Home International Trump 100 Percent Tariff On Patent Medicines India Impact

ટ્રમ્પનો મોટો નિર્ણય : વિદેશી પેટન્ટ દવાઓ પર 100% ટેરિફ ઝીંક્યો, ભારત સહિતના દેશો પર શું થશે અસર? જાણો નવા નિયમો

Trump Medicine Tariff india impact
Published by: Nirali Gohil
Last Updated: Apr 03, 2026, 04:01 AM IST

Trump Medicine Tariff: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને વૈશ્વિક અસ્થિરતા વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આર્થિક મોરચે એક અત્યંત આક્રમક પગલું ભર્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્રે વિદેશથી આયાત કરવામાં આવતી પેટન્ટ દવાઓ પર 100 ટકા ટેરિફ (આયાત ડ્યુટી) લાદવાની જાહેરાત કરી છે. અમેરિકાની વિદેશી દેશો પરની નિર્ભરતા ઘટાડવા અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે 'અમેરિકા ફર્સ્ટ'ની નીતિ હેઠળ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, આ નવા ટેરિફ એવા દેશો અને કંપનીઓ પર લાગુ થશે જેમણે અમેરિકા સાથે વિશિષ્ટ વેપાર કરાર કર્યા નથી.

ગુરુવારે જાહેર કરાયેલા આ નવા માળખા હેઠળ, ભારત સહિતના તમામ દેશોમાંથી આયાત થતી પેટન્ટ દવાઓ મોંઘી થશે. ખાસ કરીને એવી કંપનીઓ કે જેમણે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ સાથે 'રિશોરિંગ' (ઉત્પાદન અમેરિકામાં ખસેડવું) કરાર પર હસ્તાક્ષર કર્યા નથી અથવા હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસ (HHS) સાથે 'મોસ્ટ ફેવર્ડ નેશન' પ્રાઇસિંગના નિયમો સ્વીકાર્યા નથી, તેમને આ 100% ટેરિફનો સામનો કરવો પડશે. આ નિર્ણય પાછળ અમેરિકાનો હેતુ સ્વાસ્થ્ય અને સંરક્ષણ ક્ષેત્રે સ્વનિર્ભર બનવાનો છે.

ભારતીય ફાર્મા સેક્ટર માટે રાહત અને ચેતવણી

ભારત માટે આ સમાચાર મિશ્ર પ્રતિસાદ લાવ્યા છે. ભારતીય ફાર્મા નિકાસમાં જેનો સૌથી મોટો હિસ્સો છે તેવી જેનેરિક દવાઓ (Generic Medicines) ને હાલમાં આ ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે. જોકે, અધિકારીઓએ ચેતવણી આપી છે કે, આ મુક્તિ કાયમી નથી.

  • જેનેરિક દવાઓ પર નજર: વાણિજ્ય વિભાગ જેનેરિક દવાઓની રિશોરિંગ સ્થિતિનું સતત મૂલ્યાંકન કરશે. જો કંપનીઓ તેમનું ઉત્પાદન યુનાઇટેડ સ્ટેટ્સમાં ખસેડવામાં વિલંબ કરશે, તો ભવિષ્યમાં જેનેરિક દવાઓ પર પણ ટેરિફ લાદવામાં આવી શકે છે.

  • અમલીકરણની તારીખ: આ નવા ટેરિફ મોટી કંપનીઓ માટે 31 જુલાઈ થી અને નાની કંપનીઓ માટે 29 સપ્ટેમ્બર થી અમલમાં આવશે.

આ પણ વાંચો: ઈરાન-ઈઝરાયેલ-USA વચ્ચે ખતરનાક જંગ : UAEમાં ઓરેકલના ડેટા સેન્ટર પર હુમલો, કરજમાં અમેરિકાએ બ્રિજ ઉડાવ્યો

મેટલ્સ (ધાતુઓ) પર ટેરિફના નિયમોમાં મોટી રાહત

દવાઓ પર કડક વલણ અપનાવવાની સાથે ટ્રમ્પે મેટલ પ્રોડક્ટ્સ માટેના નિયમોમાં કેટલીક રાહત આપી છે. ઉત્પાદકો માટે પ્રક્રિયા સરળ બનાવવા માટે નીચે મુજબના ફેરફાર કરાયા છે:

  1. 15% થી ઓછી ધાતુ: જે ઉત્પાદનોના કુલ વજનમાં ધાતુનું પ્રમાણ 15% કરતા ઓછું હશે, તેના પર કોઈ અલગ મેટલ ડ્યુટી લાગશે નહીં. તેના પર માત્ર દેશ-સ્તરની સ્ટાન્ડર્ડ ડ્યુટી જ લાગુ થશે.

  2. 15% થી વધુ ધાતુ: જો ઉત્પાદનમાં ધાતુનું પ્રમાણ 15% થી વધુ હશે, તો તે પ્રોડક્ટના સમગ્ર મૂલ્ય પર 25% ની ફ્લેટ ડ્યુટી લાગુ કરવામાં આવશે. આમાં ધાતુની ચોક્કસ રચના કઈ છે તે જોવામાં આવશે નહીં.

માનસિક સ્વાસ્થ્ય અને રિશોરિંગ પર ભાર

ટ્રમ્પ વહીવટીતંત્રે આર્થિક નિર્ણયોની સાથે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે પણ અનેક રાહત પગલાંની જાહેરાત કરી છે. વ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, દવાઓનું ઉત્પાદન અમેરિકામાં પાછું લાવવું (Reshoring) એ રાષ્ટ્રીય સુરક્ષાનો વિષય છે. અમેરિકા હવે જીવનરક્ષક દવાઓ માટે ચીન કે અન્ય દેશો પર નિર્ભર રહેવા માંગતું નથી. આ નવી નીતિનો હેતુ અમેરિકી બજારમાં દવાઓના ભાવ સ્થિર રાખવાનો અને સ્થાનિક રોજગારી વધારવાનો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now