ઈરાનમાં નેતૃત્વનું સંકટ અને આર્થિક નાકાબંધી વચ્ચે ટ્રમ્પનું વિવાદાસ્પદ નિવેદન
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચોંકાવનારો દાવો કરતા જણાવ્યું છે કે ઈરાન અત્યારે 'પતનની સ્થિતિ' (State of Collapse) માં છે. ટ્રમ્પના મતે, ઈરાને પોતે જ અમેરિકાને આ અંગે જાણ કરી છે અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવી હોર્મુઝની ખાડી (Strait of Hormuz) ને વહેલી તકે ખોલવા માટે વિનંતી કરી છે.
નેતૃત્વના સંકટમાં ફસાયું છે ઈરાન?
ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરીને લખ્યું કે, "ઈરાને હમણાં જ અમને જાણ કરી છે કે તેઓ પતનની સ્થિતિમાં છે. તેઓ ઈચ્છે છે કે અમે શક્ય તેટલી વહેલી તકે હોર્મુઝની ખાડી ખોલી દઈએ, કારણ કે તેઓ તેમના નેતૃત્વની સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે." ટ્રમ્પે વધુમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ઈરાન આ આંતરિક સંકટને ઉકેલી લેશે.
હોર્મુઝની ખાડીનું મહત્વ અને વિવાદ હોર્મુઝની ખાડી વિશ્વના તેલ વેપાર માટે સૌથી મહત્વનો જળમાર્ગ છે. છેલ્લાં કેટલાંક સમયથી અમેરિકા અને ઈઝરાયેલ સાથેના સંઘર્ષને કારણે આ વિસ્તારમાં દરિયાઈ અવરજવર પર ગંભીર અસર પડી છે.
ઈરાને ફેબ્રુઆરીથી આ જળમાર્ગ પર નાકાબંધી કરી છે, જેના કારણે વૈશ્વિક તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે.
હાલમાં ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ $112 થી ઉપર પહોંચી ગઈ છે.
અમેરિકી સેના અત્યાર સુધીમાં ઈરાન જતાં અથવા ત્યાંથી આવતા 39 જહાજોને રોકી ચૂકી છે.
નવી સમજૂતીની અટકળો
રિપોર્ટ્સ અનુસાર, ઈરાને એક નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે જેમાં હોર્મુઝની ખાડી ખોલવાની બદલામાં અમેરિકા તેની આર્થિક નાકાબંધી હટાવે તેવી શરત મૂકી છે. જોકે, ટ્રમ્પ વહીવટીતંત્ર ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર કડક નિયંત્રણો વિના આ પ્રસ્તાવ સ્વીકારવા તૈયાર નથી. ઈરાનમાં આંતરિક ખેંચતાણ અને વિરોધ પ્રદર્શનો વચ્ચે ટ્રમ્પનું આ નિવેદન આવનારા દિવસોમાં પશ્ચિમ એશિયાની સ્થિતિ વધુ જટિલ બનાવી શકે છે.






