જીગ્નેશ ભટ્ટ, મોરબી: મોરબી જિલ્લાના હળવદ અને ધાંગધ્રા વચ્ચે નમો ભારત રેપિડ રેલ એટલે કે વંદે મેટ્રો ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ગાય ટ્રેન સાથે અથડાતા ટ્રેનની આગળના ભાગમાં એન્જિન પાસે લગાવેલ પતરુ નીકળી ગયું હતું, જેથી કરીને ટ્રેન તેના નિયત સમય કરતા મોડી હળવદ રેલવે સ્ટેશનને પહોંચી હતી. ટ્રેનમાં કોઈ મોટી ટેકનિકલ ક્ષતિ ન હોવાના કારણે ટ્રેનને આગળ કચ્છ તરફ રવાના કરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે.
અમદાવાદ અને કચ્છ વચ્ચે નમો ભારત રેપિડ રેલ શરૂ કરવામાં આવી છે. આ ટ્રેન તારીખ 28 નવેમ્બરને ગુરુવારે મોડી સાંજના સમયે અમદાવાદ તરફથી ધાંગધ્રા થઈને કચ્છ તરફ આગળ વધી રહી હતી. ધાંગધ્રા તાલુકાના ચુલી રેલ્વે સ્ટેશન નજીકના વિસ્તારમાં રેલ્વે ટ્રેક ઉપરથી ટ્રેન જ્યારે પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેનની આગળના ભાગમાં ગાય અથડાવાના કારણે ટ્રેનનું જે એન્જિન છે તેમાં લગાવવામાં આવેલ પતરુ નીકળી ગયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો. જેથી કરીને ટ્રેન તેના નિયત સમય કરતા થોડી મોડી હળવદ રેલવે સ્ટેશન ખાતે પહોંચી હતી જોકે ટ્રેનમાં કે તેના એન્જિનમાં કોઈપણ પ્રકારની ખામી ન હોવાના કારણે આ ટ્રેનને તેના નિયત સમય કરતા થોડી મોડી કચ્છ તરફ આગળ રવાના કરવામાં આવી હતી.






