પહલગામમાં આતંકવાદીઓ દ્વારા નિર્દોષ પ્રવાસીઓ પર કરવામાં આવેલા હુમલાનો ભારતે 'ઓપરેશન સિંદૂર' દ્વારા જોરદાર જવાબ આપ્યો હતો. આ સૈન્ય કાર્યવાહી દરમિયાન ભારતીય સેનાએ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને પાકિસ્તાનને મોટો ફટકો આપ્યો હતો. જોકે આ મિશનની સફળતા માટે દેશે પોતાના છ બહાદુર જવાનોને ગુમાવ્યા હતા. હવે આ તમામ શહીદોના નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે અને તેમને નવી દિલ્હીના નેશનલ વોર મેમોરિયલમાં Roll of Honour તેમજ 3D સ્મારક દિવાલ પર અંકિત કરીને રાષ્ટ્ર તરફથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.
નેશનલ વોર મેમોરિયલમાં અમર થયા 6 શૂરવીરો
ભારત સરકારે ઓપરેશન સિંદૂરમાં સર્વોચ્ચ બલિદાન આપનારા છ જવાનોના નામ જાહેર કર્યા છે. આ તમામ શહીદોને નેશનલ વોર મેમોરિયલમાં કાયમી સ્થાન આપવામાં આવ્યું છે. હવે તેમના નામ દેશ માટે બલિદાન આપનારા હજારો વીર જવાનોની યાદીમાં સદાય માટે અંકિત રહેશે.
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા જવાનોના નામ આ પ્રમાણે છે:
સુબેદાર મેજર પવન કુમાર – હેડક્વાર્ટર 10 ઇન્ફેન્ટ્રી બ્રિગેડ
રાઇફલમેન સુનીલ કુમાર (વીર ચક્ર) – 4 જમ્મુ એન્ડ કાશ્મીર લાઇટ ઇન્ફેન્ટ્રી
લાન્સ નાયક દિનેશ કુમાર – 5 ફિલ્ડ રેજિમેન્ટ
એવિએશન ટેક્નિશિયન મૂદ મુરલીનાયક – 851 લાઇટ રેજિમેન્ટ
હવાલદાર સુનીલ કુમાર સિંહ – 237 ફિલ્ડ વર્કશોપ
સારજન્ટ સુરેન્દ્ર કુમાર (વાયુસેના મેડલ) – 39 વિંગ, ભારતીય વાયુસેના
શું હતું ઓપરેશન સિંદૂર?
22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કરીને 26 નિર્દોષ લોકોની હત્યા કરી હતી. હુમલામાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને લોકોને નિશાન બનાવ્યા હતા, જેના કારણે સમગ્ર દેશમાં ભારે રોષ ફેલાયો હતો. આ હુમલા બાદ ભારત સરકારે આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો અને સૈન્યએ ચોક્કસ આયોજન સાથે 7 મે 2025ના રોજ વહેલી સવારે 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું.
આ ઓપરેશન પરંપરાગત યુદ્ધથી અલગ હતું. ભારતીય સેનાએ સરહદ પાર કરીને સીધી ઘૂસણખોરી કરવાને બદલે અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડ્રોન અને પ્રિસિઝન મિસાઇલ દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલા આતંકવાદી સંગઠનોના નવ મોટા ઠેકાણાઓ પર નિશાન સાધ્યા હતા. આ હુમલામાં અનેક આતંકવાદી ઠેકાણાઓ નષ્ટ થયા હતા અને આતંકવાદી માળખાને ભારે નુકસાન પહોંચ્યું હતું.
Roll of Honourમાં શું છે ખાસ?
નવી દિલ્હીમાં આવેલું નેશનલ વોર મેમોરિયલ દેશ માટે બલિદાન આપનારા સૈનિકોને સમર્પિત છે. અહીં 1947ના ભારત-પાકિસ્તાન યુદ્ધથી લઈને 2025 સુધીના વિવિધ સૈન્ય ઓપરેશનોમાં શહીદ થયેલા કુલ 26,626થી વધુ જવાનોના નામ Roll of Honourમાં અંકિત કરવામાં આવ્યા છે. હવે ઓપરેશન સિંદૂરના આ છ શૂરવીરોના નામ પણ આ ગૌરવપૂર્ણ યાદીમાં ઉમેરવામાં આવ્યા છે. તેમના નામ 3D સ્મારક દિવાલ પર પણ અંકિત કરાયા છે, જ્યાં દેશવાસીઓ તેમને શ્રદ્ધાંજલિ આપી શકે છે.
પાકિસ્તાનના દાવાઓ ખોટા સાબિત થયા
ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને ભારતીય વાયુસેનાના રાફેલ વિમાનોને નુકસાન પહોંચાડ્યાના સહિત અનેક દાવા કર્યા હતા. જોકે આ દાવાઓને સમર્થન આપતું કોઈ પુરાવું સામે આવ્યું નહોતું. બીજી તરફ ભારત સરકારે વ્યૂહાત્મક કારણોસર સૈન્ય કાર્યવાહી સંબંધિત તમામ વિગતો જાહેર કરી નહોતી.
તાજેતરમાં સંરક્ષણ મંત્રાલય સાથે સંબંધિત એક ટેન્ડર દસ્તાવેજમાંથી એ સ્પષ્ટ થયું કે ભારતીય વાયુસેનાના તમામ 36 રાફેલ વિમાનો સંપૂર્ણપણે સુરક્ષિત અને કાર્યરત છે. હવે ઓપરેશન દરમિયાન શહીદ થયેલા છ જવાનોના નામ જાહેર થતાં એ પણ સત્તાવાર રીતે સ્પષ્ટ થયું છે કે આ સફળ મિશનમાં દેશે પોતાના છ વીર સૈનિકોને ગુમાવ્યા હતા.
દેશ હંમેશા યાદ રાખશે આ બલિદાન
ઓપરેશન સિંદૂર માત્ર આતંકવાદ સામે ભારતની સૈન્ય ક્ષમતાનું પ્રતિક નથી, પરંતુ દેશ માટે જીવ અર્પણ કરનારા બહાદુર જવાનોના અદમ્ય સાહસનું પણ પ્રતીક છે. નેશનલ વોર મેમોરિયલમાં તેમના નામ અંકિત થવું એ માત્ર સન્માન નથી, પરંતુ આવનારી પેઢીઓને દેશપ્રેમ, ફરજ અને બલિદાનની પ્રેરણા આપતું સ્મારક પણ છે.





