Middle East Conflict: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને સમજૂતી મુદ્દે આકરી ધમકી આપી છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો સમયમર્યાદા પૂરી થતા પહેલા કોઈ ડીલ નહીં થાય, તો ઈરાનની આખી સભ્યતા આજે રાત્રે જ ખતમ થઈ જશે. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર તેમણે લખ્યું કે, “આજે રાત્રે એક આખી સભ્યતાનો અંત આવી શકે છે, જેને ક્યારેય પાછી લાવી શકાશે નહીં. હું આવું ઈચ્છતો નથી, પરંતુ કદાચ આવું થઈ શકે છે.
જોકે, હવે ઈરાનમાં સંપૂર્ણ સત્તા પરિવર્તન થઈ ચૂક્યું છે, જ્યાં સમજદાર અને ઓછી કટ્ટરપંથી માનસિકતા ધરાવતા લોકો સત્તામાં છે. કોણ જાણે? કદાચ કંઈક ક્રાંતિકારી અને સારું પણ થઈ શકે છે. આ વિશ્વના ઇતિહાસની ખૂબ જ મહત્વની ક્ષણ હોઈ શકે છે. 47 વર્ષથી ચાલી રહેલા ભ્રષ્ટાચાર, દબાણ અને હિંસાનો અંત આવી શકે છે. ઈરાનના લોકોને શુભકામનાઓ.”
આ પણ વાંચો: એક રાતમાં ઈરાનને કરી શકીએ છીએ બરબાદ : ડેડલાઈન પર ટ્રમ્પની ધમકી, જાણો શું કહ્યું જગત જમાદારે?
ટ્રમ્પે આપી છે આટલી ડેડલાઈન
ટ્રમ્પે ઈરાનને સમજૂતી માટે મંગળવારે રાત્રે 8 વાગ્યા સુધીનો (ભારતીય સમય મુજબ, બુધવારે સવારે 5:30 વાગ્યા સુધીનો) સમય આપ્યો છે. જોકે, આ સમયમર્યાદા પહેલા જ અમેરિકા અને ઈઝરાયેલે હુમલા તેજ કરી દીધા છે. બીજી તરફ, અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે કહ્યું છે કે ટૂંક સમયમાં જ ઈરાન યુદ્ધનો અંત આવવાનો છે. વેન્સના જણાવ્યા અનુસાર, ઈરાન યુદ્ધના સૈન્ય ઉદ્દેશ્યો પૂર્ણ થઈ ગયા છે અને આ સંઘર્ષ ખૂબ જ જલ્દી સમાપ્ત થવાની આશા છે. આ યુદ્ધનો અંત કેવી રીતે આવશે તે હવે ઈરાની લોકો પર નિર્ભર છે. અમેરિકાએ ઈરાનની સૈન્ય ક્ષમતાઓ અને દરિયાઈ માર્ગોને જોખમમાં મૂકવાની તેની શક્તિને નબળી પાડી દીધી છે.
આ પણ વાંચો: 'યુદ્ધ નહીં અટકે' : ટ્રમ્પના સીઝફાયરના પ્રસ્તાવને ઈરાને નકાર્યો, મુકી 10 શરતો
અમેરિકાએ ખાર્ગમાં 50 ઠેકાણાઓને બનાવ્યા નિશાન
ટ્રમ્પ અને વેન્સના આ નિવેદનો ઈરાન પર થઈ રહેલા ભીષણ હુમલાના થોડા કલાકો બાદ આવ્યા છે. અમેરિકા અને ઈઝરાયેલે ઈરાનના રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવ્યું છે. 'વોલ સ્ટ્રીટ જર્નલ'ના અહેવાલ મુજબ, અમેરિકાએ ઈરાનના ખાર્ગ આઇલેન્ડ પર 50થી વધુ સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. ખાર્ગ આઇલેન્ડ ઈરાનનું સૌથી મોટું તેલ નિકાસ કેન્દ્ર છે, તેથી આ હુમલાને રણનીતિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
વાતચીત કે વિનાશ?
આ પરિસ્થિતિનો અર્થ એ છે કે ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ, મિસાઈલ શક્તિ અને પર્સિયન ગલ્ફમાં તેની નૌકાદળની ક્ષમતા ઘણી હદ સુધી નબળી પડી ગઈ છે. સાથે જ હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) પર દબાણ બનાવવાની રણનીતિ પણ સફળ માનવામાં આવી રહી છે. તેનાથી હવે લાંબા યુદ્ધને બદલે વાતચીત દ્વારા ઉકેલ લાવવાનો માર્ગ ખુલી શકે છે, કારણ કે ટ્રમ્પે પણ પોતાના તાજેતરના નિવેદનમાં 'કંઈક સારું થવાની' આશા વ્યક્ત કરી છે. જોકે, ઈરાને એક દિવસ પહેલા જ અમેરિકાના સીઝફાયર પ્રસ્તાવને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે જ્યાં સુધી હુમલા બંધ નહીં થાય ત્યાં સુધી કોઈ વાતચીત થશે નહીં.





