Home Gujarat Rajkot Rajkot Flora Inn Hotel Prostitution Racket Busted

રાજકોટમાં દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ! : પોલીસ સ્ટેશનની એકદમ નજીક ચાલતું હતું કૂટણખાનું, 6 મહિલાઓ મુક્ત

હોટેલ ફ્લોરા ઇનનના દ્રશ્યો
Image Credit: Google
Published by: Chintan Chavda
Last Updated: May 11, 2026, 11:41 AM IST

રાજકોટ શહેરમાં દેહવ્યાપારના ગેરકાયદે ધંધા સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટર દૂર આવેલી ફ્લોરા ઈન હોટલમાં ચાલતા કુટણખાના પર પોલીસે દરોડો પાડી મહિલા સંચાલિકાની ધરપકડ કરી છે. પોલીસે દરોડા દરમિયાન દિલ્હી, મહારાષ્ટ્ર અને દહેરાદૂનની કુલ 6 મહિલાઓને મુક્ત કરાવી હતી. પ્રાથમિક તપાસમાં બહારથી ગ્રાહકો બોલાવી હોટલના રૂમોમાં ગેરકાયદે દેહવ્યાપાર કરાવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે લાખાજીરાજ રોડ પર બાપુના બાવલા પાસે આવેલી ફ્લોરા ઈન હોટલમાં મહેઝબીન ઉર્ફે માયા ઉર્ફે નીકીતા હરેશભાઈ કાકડીયા અને રિઝવાન નામનો શખ્સ મળીને દેહવ્યાપારનો ધંધો ચલાવે છે. બાતમીના આધારે પોલીસે હોટલ પર દરોડો પાડ્યો હતો.

અલગ અલગ રૂમોમાંથી મહિલાઓ અને ગ્રાહકો ઝડપાયા

પોલીસ જ્યારે ફ્લોરા ઈન હોટલ પહોંચી ત્યારે કાઉન્ટર પર મહેઝબીન ઉર્ફે માયા ઉર્ફે નીકીતા હાજર મળી આવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા હોટલના અલગ અલગ રૂમોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રથમ માળના રૂમ નંબર 105 તેમજ બીજા માળના રૂમ નંબર 202, 203 અને 204માં પુરુષો અને મહિલાઓ કઢંગી હાલતમાં મળી આવ્યા હતા.

પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું કે રૂમોમાંથી મળી આવેલી મહિલાઓમાં એક મહિલા મહારાષ્ટ્રની, બે મહિલાઓ દિલ્હીની અને બે મહિલાઓ દહેરાદૂનની હતી. અન્ય એક મહિલા અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મહિલાઓની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપીઓ હોટલમાં બહારથી ગ્રાહકો બોલાવી શરીર સંબંધ કરાવતા હતા.
આણંદમાં ગોઝારો અકસ્માત: ટ્રક પાછળ ટેમ્પો ઘૂસતાં એક જ પરિવારના 4નાં મોત, 5 ગંભીર ઇજાગ્રસ્ત

ગ્રાહક દીઠ રૂ.2000 વસૂલાતા હતા

તપાસ દરમિયાન મહિલાઓએ પોલીસને જણાવ્યું હતું કે ગ્રાહક દીઠ રૂપિયા 2000 લેવામાં આવતા હતા. જેમાંથી મહિલાઓને માત્ર રૂપિયા 500 આપવામાં આવતા હતા, જ્યારે બાકીના રૂપિયા 1500 દલાલી પેટે આરોપીઓ પોતાના પાસે રાખતા હતા. આ સમગ્ર રેકેટ લાંબા સમયથી ચાલતો હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ ઘટનાએ શહેરમાં ચર્ચા જગાવી છે કારણ કે દેહવ્યાપારનો આ ગેરકાયદે ધંધો પોલીસ સ્ટેશનથી ખૂબ નજીક ચાલી રહ્યો હતો. સ્થાનિકોમાં પણ આ મામલે અનેક સવાલો ઉભા થયા છે કે આટલા નજીક ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી હોવા છતાં લાંબા સમય સુધી તેની જાણ કેમ ન થઈ.
અમદાવાદના પોશ વિસ્તારમાં લાગી ભીષણ આગ!: મેડિકલ ગોડાઉન સળગતા BRTS નજીક અફરાતફરી

રૂ.1.43 લાખનો મુદ્દામાલ કબ્જે

પોલીસે આરોપી મહિલા સંચાલિકા મહેઝબીન ઉર્ફે માયા ઉર્ફે નીકીતા હરેશભાઈ કાકડીયાની ધરપકડ કરી હતી. તેની તલાશી દરમિયાન પર્સમાંથી રૂપિયા 83 હજાર રોકડા મળી આવ્યા હતા. ઉપરાંત હોટલના કાઉન્ટર પરથી વધુ રૂપિયા 50 હજાર રોકડા અને એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂપિયા 1.43 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

હાલ પોલીસ ફરાર આરોપી રિઝવાનની શોધખોળ કરી રહી છે. આ રેકેટ સાથે અન્ય કોઈ લોકો સંકળાયેલા છે કે કેમ, હોટલમાં આ પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલી રહી હતી અને તેમાં કોઈ મોટા નેટવર્કની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now