Donald Trump Policy: વૈશ્વિક રાજનીતિ અને ઊર્જા બજારમાં અત્યારે ભારે હલચલ જોવા મળી રહી છે. ખાસ કરીને ભારત માટે એક અત્યંત મહત્વના અને રાહતના સમાચાર અમેરિકાથી સામે આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને પોતાની કડક નીતિમાં અચાનક મોટો ફેરફાર કરતા રશિયન તેલ પરના પ્રતિબંધોમાં આંશિક છૂટછાટ આપવાની જાહેરાત કરી છે. અમેરિકાના આ આશ્ચર્યજનક નિર્ણયથી માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના ઉર્જા નિષ્ણાતો પણ ચોંકી ઉઠ્યા છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને ઈરાન સાથેના તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના પુરવઠા પર મોટું જોખમ તોળાઈ રહ્યું હતું. આ નિર્ણયનો સીધો અને સૌથી મોટો ફાયદો ભારતને થવા જઈ રહ્યો છે. ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં સસ્તું ક્રૂડ ઓઈલ ખરીદતું આવ્યું છે, અને હવે અમેરિકાના નવા વલણ બાદ આ રસ્તો વધુ મોકળો બન્યો છે. ટ્રમ્પ પ્રશાસનના આ 'યુ-ટર્ન' પાછળ વૈશ્વિક બજારમાં તેલની કિંમતોને અંકુશમાં રાખવાની રણનીતિ હોવાનું મનાઈ રહ્યું છે.
શું છે અમેરિકાનો નવો આદેશ? (New Licensing Order)
અમેરિકી ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા લાયસન્સિંગ ઓર્ડર મુજબ, રશિયન તેલની ખરીદી માટે આપવામાં આવેલી મુક્તિને વધુ એક મહિના માટે લંબાવવામાં આવી છે. હવે વિવિધ દેશો 17 એપ્રિલથી 16 મે સુધી કોઈ પણ અવરોધ વગર રશિયા પાસેથી તેલની ખરીદી કરી શકશે. અગાઉ આ છૂટછાટ સમાપ્ત થઈ રહી હતી, જેના કારણે ભારત જેવા દેશોમાં તેલના ભાવ વધવાની ભીતિ હતી, પરંતુ હવે એક મહિનાની વધારાની મુદત મળતા મોટી રાહત મળી છે.
ટ્રમ્પ પ્રશાસને અચાનક કેમ લેવો પડ્યો 'યુ-ટર્ન'?
આ નિર્ણય ચોંકાવનારો એટલા માટે છે કારણ કે આ અઠવાડિયાની શરૂઆતમાં જ અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે કડક સંકેતો આપ્યા હતા. જોકે, પશ્ચિમ એશિયામાં ઈઝરાયેલ-ઈરાન સંઘર્ષને કારણે તેલના વૈશ્વિક ભાવ આસમાને પહોંચવાની શક્યતા હતી. જો અમેરિકા રશિયન તેલ પરના પ્રતિબંધો યથાવત રાખત, તો દુનિયાભરમાં તેલની અછત સર્જાઈ હોત અને મોંઘવારી બેકાબૂ બની હોત. બજારમાં સ્થિરતા જાળવવા અને મોંઘવારી રોકવા માટે ટ્રમ્પ પ્રશાસને રશિયન તેલ માટે નરમ વલણ અપનાવવાની ફરજ પડી છે.
ભારતને શું થશે ફાયદો? (Benefits for India)
ભારત પોતાની જરૂરિયાતનું 80% થી વધુ તેલ આયાત કરે છે. રશિયા ભારતને આંતરરાષ્ટ્રીય બજાર કરતા ઓછા ભાવે (ડિસ્કાઉન્ટ રેટ પર) તેલ આપે છે.
ઊર્જા ખર્ચમાં ઘટાડો: સસ્તું તેલ મળવાથી દેશનું વિદેશી હુંડિયામણ બચશે.
ભાવ સ્થિરતા: સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની શક્યતા ઓછી થશે.
વ્યૂહાત્મક સંબંધો: ભારત પોતાની સ્વાયત્તતા જાળવીને રશિયા સાથે વેપાર ચાલુ રાખી શકશે.
માત્ર રશિયા પર જ દયા, ઈરાન-ક્યુબા માટે દરવાજા બંધ
અમેરિકાએ ભલે રશિયાના તેલ માટે છૂટછાટ આપી હોય, પરંતુ તેની નીતિ હજુ પણ અન્ય વિરોધી દેશો માટે કડક છે. નવા લાયસન્સિંગ ઓર્ડરમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઈરાન, ક્યુબા અને ઉત્તર કોરિયા પરના તેલ પ્રતિબંધોમાં કોઈ પણ પ્રકારની રાહત આપવામાં આવી નથી. આનાથી સાબિત થાય છે કે અમેરિકા અત્યારે માત્ર રશિયા-યુક્રેન યુદ્ધ અને વૈશ્વિક સપ્લાય ચેઈનને જ પ્રાથમિકતા આપી રહ્યું છે, જ્યારે ઈરાન જેવા દેશોને આર્થિક રીતે અલગ-થલગ રાખવાની તેની યોજના યથાવત છે.





