Home National Shivaji Maharaj Statue Israel India Israel Cultural Relations

ભારતના 'દોસ્ત'ની મોટી જાહેરાત : યહૂદી દેશમાં ગૂંજશે છત્રપતિ શિવાજીનું નામ, કારણ જાણી તમને પણ થશે ગર્વ

છત્રપતિ શિવાજીની છબી
Image Credit: AI
Published by: Niraj Chokshi
Last Updated: Jun 10, 2026, 03:30 AM IST

ભારત અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં વ્યૂહાત્મક, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો સતત મજબૂત બન્યા છે. આ સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે હવે એક મહત્વપૂર્ણ પહેલ સામે આવી છે. ઈઝરાયલના મુંબઈ સ્થિત કોન્સુલ જનરલ યાનેવ રેવાચે ઇઝરાયલમાં છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત તાજેતરમાં ઉજવાયેલા શિવરાજ્યાભિષેક દિવસના અવસરે કરવામાં આવી હતી, જેને બંને દેશો વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક જોડાણને વધુ મજબૂત બનાવતું પગલું માનવામાં આવી રહ્યું છે.

યાનેવ રેવાચે જણાવ્યું હતું કે આ માત્ર એક સામાન્ય પ્રતિમા પ્રોજેક્ટ નહીં હોય, પરંતુ લાંબા ગાળાનો સાંસ્કૃતિક સ્મારક તરીકે વિકસાવવામાં આવશે. આ પહેલનો મુખ્ય હેતુ ભારત અને ઇઝરાયલના લોકો વચ્ચે ઐતિહાસિક સમજણ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનને વધુ પ્રોત્સાહન આપવાનો છે.

ઈઝરાયલના મોટા શહેરમાં સ્થાપિત થશે પ્રતિમા

કોન્સુલ જનરલ રેવાચના જણાવ્યા અનુસાર છત્રપતિ શિવાજી મહારાજનું ભારતના ઇતિહાસ અને સમાજમાં વિશેષ સ્થાન છે. તેમની બહાદુરી, સુશાસન અને રાષ્ટ્રનિર્માણમાં આપેલા યોગદાનને વિશ્વભરમાં સન્માનની દ્રષ્ટિએ જોવામાં આવે છે.

તેમણે જણાવ્યું કે ઇઝરાયલના કોઈ મોટા અને મહત્વપૂર્ણ શહેરમાં શિવાજી મહારાજની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવાની યોજના છે. આ સ્મારક માત્ર ભારતીય મૂળના લોકો માટે જ નહીં પરંતુ ઇઝરાયલના નાગરિકો માટે પણ પ્રેરણાસ્ત્રોત બનશે. સાથે જ બંને દેશોના સાંસ્કૃતિક સંબંધોને નવી ઓળખ આપશે. પ્રતિમાનું નિર્માણ ઐતિહાસિક રીતે સચોટ અને કલાત્મક રીતે શ્રેષ્ઠ બને તે માટે વિશેષ ધ્યાન આપવામાં આવશે. આ માટે ઇઝરાયલ તરફથી મહારાષ્ટ્ર સરકારનો સહયોગ પણ માંગવામાં આવ્યો છે.

આ પણ વાંચો: 30 વર્ષથી લટકેલાં હતા...હોર્મુઝના ભરોસે ક્યાં સુધી? : ગુજરાતથી ઓમાન સુધી અરબ સાગરને પાર 2,000 કિમીની અંડર-સી ગેસ પાઇપલાઇન નાંખવાની ભારતની યોજના

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કર્યું સ્વાગત

યાનેવ રેવાચે ખુલાસો કર્યો કે તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે સંપર્ક કરીને પ્રતિમાના ડિઝાઇન, ઐતિહાસિક વિગતો અને કલાત્મક માર્ગદર્શન બાબતે સહકાર માંગ્યો હતો. મુખ્યમંત્રી ફડણવીસે આ પ્રસ્તાવને તાત્કાલિક સ્વીકાર્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર આ જાહેરાતનું સ્વાગત કરતાં લખ્યું કે શિવરાજ્યાભિષેકના પાવન અવસરે થયેલી આ જાહેરાત ઐતિહાસિક છે અને મહારાષ્ટ્ર સરકાર આ પહેલને સંપૂર્ણ સહયોગ આપશે. ફડણવીસે પોતાના સંદેશમાં "જય ભવાણી, જય શિવાજી"ના નારા સાથે આ પ્રોજેક્ટ પ્રત્યે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: આસિમ મુનીર બન્યા 'જનરલ ડાયર'! : શોક સભામાં ઉમટેલા PoK ના લોકો પર પાક. સેનાનું અંધાધૂંધ ફાયરિંગ, 27 ના મોત

મહારાષ્ટ્રીય યહૂદી સમુદાય સાથેના ઐતિહાસિક સંબંધો પણ ઉજાગર થશે

ઈઝરાયલના કોન્સુલ જનરલે એક પત્રમાં જણાવ્યું હતું કે આ સ્મારક મહારાષ્ટ્ર અને ભારતીય યહૂદી સમુદાય વચ્ચેના ઐતિહાસિક સંબંધોને પણ પ્રકાશિત કરશે. મહારાષ્ટ્રમાં વર્ષોથી યહૂદી સમુદાય વસવાટ કરતો આવ્યો છે. ખાસ કરીને બેને ઇઝરાયેલ યહૂદી સમુદાયના અનેક પરિવારો મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં રહેતા હતા. બાદમાં આમાંથી મોટી સંખ્યામાં લોકો ઇઝરાયલમાં સ્થાયી થયા હતા.

પત્રમાં જણાવાયું છે કે મહારાષ્ટ્રીય યહૂદી સમુદાયના અનેક વંશજો આજે ઇઝરાયલના સમાજ, રાજકારણ, શિક્ષણ અને અન્ય ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. આવી સ્થિતિમાં શિવાજી મહારાજની પ્રતિમા બંને દેશોના સાંસ્કૃતિક વારસાને જોડતું એક પ્રતીક બની શકે છે.

આ પણ વાંચો: ભારતીય જહાજ પર હુમલા વચ્ચે ઓમાને કર્યું જોરદાર કામ : સરાહનીય કામગીરીને લઈ કેન્દ્રએ માન્યો આભાર

ઈઝરાયલના લોકોને મળશે શિવાજી મહારાજ વિશે જાણવાની તક

આ સ્મારકનો એક મહત્વપૂર્ણ હેતુ ઇઝરાયલના નાગરિકોને છત્રપતિ શિવાજી મહારાજના જીવન, કાર્ય અને તેમના શાસન વિશે માહિતગાર કરવાનો પણ છે. ભારતીય ઇતિહાસમાં શિવાજી મહારાજને એક દુરંદેશી શાસક, કુશળ યોદ્ધા અને લોકકલ્યાણકારી રાજા તરીકે ઓળખવામાં આવે છે. તેમણે સ્વરાજ્યની સ્થાપના કરીને ભારતીય ઇતિહાસમાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું હતું. ઈઝરાયલમાં તેમની પ્રતિમા સ્થાપિત થવાથી ત્યાંના લોકો ભારતીય ઇતિહાસના આ મહાન વ્યક્તિત્વ વિશે વધુ જાણવાની તક મેળવી શકશે. સાથે જ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક પરંપરા પણ વૈશ્વિક સ્તરે વધુ ઉજાગર થશે.

ભારત-ઇઝરાયલ સંબંધોમાં ઉમેરાશે નવો અધ્યાય

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને ઇઝરાયલ વચ્ચે કૃષિ, ટેક્નોલોજી, રક્ષા, પાણી વ્યવસ્થાપન અને વેપાર જેવા અનેક ક્ષેત્રોમાં સહયોગ વધ્યો છે. હવે સાંસ્કૃતિક ક્ષેત્રમાં પણ બંને દેશો વચ્ચે નવી પહેલો જોવા મળી રહી છે. વિશ્લેષકોનું માનવું છે કે શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય માત્ર એક સાંસ્કૃતિક પ્રોજેક્ટ નથી, પરંતુ બંને દેશો વચ્ચેના વિશ્વાસ, મિત્રતા અને ઐતિહાસિક જોડાણનું પ્રતિક છે. જો આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થશે તો તે ભારત-ઇઝરાયલ સંબંધોમાં એક નવો અને ઐતિહાસિક અધ્યાય ઉમેરશે, જે આગામી પેઢીઓ માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now