરોધના અહેવાલો પણ સામે આવ્યા છે.
રશિયાના અનેક વિસ્તારોમાં ઈંધણ સંકટના સંકેત
તાજેતરમાં રશિયા નિયંત્રિત ક્રિમિયા અને દક્ષિણ ક્રાસ્નોદાર વિસ્તારમાં પેટ્રોલ માટે લાંબી લાઈનો જોવા મળી હતી. જોકે રશિયન સરકારે અત્યાર સુધી સમસ્યાને સ્થાનિક સ્તરની ગણાવી છે. પરંતુ, વધતા હુમલાઓ વચ્ચે ઊર્જા ક્ષેત્ર પર પડતી અસર હવે વધુ સ્પષ્ટ દેખાઈ રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે જો આવી સ્થિતિ યથાવત રહેશે તો રશિયાને ઈંધણ પુરવઠા અને વિતરણ વ્યવસ્થામાં વધુ પડકારોનો સામનો કરવો પડી શકે છે.
આ પણ વાંચો: ભારત માટે મોટી ખુશખબર!: હોર્મુઝ પાર કરીને 34 જહાજો ભારત તરફ રવાના, જાણો શું લઈને આવી રહ્યા છે
ટાટનેફ્ટે દેશભરમાં ઈંધણ ખરીદી પર મર્યાદા મૂકી
આ હુમલાઓની વચ્ચે રશિયાની મોટી ઓઈલ કંપની ટાટનેફ્ટે દેશભરમાં પોતાની પેટ્રોલ પંપ ચેઈન પર ઈંધણ વેચાણ માટે મર્યાદા લાગુ કરવાની જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ, કેટલાક પેટ્રોલ પંપ પર એક વાહનને માત્ર 20 લિટર પેટ્રોલ અથવા 40 લિટર ડીઝલ જ આપવામાં આવી રહ્યું છે. કેટલીક જગ્યાએ માત્ર રોકડ ચુકવણી સ્વીકારવામાં આવી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે.
ઊર્જા માળખાં હવે યુદ્ધનું મુખ્ય નિશાન
રશિયા-યુક્રેન યુદ્ધમાં હવે ઊર્જા માળખાં મુખ્ય લક્ષ્ય બની રહ્યા છે. બંને દેશો એકબીજાના મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડવાના પ્રયાસો કરી રહ્યા છે. યુક્રેનના વધતા ડ્રોન હુમલાઓ દર્શાવે છે કે, યુદ્ધ હવે માત્ર સરહદી વિસ્તારો સુધી સીમિત રહ્યું નથી, પરંતુ રશિયાના મહત્વપૂર્ણ ઔદ્યોગિક અને આર્થિક કેન્દ્રો પણ તેની અસર હેઠળ આવી રહ્યા છે.





