World News: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. અહીં એક પ્રદર્શનકારીની શોકસભામાં એકઠા થયેલા લોકો પર પાકિસ્તાની સેનાએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ 'ડાયરેક્ટ એક્શન'માં 27 લોકોના મોત થયા છે અને 200 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. વિસ્તારમાં 9 જૂનના રોજ બંધના એલાન અને વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા ફાટી નીકળ્યા બાદ, જમ્મુ-કાશ્મીર જોઈન્ટ અવામી એક્શન કમિટી (JAAC) એ પાકિસ્તાની સેના અને સુરક્ષા દળો પર ગંભીર આરોપો લગાવ્યા છે.
સંગઠનનો દાવો છે કે રાવલકોટમાં પ્રદર્શનકારીઓ અને શોકસભામાં સામેલ લોકો પર કરવામાં આવેલી હિંસક કાર્યવાહીમાં 27 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત 100 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે અને અનેક લોકો ગુમ થયા હોવાનો પણ આરોપ છે. JAAC અનુસાર, આ શોકસભા શાહઝૈબ હબીબ નામના પ્રદર્શનકારીના અંતિમ સંસ્કાર માટે રાખવામાં આવી હતી. સંગઠનનો આરોપ છે કે શાહઝૈબનું મોત પાકિસ્તાન રેન્જર્સના ગોળીબારમાં થયું હતું. જ્યારે તેના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા ત્યારે સુરક્ષા દળોએ ફરી ગોળીબાર શરૂ કર્યો, જેનાથી સ્થિતિ વણસી હતી.
‘જ્યાં દેખાય ત્યાં ગોળી મારો’ નો આદેશ!
JAAC ના વરિષ્ઠ નેતા શૌકત નવાઝ મીરે આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓને અવામી એક્શન કમિટીના સભ્યો પર સીધો ગોળીબાર કરવાના આદેશ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું, "એવા આદેશો છે કે JAAC ના સભ્યો જ્યાં પણ દેખાય, તેમના પર સીધું ફાયરિંગ કરવામાં આવે." મીરે પાકિસ્તાન સેના પર સામાન્ય નાગરિકો અને કાશ્મીરી જનતાને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે. જોકે, પાકિસ્તાન સરકાર કે સેના તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.
ભારતીય જહાજ પર હુમલા વચ્ચે ઓમાને કર્યું જોરદાર કામ : સરાહનીય કામગીરીને લઈ કેન્દ્રએ માન્યો આભાર
શા માટે ભડક્યું છે આ આંદોલન?
PoK માં વર્તમાન અશાંતિનું મૂળ ઓક્ટોબર 2025 માં થયેલો કથિત ‘મુઝફ્ફરાબાદ કરાર’ માનવામાં આવે છે. આ કરાર પાકિસ્તાન સરકાર, PoK વહીવટીતંત્ર અને JAAC વચ્ચે ગયા વર્ષે થયેલા હિંસક આંદોલનો પછી થયો હતો. તે સમયે સરકારે અનેક મહત્વની માંગણીઓ સ્વીકારવાનું વચન આપ્યું હતું, જેમાં નીચેની બાબતો મુખ્ય હતી. ઘઉં અને વીજળી પર સબસિડી. આંદોલનમાં માર્યા ગયેલા લોકોના પરિવારોને વળતર. વહીવટી સુધારા અને પાયાની સુવિધાઓનો વિકાસ. સ્થાનિક લોકોના અધિકારોને મજબૂત કરવા.
JAAC નો આરોપ: 'વચનો પૂરા થયા નથી'
હવે JAAC નો આરોપ છે કે કરારમાં આપેલા મોટાભાગના વચનો કાં તો પૂરા કરવામાં આવ્યા નથી અથવા તો આંશિક રીતે અમલમાં મૂકાયા છે. વારંવારની ખાતરી છતાં સબસિડી અને વિકાસ પ્રોજેક્ટ્સ પર કોઈ નક્કર પ્રગતિ ન થતા સંગઠને 9 જૂનથી સમગ્ર વિસ્તારમાં હડતાળ અને નવા આંદોલનનું આહ્વાન કર્યું હતું. બીજી તરફ, સરકારી પક્ષનો દાવો છે કે મોટાભાગની માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે, પરંતુ સ્વાયત્તતા અને અનામત બેઠકો જેવા મુદ્દાઓ પર હજુ પણ મતભેદ છે.
“અમને ઘઉં અને વીજળી જોઈતી હતી, ગોળીઓ નહીં”
સોશિયલ મીડિયા પર એક યુવાન કાશ્મીરી યુવતીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પૂછે છે, “અમે તમારી પાસે લોટ અને વીજળી માંગી હતી, પણ તમે અમને ગોળીઓ આપી. આ કેવી લોકશાહી છે?”
‘ન્યાય ન આપી શકતા હો તો એટમ બોમ્બ ફેંકી દો’
આંદોલન દરમિયાન પ્રદર્શનકારીઓનો ગુસ્સો ચરમસીમા પર જોવા મળ્યો છે. JAAC કોર કમિટીના સભ્ય સાકિબ ઇલ્યાસીએ એક વીડિયોમાં કહ્યું, "અમે સાંભળતા હતા કે પાકિસ્તાને ભારત માટે પરમાણુ બોમ્બ બનાવ્યો છે, પણ તમે ભારતનું તો કંઈ બગાડી શક્યા નહીં. જો અમને ન્યાય અને અધિકાર ન આપી શકતા હો તો એ બોમ્બ અમારા પર જ ફેંકી દો. અમને ખતમ કરી દો. દરરોજ અપમાનિત થવા કરતા મરી જવું બહેતર છે."
ફિલિપાઇન્સમાં 50 વર્ષનો સૌથી શક્તિશાળી ભૂકંપ : 37 લોકોના મોત, 20 હજારથી વધુ બેઘર થયા
PoK માં મોટું રાજકીય સંકટ
વિશ્લેષકોના મતે, મુઝફ્ફરાબાદ કરારને લઈને પેદા થયેલો વિવાદ હવે PoK માટે મોટું રાજકીય સંકટ બની ગયું છે. સાધનોની વહેંચણી, આર્થિક તંગી અને સ્થાનિક અધિકારોના મુદ્દે લોકોમાં લાંબા સમયથી રોષ હતો. જો સમય રહેતા વાતચીત દ્વારા રસ્તો નહીં કાઢવામાં આવે, તો આવનારા દિવસોમાં આ હિંસા વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે.





