Home National Pm Modi Oil Saving Appeal India Energy Security Reasons

પીએમ મોદીએ 24 કલાકમાં બે વખત કહી આ વાત : દેશ માટે શું છે સંકેત?

Prime Minister’s appeal to nation
Published by: Vishal Dave
Last Updated: May 11, 2026, 06:15 PM IST

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માત્ર 24 કલાકમાં બે વખત દેશવાસીઓને તેલ અને ઊર્જા બચાવવાની અપીલ કરતાં રાજકીય અને આર્થિક વર્તુળોમાં ચર્ચા તેજ થઈ ગઈ છે. ઘણા લોકોમાં સવાલ ઉભો થયો કે શું દેશમાં ફરી કોરોનાકાળ જેવી કટોકટી અથવા લોકડાઉન જેવી સ્થિતિ ઊભી થવાની શક્યતા છે? પરંતુ હાલની પરિસ્થિતિ અલગ છે. સરકારના આંકડા દર્શાવે છે કે ભારત પાસે પૂરતો ઇંધણ જથ્થો, મજબૂત વિદેશી મુદ્રા ભંડાર અને વિશાળ રિફાઇનિંગ ક્ષમતા ઉપલબ્ધ છે. તેથી હાલ ચિંતાની નહીં પરંતુ સાવચેતી અને ઊર્જા બચતની જરૂરિયાત પર ભાર મૂકાઈ રહ્યો છે.

PM મોદીની બે દિવસમાં બે મોટી અપીલો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત હૈદરાબાદના કાર્યક્રમમાં દેશવાસીઓને ઊર્જા બચાવવાની સલાહ આપી હતી. ત્યારબાદ ગુજરાતના વડોદરામાં સરદાર ધામ હોસ્ટેલના ઉદ્ઘાટન દરમિયાન ફરી એક વખત તેમણે ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંધણનો સંયમથી ઉપયોગ કરવાની અપીલ કરી.

PM મોદીના નિવેદનો એવા સમયે આવ્યા છે જ્યારે વિશ્વભરમાં જીઓ-પોલિટિકલ તણાવ, ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિરતા અને સપ્લાય ચેઇન અંગેની ચિંતાઓ વધી રહી છે. મધ્ય પૂર્વની સ્થિતિ, વૈશ્વિક શિપિંગ માર્ગો પર દબાણ અને ઊર્જા બજારમાં ઊથલપાથલ જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને ભારત સરકાર આગોતરા તૈયારી અને સાવચેતી પર ભાર મૂકી રહી છે.

ભારત પાસે પૂરતો કાચા તેલ અને LPGનો જથ્થો

60 દિવસનો કાચા તેલ અને ગેસ સ્ટોક

સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશ પાસે લગભગ 60 દિવસ પૂરતો કાચા તેલ (Crude Oil) અને નેચરલ ગેસનો જથ્થો ઉપલબ્ધ છે. આ ઉપરાંત લગભગ 45 દિવસ માટે LPGનો સ્ટોક પણ સુરક્ષિત છે.

આનો અર્થ એ થાય છે કે જો આંતરરાષ્ટ્રીય સપ્લાયમાં તાત્કાલિક વિક્ષેપ આવે તો પણ દેશના સામાન્ય જીવન પર તરત અસર પડશે નહીં. ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાની એનર્જી સિક્યોરિટી મજબૂત બનાવવા માટે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ અને આયાત સ્રોતોના વિવિધીકરણ પર ખાસ કામ કર્યું છે.

સરકારનું માનવું છે કે હાલનો સંદેશ ગભરાટ ફેલાવવા માટે નહીં પરંતુ ઊર્જા સંરક્ષણને રાષ્ટ્રીય જવાબદારી તરીકે સ્વીકારવા માટે છે. કારણ કે ભારત વિશ્વના સૌથી મોટા ઊર્જા આયાતકાર દેશોમાંનું એક છે અને ઇંધણ બચતથી દેશના આયાત બિલમાં પણ ઘટાડો શક્ય બને છે.

703 અબજ ડોલરનું ફોરેક્સ રિઝર્વ ભારત માટે સુરક્ષા કવચ

આયાત માટે 10-11 મહિના સુધી પૂરતી ક્ષમતા

ભારતનું વિદેશી મુદ્રા ભંડાર હાલમાં 703 અબજ ડોલરથી વધુ હોવાનું જણાવાયું છે. ભલે તે ફેબ્રુઆરી 2026માં નોંધાયેલા 728.5 અબજ ડોલરના સર્વોચ્ચ સ્તરથી થોડું ઓછું હોય, છતાં આ આંકડો વૈશ્વિક અર્થતંત્રની તુલનામાં મજબૂત માનવામાં આવે છે.

આ ફોરેક્સ રિઝર્વ દેશ માટે “સેફ્ટી કૂશન” તરીકે કામ કરે છે. તેના આધારે ભારત લગભગ 10 થી 11 મહિના સુધી જરૂરી આયાત ચલાવી શકે છે. એટલે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધે અથવા સપ્લાય ચેઇનમાં અસ્થિરતા સર્જાય તો પણ ભારત પાસે તાત્કાલિક નાણાકીય દબાણનો સામનો કરવાની ક્ષમતા છે.

આ મજબૂત સ્થિતિના કારણે હાલમાં સરકારને કોઈ કડક નિયંત્રણ અથવા લોકડાઉન જેવી વ્યવસ્થા લાદવાની જરૂરિયાત દેખાતી નથી.

ભારતની રિફાઇનિંગ ક્ષમતા દુનિયામાં ટોચ પર

વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઓઇલ રિફાઇનર

ભારત હાલમાં વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઓઇલ રિફાઇનિંગ દેશ છે. દેશની કુલ રિફાઇનિંગ ક્ષમતા દર વર્ષે અંદાજે 250 થી 255 મિલિયન મેટ્રિક ટન છે. સરકારનું લક્ષ્ય 2030 સુધી આ ક્ષમતા વધારીને 450 MMTPA સુધી પહોંચાડવાનું છે.

તે સિવાય ભારત વિશ્વનો ચોથો સૌથી મોટો પેટ્રોલિયમ ઉત્પાદનોનો નિકાસકાર દેશ પણ છે. પેટ્રોલિયમ ઉત્પાદનો ભારતના કુલ નિકાસ બાસ્કેટમાં સૌથી મોટો હિસ્સો ધરાવે છે.

હાલમાં ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 85 ટકા કાચું તેલ આયાત કરે છે, પરંતુ રિફાઇનિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત હોવાને કારણે દેશ માત્ર પોતાની જરૂરિયાત જ નહીં પરંતુ અન્ય દેશોને પણ પેટ્રોલિયમ ઉત્પાદનો નિકાસ કરી શકે છે.

આ જ કારણ છે કે સરકાર હાલ “ઘબરાટ” કરતાં “સંયમ” અને “સાચવણી” પર ભાર મૂકી રહી છે.

શું ખરેખર લોકડાઉન જેવી સ્થિતિ બની શકે?

વિશેષજ્ઞોના મતે હાલની પરિસ્થિતિને કોરોનાકાળ સાથે સરખાવવી યોગ્ય નથી. કોરોના મહામારી દરમિયાન આરોગ્ય સંકટને કારણે ઉત્પાદન, પરિવહન અને બજારો સંપૂર્ણપણે પ્રભાવિત થયા હતા. હાલની સ્થિતિ મુખ્યત્વે વૈશ્વિક ઊર્જા બજાર અને આંતરરાષ્ટ્રીય તણાવ સાથે જોડાયેલી છે.

સરકાર દ્વારા આપવામાં આવેલા સંકેતો દર્શાવે છે કે દેશ તૈયારીની સ્થિતિમાં છે અને આગોતરા સાવચેતી અપનાવવા પર ભાર મૂકી રહ્યો છે. તેલ બચાવવાની અપીલનો અર્થ તાત્કાલિક સંકટ નહીં પરંતુ લાંબા ગાળાની ઊર્જા સુરક્ષા અને આર્થિક સ્થિરતા સાથે જોડાયેલો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now