ઈરાન અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવને સમાપ્ત કરવા માટે તૈયાર થઈ રહેલો ઐતિહાસિક શાંતિ કરાર હવે અટવાઈ ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ કરાર પર અંતિમ સહી થવાની તૈયારી વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મૂકવામાં આવેલી કેટલીક નવી અને કડક શરતોને કારણે ચર્ચા ફરી ગૂંચવાઈ ગઈ છે.
માહિતી મુજબ બંને દેશો વચ્ચે મહિનાઓથી રાજદ્વારી સ્તરે ચર્ચાઓ ચાલી રહી હતી અને મધ્ય પૂર્વમાં વધતા તણાવને ઘટાડવા માટે શાંતિ સમજૂતીનું ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. પરંતુ અંતિમ તબક્કે ટ્રમ્પે ત્રણ મહત્વપૂર્ણ શરતો મૂકી હોવાના અહેવાલો સામે આવ્યા છે, જેના કારણે હવે સમગ્ર કરાર અનિશ્ચિતતામાં મુકાયો છે.
અબ્રાહમ અકોર્ડ્સ મુદ્દે પ્રથમ મોટો વિવાદ
શાંતિ કરાર સામેનો સૌથી મોટો અવરોધ “અબ્રાહમ અકોર્ડ્સ”ને લઈને ઉભો થયો છે. ટ્રમ્પે માંગ કરી છે કે યુદ્ધવિરામ અને શાંતિ પ્રક્રિયાના ભાગરૂપે સાઉદી અરબ, કતાર, પાકિસ્તાન, તુર્કી, ઇજિપ્ત અને જોર્ડન જેવા મહત્વપૂર્ણ મુસ્લિમ દેશોએ પણ Abraham Accords પર સહી કરવી જોઈએ.
અહીં મુખ્ય સમસ્યા એ છે કે આમાંથી ઘણા દેશો હાલમાં ઈઝરાયેલ સાથે ખુલ્લા રાજદ્વારી સંબંધો સ્થાપિત કરવા માટે તૈયાર નથી. ખાસ કરીને ગાઝા અને પેલેસ્ટાઈન મુદ્દે મુસ્લિમ દેશોમાં ભારે સંવેદનશીલતા જોવા મળે છે.વિશ્લેષકોનું માનવું છે કે ટ્રમ્પની આ શરત ચર્ચાને વધુ જટિલ બનાવી રહી છે, કારણ કે ઈરાન અને અન્ય મુસ્લિમ દેશો માટે આ રાજકીય અને ધાર્મિક રીતે અત્યંત સંવેદનશીલ મુદ્દો છે.
આ પણ વાંચો: મળી ગયો ‘નવો હોર્મુઝ રૂટ’ : 1 જૂનથી આ ડીલ કરશે મોટો ખેલ; ખાડી દેશોથી યુરોપ સુધી ભારતની થશે સીધી એન્ટ્રી!
ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર બીજો પેંચ
શાંતિ કરારમાં બીજો મોટો વિવાદ ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને સંવર્ધિત યુરેનિયમને લઈને ઉભો થયો છે. અગાઉ બંને પક્ષો વચ્ચે આ મુદ્દે 30થી 60 દિવસની અંદર ઉકેલ લાવવાનો પ્રાથમિક સમજૂતીનો માળખો તૈયાર થયો હતો.પરંતુ હવે ટ્રમ્પે આ મામલે તરત જ અંતિમ નિર્ણય લેવાનો દબાણ શરૂ કર્યો છે. અમેરિકાનું કહેવું છે કે ઈરાન પાસે રહેલું સંવર્ધિત યુરેનિયમ વૈશ્વિક સુરક્ષા માટે જોખમ બની શકે છે.
જોકે ઈરાન સતત દાવો કરતું આવ્યું છે કે તેનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ઊર્જા ઉત્પાદન માટેનો છે. પરંતુ પશ્ચિમી દેશો અને અમેરિકા લાંબા સમયથી ઈરાન પર ગુપ્ત રીતે પરમાણુ હથિયાર વિકાસ કરવાનો આરોપ લગાવતા રહ્યા છે.
આ પણ વાંચો: કેનેડામાં ભારતીયોને નિશાન બનાવતી ‘ફોર બ્રધર્સ’ ગેંગનો સફાયો : ખંડણી ઉઘરાવતી ટોળકીના 17ની ધરપકડ, 106 કેસ દાખલ
'યુરેનિયમ સોંપો અથવા નષ્ટ કરો' – ટ્રમ્પ
આ સમગ્ર વિવાદ વચ્ચે ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક કડક નિવેદન પણ આપ્યું હોવાનું જણાવાયું છે. તેમાં તેમણે ઈરાનને અલ્ટીમેટમ આપતા કહ્યું કે સંવર્ધિત યુરેનિયમ તરત અમેરિકા પાસે સોંપી દેવું અથવા અમેરિકા સાથેના સંકલન હેઠળ તેનો સંપૂર્ણ નાશ કરી દેવો જોઈએ. ટ્રમ્પના આ આક્રમક વલણને કારણે વાતચીત આગળ વધવામાં મુશ્કેલી ઊભી થઈ હોવાનું રાજદ્વારી સૂત્રો માની રહ્યા છે. ઈરાન માટે આ મુદ્દો તેની રાષ્ટ્રીય સુરક્ષા અને સ્વાભિમાન સાથે જોડાયેલો માનવામાં આવે છે. આ મુદ્દે બંને દેશો વચ્ચે સમાધાન નહીં થાય તો મહિનાઓથી ચાલી રહેલી શાંતિ પ્રક્રિયા નિષ્ફળ જઈ શકે છે.
આ પણ વાંચો: અમેરિકામાં વધુ એક ગુજરાતીની કરપીણ હત્યા : મહેસાણાની મહિલાને ગોળી મારી મોતને ઘાટ ઉતારાઈ
મધ્ય પૂર્વમાં ફરી વધી શકે તણાવ
ઈરાન-અમેરિકા વચ્ચેનો સંભવિત કરાર માત્ર બે દેશો પૂરતો મર્યાદિત નથી, પરંતુ સમગ્ર મધ્ય પૂર્વની સ્થિરતા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો કરાર સફળ બને તો પ્રદેશમાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવમાં ઘટાડો આવી શકે છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં ફરી અનિશ્ચિતતા વધી રહી છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ટ્રમ્પની કડક શરતોને કારણે ઈરાન વધુ આક્રમક વલણ અપનાવી શકે છે. આ ઉપરાંત ઈઝરાયેલ, ગલ્ફ દેશો અને પશ્ચિમી શક્તિઓ પણ આ સમગ્ર પ્રક્રિયા પર નજીકથી નજર રાખી રહ્યા છે.
રાજદ્વારી પ્રયાસો ચાલુ
જોકે બંને દેશોની તરફથી સત્તાવાર રીતે કરાર સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હોવાની જાહેરાત કરવામાં આવી નથી. રાજદ્વારી સ્તરે હજુ પણ ચર્ચાઓ ચાલુ હોવાનું કહેવાઈ રહ્યું છે. વિશ્વ રાજનીતિમાં આ કરારને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તે મધ્ય પૂર્વમાં સુરક્ષા, ઊર્જા બજાર અને વૈશ્વિક કૂટનીતિ પર સીધી અસર કરી શકે છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં બંને દેશો કોઈ સમાધાન સુધી પહોંચી શકે છે કે ટ્રમ્પની શરતોને કારણે આ ઐતિહાસિક શાંતિ કરાર સંપૂર્ણપણે અટકી જાય છે.





