Oman Tanker Attack: મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ અને સમુદ્રી માર્ગો પર ઉભા થયેલા જોખમોની વચ્ચે ઓમાનના દરિયાકાંઠે એક તેલ ટેન્કર પર થયેલી ઘટનાએ ભારત માટે ચિંતાની સ્થિતિ ઊભી કરી હતી. પલાઉ ધ્વજ ધરાવતા MT Marivex નામના ટેન્કર પર હુમલા બાદ તેમાં સવાર 24 ભારતીય નાવિકોના જીવ જોખમમાં મુકાયા હતા. જોકે, સમયસર હાથ ધરાયેલી આંતરરાષ્ટ્રીય બચાવ કાર્યવાહીના કારણે તમામ ભારતીય ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. ભારતીય કોસ્ટ ગાર્ડ અને ઓમાની સત્તાવાળાઓ વચ્ચેના ઝડપી સંકલનના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે. તમામ 24 ભારતીયો સુરક્ષિત હોવાનું સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી છે.
મુંબઈથી શરૂ થઈ તાત્કાલિક બચાવ કામગીરી
ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મુંબઈ સ્થિત મેરીટાઇમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર (MRCC)ને સોમવારે MT Marivex પર બનેલી ઘટનાની જાણ કરવામાં આવી હતી. જહાજમાં સવાર એક ભારતીય ક્રૂ સભ્યના પરિવારજનોએ આ માહિતી ભારતીય અધિકારીઓ સુધી પહોંચાડી હતી. માહિતી મળતાની સાથે જ MRCC મુંબઈએ ઓમાન મેરીટાઇમ સર્ચ એન્ડ રેસ્ક્યુ સેન્ટર (OMSC) સાથે તાત્કાલિક સંપર્ક સાધ્યો હતો અને બચાવ કામગીરી શરૂ કરવા વિનંતી કરી હતી.
ઓમાની હેલિકોપ્ટર દ્વારા કરાયું રેસ્ક્યુ
માહિતી મળ્યા બાદ ઓમાનની સત્તાવાળાઓએ ઝડપથી કાર્યવાહી હાથ ધરી હતી. નજીકમાં રહેલા જહાજોને એલર્ટ કરવામાં આવ્યા હતા અને ઓમાની નૌકાદળના બે રેસ્ક્યુ હેલિકોપ્ટરને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. ભારે જોખમ વચ્ચે તમામ 24 ભારતીય નાવિકોને હેલિકોપ્ટર મારફતે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને ઓમાનના મસિરાહ દ્વીપ પર પહોંચાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: દરિયાની વચ્ચે આગના ગોળામાં ફેરવાયું તેલ ટેન્કર: જહાજમાં સવાર હતા 24 ભારતીયો
તમામ ભારતીય નાવિકો સુરક્ષિત
ભારતીય કોસ્ટ ગાર્ડ અને ઓમાની સત્તાવાળાઓએ પુષ્ટિ કરી છે કે બચાવાયેલા તમામ 24 ભારતીય નાવિકો સંપૂર્ણપણે સુરક્ષિત છે. કોઈ જાનહાનિ કે ગંભીર ઇજાના અહેવાલ સામે આવ્યા નથી. બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ ભારતીય અધિકારીઓએ ઓમાન સરકાર અને બચાવ દળોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર ઓપરેશન દરમિયાન બંને દેશો વચ્ચે સતત સંપર્ક અને સંકલન જાળવવામાં આવ્યું હતું.
ગલ્ફ વિસ્તારમાં વધતું જોખમ
તાજેતરના સમયમાં ગલ્ફ ઓફ ઓમાન અને હોર્મુઝ જળમાર્ગ આસપાસની પરિસ્થિતિ વધુ સંવેદનશીલ બની છે. ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચેના વધતા તણાવના કારણે આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટ્સ પર જોખમ વધ્યું છે. વિશ્વના ઊર્જા પુરવઠાનો મોટો હિસ્સો આ જળમાર્ગમાંથી પસાર થતો હોવાથી અહીં કોઈપણ પ્રકારની સુરક્ષા ઘટના વૈશ્વિક સ્તરે અસર કરી શકે છે.
આ પણ વાંચો: હિંદ મહાસાગરમાં આવેલો ભારત નજીકનો આ ટાપુ કેમ ખરીદવા માંગે છે ટ્રમ્પ?: કારણ જાણી દુનિયા ચોંકી ઉઠશે!
MT Marivex અંગે શું સામે આવ્યું?
આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો અનુસાર MT Marivex ટેન્કર અગાઉ ઈરાન સાથે સંકળાયેલા વેપારને લઈને અમેરિકી પ્રતિબંધોનો સામનો કરી ચૂક્યું છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના નિવેદન મુજબ, જહાજે ઈરાન તરફ જવાની કોશિશ કરી હતી અને અમેરિકી દળોની સૂચનાઓનું પાલન ન કરતાં તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે ઘટનાની સંપૂર્ણ વિગતો અને કારણોની તપાસ હજુ ચાલુ છે. બીજી તરફ ભારતીય કોસ્ટ ગાર્ડે જણાવ્યું છે કે, હિંદ મહાસાગર અને આસપાસના સમુદ્રી વિસ્તારોમાં ભારતીય નાગરિકોની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. મિત્ર દેશો સાથેના સહયોગ અને આંતરરાષ્ટ્રીય સંકલન દ્વારા આવી સ્થિતિમાં ઝડપી બચાવ કામગીરી શક્ય બને છે. આ ઘટનાએ ફરી એકવાર દરિયાઈ સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય સહકારનું મહત્વ ઉજાગર કર્યું છે.





