Home International For Brothers Gang Arrest Canada Indian Traders Extortion Case Gujarati News

કેનેડામાં ભારતીયોને નિશાન બનાવતી ‘ફોર બ્રધર્સ’ ગેંગનો સફાયો : ખંડણી ઉઘરાવતી ટોળકીના 17ની ધરપકડ, 106 કેસ દાખલ

Canada For Brothers Gang
Image Credit: @PeelPolice
Published by: Nirali Gohil
Last Updated: May 26, 2026, 08:55 AM IST

Toronto News: કેનેડા અને અમેરિકામાં વસતા દક્ષિણ એશિયાઈ, ખાસ કરીને ભારતીય મૂળના વેપારીઓ માટે આતંકનું બીજું નામ બની ગયેલી ‘ફોર બ્રધર્સ’ (For Brothers) નામની કુખ્યાત ગેંગ પર કેનેડિયન પોલીસે મોટી કાર્યવાહી કરી છે. લાંબા સમયથી ઉદ્યોગપતિઓને ડરાવી-ધમકાવીને ખંડણી ઉઘરાવતા અને હિંસા ફેલાવતા આ આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્કને તોડી પાડવામાં પોલીસે સફળતા મેળવી છે. ટોરોન્ટોની પીલ પોલીસે સોમવારે એક મહત્વની જાહેરાતમાં જણાવ્યું હતું કે, આ ગેંગ સાથે જોડાયેલા 17 બદમાશોની ધરપકડ કરવામાં આવી છે, જેમની સામે કુલ 106 જેટલા ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા છે.

આ ગેંગનો આતંક એટલો વધી ગયો હતો કે વેપારીઓ અને સ્થાનિક લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે આ બદમાશો માત્ર ખંડણી જ નથી માંગતા, પરંતુ જે વેપારીઓ પૈસા આપવાની ના પાડે, તેમના પર અંધાધૂંધ ગોળીબાર કરવો, દુકાનોમાં આગ લગાડવી અને જીવલેણ હુમલા કરવા જેવી ક્રૂર ઘટનાઓને અંજામ આપતા હતા.

24 હિંસક ઘટનાઓ અને 324 બુલેટનો આતંક

પોલીસ તપાસમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આ ગેંગે કુલ 24 જેટલી હિંસક ઘટનાઓને અંજામ આપ્યો હતો, જેમાંથી 14 ઘટનાઓ સીધી રીતે ‘ફોર બ્રધર્સ’ ગેંગ દ્વારા કરવામાં આવી હતી. ભયનું વાતાવરણ ઉભું કરવા માટે આ ગુનેગારોએ અલગ-અલગ સ્થળોએ ત્રાટકીને 324 જેટલી ગોળીઓ ચલાવી હતી. ખાસ કરીને ટ્રકિંગ કંપનીઓ અને રેસ્ટોરાંના માલિકો તેમના મુખ્ય નિશાન પર હતા. ઓન્ટારિયોના કેલેડોનથી લઈને બ્રામ્પટન સુધી આ ગેંગે મિનિટોના અંતરમાં હુમલા કરીને પોલીસ તંત્રને પણ પડકાર ફેંક્યો હતો.

કોણ હતા આ આરોપીઓ?

સૌથી ગંભીર બાબત એ છે કે ધરપકડ કરાયેલા 17 આરોપીઓમાંથી એક પણ વ્યક્તિ કેનેડાનો નાગરિક નથી. આ બાબતે બ્રામ્પટનના મેયરે પણ આશ્ચર્ય અને ચિંતા વ્યક્ત કરી હતી. આ ગુનેગારો કેનેડામાં પ્રવેશ્યા બાદ ત્યાંની વ્યવસ્થાનો ગેરલાભ ઉઠાવી રહ્યા હતા. તપાસમાં વધુ એક ચોંકાવનારી વાત સામે આવી છે કે, આ ગેંગ કેનેડામાં આવતા ભોળા વિદ્યાર્થીઓને પણ પોતાના જાળમાં ફસાવતી હતી. જે વિદ્યાર્થીઓ આર્થિક રીતે નબળા હોય અથવા ખોટી કોલેજો-ઈમિગ્રેશન કન્સલ્ટન્ટ્સના ચક્કરમાં ફસાયા હોય, તેમને ડરાવી-ધમકાવીને આ ગેંગ પોતાના ગુનાહિત કામોમાં ઉપયોગ કરતી હતી.

આ પણ વાંચો: અમેરિકામાં વધુ એક ગુજરાતીની કરપીણ હત્યા: મહેસાણાની મહિલાને ગોળી મારી મોતને ઘાટ ઉતારાઈ

ભારત અને કેનેડા માટે સુરક્ષાનો મોટો મુદ્દો

આ ગેંગ મુખ્યત્વે બ્રામ્પટન, મિસીસાગા, કેલેડોન અને બ્રિટિશ કોલંબિયા જેવા વિસ્તારોમાં સક્રિય હતી, જ્યાં ભારતીયોની વસ્તી મોટી સંખ્યામાં છે. તાજેતરના સમયમાં ભારતીય મંદિરો પર હુમલા અને હવે આ હિંસક ખંડણીખોર ગેંગની ધરપકડ બાદ કેનેડામાં વસતા ભારતીયોમાં પોતાની સુરક્ષાને લઈને ભારે ચિંતા જોવા મળી રહી છે. કેનેડા સરકાર હવે આંતરરાષ્ટ્રીય સંગઠિત ગુનાખોરી અને વિદેશી દખલગીરી સામે કડક વલણ અપનાવી રહી છે, જે અંતર્ગત આ એક મોટી સફળતા માનવામાં આવે છે.

ભારતીય સમુદાય માટે મોટી રાહત

બીજી તરફ ‘ફોર બ્રધર્સ’ ગેંગના પર્દાફાશ બાદ કેનેડામાં વસતા ભારતીય વેપારીઓ અને સાઉથ એશિયન સમુદાયે રાહતનો શ્વાસ લીધો છે. પોલીસનું કહેવું છે કે તપાસ હજુ ચાલુ છે અને આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચવા માટે કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે.

આ પણ વાંચો: વિશ્વના સૌથી ભૂકંપગ્રસ્ત દેશમાં ફરી આંચકો: 6.9ની તીવ્રતાના આંચકાથી લોકોમાં ફફડાટ, ઘરો-ઓફિસોમાંથી બહાર દોડ્યા લોકો

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now