Delhi Government: ઓફિસ જવા માટે કાર કે બાઈકનો ઉપયોગ કરો છો? હવે જાહેર પરિવહન અપનાવનારાઓ માટે વધારાની કમાણીનો રસ્તો ખુલી ગયો છે. મેટ્રો અને બસમાં મુસાફરી કરનારા કર્મચારીઓને દર મહિને પગાર સાથે વધારાનું ભથ્થું આપવાની નવી યોજના દિલ્હી શહેરમાં અમલમાં આવી છે, જે પ્રદૂષણ ઘટાડવા અને પબ્લિક ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપવાના હેતુથી શરૂ કરવામાં આવી છે.
આ યોજના માત્ર દેશની રાજધાની દિલ્હીમાં પર્યાવરણ સુરક્ષા માટે જ નહીં પરંતુ કર્મચારીઓને જાહેર પરિવહન અપનાવવા માટે સીધી નાણાકીય પ્રેરણા આપવાના હેતુથી તૈયાર કરવામાં આવી છે. સરકારનું માનવું છે કે, જો વધુ લોકો ખાનગી વાહનો છોડીને જાહેર પરિવહન તરફ વળશે તો ઇંધણની બચત થશે, ટ્રાફિકનું દબાણ ઘટશે અને પ્રદૂષણના સ્તરમાં પણ ઘટાડો આવશે.
શું છે દિલ્હી સરકારની નવી યોજના?
દિલ્હી સરકારના નવા નિર્ણય મુજબ જે કર્મચારીઓ પોતાના ટ્રાન્સપોર્ટ એલાઉન્સનો એક ભાગ મેટ્રો અને DTC બસમાં મુસાફરી માટે ખર્ચશે તેમને વધારાના 10 ટકા ટ્રાન્સપોર્ટ એલાઉન્સનું પ્રોત્સાહન આપવામાં આવશે. આ વધારાની રકમ દર મહિને કર્મચારીઓના પગાર સાથે જમા કરવામાં આવશે. એટલે કે કર્મચારીઓ માત્ર જાહેર પરિવહનનો ઉપયોગ કરીને વધારાની આવકનો લાભ પણ મેળવી શકશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે, આ લાભ મેળવવા માટે કર્મચારીએ પોતાના માસિક ટ્રાન્સપોર્ટ એલાઉન્સ (DA સિવાય)ના ઓછામાં ઓછા 25 ટકા ભાગનો ઉપયોગ DTCના કોમન મોબિલિટી કાર્ડમાં રિચાર્જ કરવા માટે કરવો પડશે.
આ પણ વાંચો: ભારતમાં સ્કુબા ડાઇવિંગના 4 સૌથી અદભુત સ્થળો: દરેક પ્રવાસીની પહેલી પસંદ
કોમન મોબિલિટી કાર્ડ શું છે?
કોમન મોબિલિટી કાર્ડ એક એવું સ્માર્ટ કાર્ડ છે જેનો ઉપયોગ દિલ્હી મેટ્રો અને DTC બસ બંનેમાં મુસાફરી માટે કરી શકાય છે. આ કાર્ડના માધ્યમથી મુસાફરોને અલગ-અલગ ટિકિટ લેવાની જરૂર રહેતી નથી. યોજનાનો લાભ લેવા ઇચ્છુક કર્મચારીઓને તેમની સંમતિ બાદ DTC તરફથી આ કાર્ડ આપવામાં આવશે. ત્યારબાદ તેમના ટ્રાન્સપોર્ટ એલાઉન્સનો નિર્ધારિત હિસ્સો દર મહિને આપોઆપ આ કાર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
કર્મચારીઓને કેટલો મળશે ફાયદો?
જો કોઈ કર્મચારી યોજના હેઠળ જોડાય છે તો તેના ટ્રાન્સપોર્ટ એલાઉન્સનો 25 ટકા ભાગ કોમન મોબિલિટી કાર્ડમાં જમા થશે, જ્યારે બાકી રહેલા 75 ટકા એલાઉન્સની રકમ અગાઉની જેમ સીધી પગાર સાથે મળશે. આ ઉપરાંત સરકાર દ્વારા 10 ટકા વધારાનું પ્રોત્સાહક ભથ્થું પણ આપવામાં આવશે. મહત્વની વાત એ છે કે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ પર મળતો મોંઘવારી ભથ્થો (DA) પણ સંપૂર્ણ રકમ પર અગાઉની જેમ જ ચાલુ રહેશે.
આ પણ વાંચો: TMCને મોટો ઝટકો: રાજ્યસભા સાંસદ સુષ્મિતા દેવે આપ્યું રાજીનામું, હિમંત સરમા સાથે મુલાકાતથી અટકળો તેજ
શું દરેક કર્મચારી માટે યોજના ફરજિયાત છે?
દિલ્હી સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ યોજના સંપૂર્ણપણે વૈકલ્પિક છે. એટલે કે કર્મચારીઓ પોતાની ઇચ્છા મુજબ તેમાં જોડાઈ શકે છે અથવા અગાઉની વ્યવસ્થા મુજબ ટ્રાન્સપોર્ટ એલાઉન્સ મેળવી શકે છે. જે કર્મચારીઓ આ યોજનાનો લાભ લેવા માંગતા નથી તેમને પોતાના વિભાગના વડાને તેની જાણ કરવાની રહેશે. કોઈપણ કર્મચારી પર આ યોજના ફરજિયાત રીતે લાગુ કરવામાં આવશે નહીં.
કયા કર્મચારીઓને મળશે લાભ?
આ યોજના મુખ્યત્વે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર (GNCTD)ના કર્મચારીઓ માટે લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત દિલ્હી સરકાર હેઠળ કાર્યરત સ્વાયત્ત સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ, બોર્ડ, સોસાયટીઓ અને સરકારી સહાય પ્રાપ્ત કરતી વિવિધ સંસ્થાઓના કર્મચારીઓ પણ નિયમો અનુસાર આ યોજનાનો લાભ લઈ શકશે.
હાલ છ મહિના માટે અમલ
દિલ્હી સરકારે આ યોજના શરૂઆતમાં છ મહિનાના પ્રાયોગિક ધોરણે અમલમાં મૂકી છે. આ સમયગાળા દરમિયાન યોજનાના પરિણામો અને કર્મચારીઓની ભાગીદારીનું મૂલ્યાંકન કરવામાં આવશે. જો સરકારને આ પહેલથી સકારાત્મક પરિણામો મળશે તો ભવિષ્યમાં તેને વધુ સમય માટે લંબાવવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.
‘મેરા ભારત, મેરા યોગદાન’ અભિયાનનો ભાગ
મુખ્યમંત્રી Rekha Gupta દ્વારા શરૂ કરાયેલા 90 દિવસીય ‘મેરા ભારત, મેરા યોગદાન’ અભિયાન હેઠળ આ પહેલ કરવામાં આવી છે. સરકારનું માનવું છે કે, જાહેર પરિવહનના વધતા ઉપયોગથી માત્ર પર્યાવરણને જ લાભ નહીં થાય પરંતુ ઇંધણ આયાત પરનો બોજ પણ ઘટશે અને શહેરી પરિવહન વધુ અસરકારક બનશે. દિલ્હી સરકારની આ નવી પહેલ અન્ય રાજ્યો માટે પણ એક મોડેલ બની શકે છે, જ્યાં પ્રદૂષણ અને ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી છે.





