ભારતીયો માટે મોટા સમાચાર: અમેરિકી કોર્ટે H-1B વિઝા પરની 95 લાખની ફી રોકી
અમેરિકામાં નોકરી કરવા ઈચ્છતા ભારતીય આઈટી (IT) પ્રોફેશનલ્સ અને ટેક કંપનીઓ માટે ખૂબ જ રાહતના સમાચાર આવ્યા છે. અમેરિકાની એક ફેડરલ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પની H-1B વિઝા પર 1,00,000 ડોલર (લગભગ 95 લાખ રૂપિયા) ની વધારાની ફી વસૂલવાની વિવાદાસ્પદ નીતિને રદ કરી દીધી છે. બોસ્ટનની અદાલતે ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ સામાન્ય ફી નથી પણ એક પ્રકારનો 'ટેક્સ' છે.
શું હતો ટ્રમ્પ સરકારનો વિવાદાસ્પદ નિયમ?
ડોનાલ્ડ ટ્રમ્પે સપ્ટેમ્બર 2025 માં એક આદેશ જાહેર કર્યો હતો. તે મુજબ, જે પણ અમેરિકી કંપનીઓ H-1B વિઝા પર વિદેશી કર્મચારીઓને નોકરીએ રાખશે, તેમણે દર વર્ષે દરેક વિઝા દીઠ 1,00,000 ડોલરની ભારેભરખમ વધારાની ફી ચૂકવવી પડશે. આ આદેશ સામે અમેરિકાના 20 રાજ્યોના એટર્ની જનરલે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જોકે, કોર્ટના આ આકરા પ્રહાર બાદ હવે ટ્રમ્પ સરકાર ઉપલી અદાલતમાં અપીલ કરી શકે છે.
અગાઉ, અમેરિકી કંપનીઓએ H-1B વિઝા અરજી કરવા માટે માત્ર 2000 થી 5000 ડોલર સુધીની સામાન્ય ફી ચૂકવવી પડતી હતી. આ વિઝાનો સૌથી વધુ લાભ ભારતીય એન્જિનિયરો અને આઈટી નિષ્ણાતો લેતા હોવાથી આ નિર્ણયથી તેમને સીધો ફાયદો થશે.
ટ્રમ્પ સરકારની દલીલ કોર્ટે ફગાવી
ટ્રમ્પ પ્રશાસને કોર્ટમાં પોતાનો પક્ષ રાખતા દલીલ કરી હતી કે અમેરિકામાં H-1B વિઝા સિસ્ટમનો ભારે દુરુપયોગ થઈ રહ્યો છે. ઘણી કંપનીઓ અમેરિકન નાગરિકોને નોકરી આપવાને બદલે ઓછા પગારે વિદેશી કર્મચારીઓને લાવી રહી છે. તેથી, આ વધારાની રકમ કોઈ ટેક્સ નથી પરંતુ સ્થાનિક રોજગાર બચાવવા માટેનો એક 'આર્થિક દંડ' છે. સરકારે એમ પણ કહ્યું કે ઇમિગ્રેશન કાયદા હેઠળ રાષ્ટ્રપતિને વિદેશી નાગરિકોની એન્ટ્રી નિયંત્રિત કરવાનો પાવર છે, પરંતુ ન્યાયાધીશે આ દલીલ માનવાનો ઇનકાર કરી દીધો હતો.
ફી વધારાના કારણે અરજીઓમાં 38.5% નો મોટો ઘટાડો
સરકારની આ કડક નીતિની સીધી અસર વિઝા એપ્લિકેશન પર જોવા મળી હતી. US સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) ના સત્તાવાર આંકડા અનુસાર:
નાણાકીય વર્ષ 2027 માટે H-1B રજિસ્ટ્રેશનમાં 38.5% નો જંગી ઘટાડો નોંધાયો હતો.
કુલ અરજીઓની સંખ્યા 3,44,000 થી ઘટીને માત્ર 2,11,000 થઈ ગઈ હતી.
ખુદ સરકારે કોર્ટમાં કબૂલ્યું હતું કે માર્ચ મહિનામાં 15 ફેબ્રુઆરી સુધીમાં માત્ર 85 લોકોએ જ આ નવી ભારે ફી જમા કરાવી હતી.
તમને જણાવી દઈએ કે H-1B પ્રોગ્રામ હેઠળ દર વર્ષે કુલ 65,000 સામાન્ય વિઝા જારી કરવામાં આવે છે, જ્યારે એડવાન્સ ડિગ્રી (માસ્ટર્સ કે પીએચડી) ધરાવતા પ્રોફેશનલ્સ માટે અલગથી બીજા 20,000 વિઝા ફાળવવામાં આવે છે. આ વિઝા સામાન્ય રીતે 3 થી 6 વર્ષ માટે માન્ય હોય છે.
ભારતીય પ્રોફેશનલ્સ પર કેમ આવી હતી આફત?
આ નિયમને કારણે સૌથી મોટો ફટકો ભારતીય આઈટી સેક્ટરને પડ્યો હતો. એક તરફ વૈશ્વિક સ્તરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના કારણે ટેક કંપનીઓમાં છટણી ચાલી રહી છે, તો બીજી તરફ વિઝા મોંઘા થવાથી કંપનીઓએ ભારતીયોને હાયર કરવાનું બંધ કરી દીધું હતું. અમેરિકી ઇમિગ્રેશન નિયમો મુજબ, જો કોઈ H-1B કર્મચારીની નોકરી જાય, તો તેણે માત્ર 60 દિવસની અંદર નવી નોકરી શોધવી પડે છે, નહિતર દેશ છોડવો પડે છે. આ કાયદાના કારણે તાજેતરમાં હજારો ભારતીયોને સ્વદેશ પરત ફરવું પડ્યું છે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ ઉઠાવ્યો હતો અવાજ
ભારત સરકાર આ મુદ્દે સતત અમેરિકાના સંપર્કમાં હતી. મે 2026 માં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો (Marco Rubio) સમક્ષ આ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તે સમયે રુબિયોએ સ્વીકાર્યું હતું કે નવી ઇમિગ્રેશન વ્યવસ્થા લાગુ કરતી વખતે થોડી મુશ્કેલીઓ પડી શકે છે, પરંતુ આ પગલું ખાસ કરીને ભારતને ટાર્ગેટ કરીને લેવાયું નથી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે અમેરિકામાં 20 મિલિયન (2 કરોડ) થી વધુ લોકો ગેરકાયદેસર રીતે ઘૂસ્યા છે અને તે સુરક્ષા પડકારને રોકવા માટે આ કડક નિયમો બનાવાઈ રહ્યા છે. જોકે, હવે કોર્ટના સ્ટે બાદ ભારતીય આઈટી ક્ષેત્રે મોટો હાશકારો અનુભવ્યો છે.





