US Chemical Blast: અમેરિકાના દક્ષિણ-પશ્ચિમ વોશિંગ્ટનમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ગંભીર દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. અહીં આવેલી એક વિશાળ પલ્પ અને પેપર મિલમાં કેમિકલ ટેન્ક અચાનક વિસ્ફોટ સાથે ફાટતા આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ભયાનક બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે, જોતજોતામાં આખું ઉત્પાદન યુનિટ કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગયું હતું. પ્રાથમિક અહેવાલો મુજબ, આ દુર્ઘટનામાં અનેક કામદારોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 9 શ્રમિકો હજુ પણ લાપતા હોવાથી પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા સ્થાનિક વહીવટીતંત્ર અને ફાયર વિભાગ દ્વારા આ સમગ્ર વિસ્તારને 'માસ કેઝ્યુઅલ્ટી સીન' (સામૂહિક હતાહત સ્થળ) જાહેર કરવામાં આવ્યો છે. હાલમાં યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે.
વહેલી સવારે થયો પ્રચંડ વિસ્ફોટ, મિલનો એક ભાગ ધરાશાયી
મળતી માહિતી મુજબ, આ કરૂણ અકસ્માત દક્ષિણ-પશ્ચિમ વોશિંગ્ટનમાં સ્થિત 'નિપ્પોન ડાયનાવેવ પેકેજિંગ કંપની'ના પ્લાન્ટમાં મંગળવારે વહેલી સવારે સ્થાનિક સમય મુજબ લગભગ ૭:૧૫ વાગ્યે સર્જાયો હતો. મિલમાં રહેલી એક વિશાળ કેમિકલ ટેન્કમાં કોઈ અગમ્ય કારણોસર જોરદાર ધડાકો થયો હતો. વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે, તેની અસરથી મિલનું મુખ્ય યુનિટ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયું હતું. બ્લાસ્ટને પગલે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટા અને ભયનો માહોલ છવાઈ ગયો હતો.
9 કર્મચારીઓની શોધખોળ માટે યુદ્ધસ્તરે રેસ્ક્યુ ઓપરેશન
બ્લાસ્ટના સમાચાર મળતાની સાથે જ આશરે 40 જેટલા ફાયર ફાઇટર્સ, પેરામેડિક્સ અને પ્રાદેશિક જોખમી પદાર્થોની તપાસ કરતી ખાસ 'હેઝમેટ ટીમ' (Hazmat Team) ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કાટમાળ નીચે દબાયેલા અને લાપતા થયેલા 9 કર્મચારીઓને શોધવા માટે કલાકોથી સઘન બચાવ કામગીરી ચાલી રહી છે. કંપની અને કાયદા અમલીકરણ અધિકારીઓના સંયુક્ત નિવેદન અનુસાર, આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. આ ઉપરાંત, મોટી સંખ્યામાં શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા છે અને ઝેરી ગેસની અસર થવાથી તેઓ શ્વાસની તકલીફોનો સામનો કરી રહ્યા છે, જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
1,000 થી વધુ કર્મચારીઓનો પ્લાન્ટ, તપાસના આદેશ
વોશિંગ્ટન સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોલોજીના જણાવ્યા અનુસાર, 'નિપ્પોન ડાયનાવેવ'નો આ લિક્વિડ પેકેજિંગ પ્લાન્ટ ખૂબ જ મોટો છે અને અહીં 1,000થી વધુ કર્મચારીઓ વિવિધ પાળીમાં કામ કરે છે. આ પ્લાન્ટમાં ટિશ્યુ પેપર, પ્રિન્ટિંગ પેપર, કાર્ટન અને કપ-પ્લેટ બનાવવા માટેના મટીરિયલનું ઉત્પાદન કરવામાં આવે છે. આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓ કાર્યરત હોવાથી જાનહાનિનો આંકડો વધવાની ભીતિ સેવાઈ રહી છે. હાલ તંત્ર દ્વારા આટલો મોટો વિસ્ફોટ શા માટે થયો તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.





