Home National Amit Shah Vision Document Narcotics Control 2026 2029 Drugs Roadmap

ડ્રગ્સના કાળા સામ્રાજ્ય પર સૌથી મોટો પ્રહાર કરશે સરકાર : ત્રણ વર્ષમાં સમગ્ર નેટવર્ક ખતમ કરવાનો રોડમેપ જાહેર

Amit Shah, Narcotics Control, NCB, NCORD
Published by: OBS Bureau
Last Updated: Jun 26, 2026, 05:00 PM IST

દેશમાં ડ્રગ્સના વધતા ખતરાને સંપૂર્ણ રીતે ખતમ કરવા માટે કેન્દ્ર સરકારે આગામી ત્રણ

વર્ષ માટે એક વ્યાપક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નાર્કો-કોર્ડિનેશન સેન્ટર (NCORD)ની 10મી ઉચ્ચસ્તરીય બેઠક દરમિયાન Vision Document on Narcotics Control 2026-2029 જાહેર કર્યું હતું. આ દસ્તાવેજમાં દેશભરમાં ડ્રગ્સના ઉત્પાદન, સપ્લાય, સ્મગલિંગ, ફાઇનાન્સિંગ અને આંતરરાષ્ટ્રીય નેટવર્કને મૂળમાંથી ખતમ કરવા માટે સ્પષ્ટ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આગામી ત્રણ વર્ષમાં ડ્રગ્સના સમગ્ર ઇકોસિસ્ટમ પર એવો પ્રહાર કરવામાં આવશે કે તે લાંબા સમય સુધી ફરી ઉભું થઈ શકશે નહીં.

ત્રણ વર્ષમાં ડ્રગ્સના સમગ્ર નેટવર્કને તોડી પાડવાનું લક્ષ્ય

અમિત શાહે જણાવ્યું કે સરકાર હવે માત્ર ડ્રગ્સ પકડવા સુધી મર્યાદિત નહીં રહે પરંતુ તેના સમગ્ર ઇકોસિસ્ટમને નષ્ટ કરવાની દિશામાં કામ કરશે. તેના માટે Detect, Disrupt and Destroyની નીતિ અપનાવવામાં આવશે. એટલે કે પહેલા ડ્રગ્સના નેટવર્કની ઓળખ કરવામાં આવશે, ત્યારબાદ તેની સપ્લાય ચેઇન અને સંગઠિત ગેંગને ખોરવી નાખવામાં આવશે અને અંતે સમગ્ર માળખાને નષ્ટ કરવામાં આવશે. આ અભિયાન મિશન મોડમાં ચલાવવામાં આવશે અને દેશમાં તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત 100 મોટા ડ્રગ્સ સિન્ડિકેટને સમાપ્ત કરવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે. એક વર્ષ બાદ સમગ્ર કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવશે.

ડાર્ક વેબ, ક્રિપ્ટો અને હવાલા પર પણ રહેશે સરકારની નજર

વિઝન ડોક્યુમેન્ટમાં માત્ર સરહદ પારથી થતી સ્મગલિંગ જ નહીં પરંતુ દેશમાં બનતા સિન્થેટિક ડ્રગ્સ, ડાર્ક વેબ દ્વારા થતો વેપાર, ક્રિપ્ટોકરન્સી મારફતે થતા ટ્રાન્ઝેક્શન અને હવાલા નેટવર્ક પર પણ કડક કાર્યવાહી કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. સરકારે તમામ તપાસ એજન્સીઓને એકબીજા સાથે સંકલન કરીને માહિતી શેર કરવા અને આધુનિક ટેક્નોલોજીનો વધુ ઉપયોગ કરવા પર ભાર મૂક્યો છે. એરપોર્ટ, બંદરો અને આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગો પર પણ સુરક્ષા વધુ મજબૂત બનાવવામાં આવશે.

ડ્રગ્સના પૈસાથી બનેલી સંપત્તિ પણ જપ્ત થશે

અમિત શાહે સ્પષ્ટ કહ્યું કે હવે ડ્રગ્સના વેપારીઓ સામે માત્ર ફોજદારી કાર્યવાહી જ નહીં પરંતુ તેમની ગેરકાયદેસર સંપત્તિઓ પણ જપ્ત કરવામાં આવશે. આ માટે Enforcement Directorate (ED) મની લોન્ડરિંગ કાયદા હેઠળ કાર્યવાહી કરશે. મોટા ડ્રગ્સ કેસોમાં EDની તપાસ ફરજિયાત કરવામાં આવશે જેથી ડ્રગ્સના ધંધામાંથી કમાયેલા કાળા નાણાંને ફ્રીઝ અને જપ્ત કરી શકાય. સરકારનું માનવું છે કે જ્યારે આર્થિક રીતે ડ્રગ્સ માફિયાઓને નબળા પાડવામાં આવશે ત્યારે તેમનું સમગ્ર નેટવર્ક ઝડપથી તૂટી જશે.

NDPS કોર્ટમાં ઝડપથી થશે કેસનો નિકાલ

ડ્રગ્સ સંબંધિત કેસો વર્ષો સુધી લંબાતા ન રહે તે માટે કેન્દ્ર સરકારે રાજ્યોને NDPS એક્ટ હેઠળ વિશેષ અદાલતો સ્થાપવા સૂચના આપી છે. અમિત શાહે જણાવ્યું કે આ મુદ્દે વિવિધ હાઈકોર્ટ સાથે ચર્ચા થઈ ચૂકી છે અને વિશેષ અદાલતોમાં પૂરતા ન્યાયાધીશો ઉપલબ્ધ રહે તેમજ રોજબરોજ સુનાવણી થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સરકારનો ઉદ્દેશ આરોપીઓને ઝડપથી સજા અપાવીને ડ્રગ્સના નેટવર્ક સામે કડક સંદેશ આપવાનો છે.

ચાર મજબૂત આધારસ્તંભ પર તૈયાર થયો રોડમેપ

સરકારે ડ્રગ્સ વિરુદ્ધની સમગ્ર લડતને ચાર મુખ્ય આધારસ્તંભ પર આધારિત બનાવી છે. તેમાં ગુપ્તચર માહિતીના આધારે સમગ્ર નેટવર્કને નષ્ટ કરવું, ઉત્પાદનના સ્તરે જ ડ્રગ્સને રોકવું, લોકોમાં જાગૃતિ ફેલાવીને ડ્રગ્સની માંગ ઘટાડવી અને તમામ તપાસ તથા સુરક્ષા એજન્સીઓને વધુ આધુનિક, જવાબદાર અને સંકલિત બનાવવાનો સમાવેશ થાય છે. સરકારનું માનવું છે કે માત્ર પોલીસ કાર્યવાહીથી સમસ્યા દૂર નહીં થાય પરંતુ સમાજમાં જાગૃતિ લાવવી પણ એટલી જ જરૂરી છે.

વિદેશમાં બેઠેલા ડ્રગ્સ તસ્કરો સામે પણ કાર્યવાહી

અમિત શાહે રાજ્યોને સૂચના આપી છે કે વિદેશમાં છુપાયેલા વોન્ટેડ ડ્રગ્સ તસ્કરોને ભારત પરત લાવવા માટે CBI અને અન્ય કેન્દ્રીય એજન્સીઓ સાથે વિશેષ સંકલન કરવામાં આવે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કને તોડવા માટે વિવિધ દેશો સાથે પણ સહયોગ વધારવાની દિશામાં કામ કરવામાં આવશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશની બહારથી ચાલતા ડ્રગ્સના નેટવર્કને પણ છોડવામાં આવશે નહીં.

6 હજાર કરોડ રૂપિયાથી વધુના ડ્રગ્સ થશે નષ્ટ

આ બેઠક દરમિયાન અમિત શાહે જમ્મુ અને ગુવાહાટીમાં NCBના નવા પ્રાદેશિક કાર્યાલયનું ઈ-ઉદ્ઘાટન પણ કર્યું હતું. સાથે જ સમગ્ર દેશમાં જપ્ત કરાયેલા ડ્રગ્સના નાશ માટે વિશેષ પખવાડિયાની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન દરમિયાન અંદાજે 6 હજાર કરોડ રૂપિયાથી વધુ મૂલ્યના બે લાખ કિલોગ્રામથી વધુ ડ્રગ્સનો નાશ કરવામાં આવશે. સરકારનું માનવું છે કે આવા અભિયાનથી ડ્રગ્સ માફિયાઓને મોટો આર્થિક ફટકો પડશે અને ગેરકાયદેસર વેપાર પર નિયંત્રણ લાવવામાં મદદ મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now