Home Gujarat Anand Tarapur Vataman Highway Tempo Truck Accident

આણંદમાં ગોઝારો અકસ્માત : ટ્રક પાછળ ટેમ્પો ઘૂસતાં એક જ પરિવારના 4નાં મોત, 5 ગંભીર ઇજાગ્રસ્ત

આણંદમાં થયેલા અકસ્માતના દ્રશ્યો
Image Credit: AI
Published by: Chintan Chavda
Last Updated: May 11, 2026, 11:26 AM IST

આણંદ જિલ્લામાં તારાપુર-વટામણ હાઈવે પર રવિવારે વહેલી સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. ફતેપુરા ગામ પાસે આવેલા ગુજરાત ગેસ CNG પંપ નજીક ઉભેલી ટ્રક પાછળ એક સુપર કેરી ટેમ્પો ધડાકાભેર અથડાતા એક જ પરિવારના ચાર લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય પાંચ શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ટેમ્પોનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો અને મૃતદેહોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

મળતી માહિતી અનુસાર ટેમ્પોમાં સવાર તમામ લોકો મધ્યપ્રદેશના અલિરાજપુર જિલ્લાના છોટી સરની ગામના રહેવાસી હતા. તેઓ સૌરાષ્ટ્ર વિસ્તારમાં મજૂરીકામ માટે જઈ રહ્યા હતા. વહેલી સવારના અંધારામાં ફતેપુરા ગામ નજીક ગુજરાત ગેસ CNG પંપ પાસે ઉભેલી ટ્રક પાછળ ટેમ્પો જોરદાર ઝડપે અથડાયો હતો. ધડાકાનો અવાજ સાંભળીને આસપાસના લોકો અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

એક જ પરિવારના ચાર સભ્યોના મોત

આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. મૃતકોમાં 32 વર્ષીય પ્રદીપભાઈ કાળુભાઈ મંડોલ, તેમની પત્ની 30 વર્ષીય જયલીબેન પ્રદીપભાઈ મંડોલ, 12 વર્ષની પુત્રી સિજલબેન પ્રદીપભાઈ મંડોલ અને 8 વર્ષની અસ્મિતા રણદીપભાઈ બીલાસનો સમાવેશ થાય છે. અકસ્માતની ગંભીરતા એવી હતી કે ચારેયના મૃતદેહો ટેમ્પોમાં ફસાઈ ગયા હતા અને તેમને બહાર કાઢવા માટે બચાવ કામગીરી ચલાવવી પડી હતી.

અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા પાંચ લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાક શ્રમિકોની સ્થિતિ ગંભીર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. બાદમાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા.
ગુજરાતમાં ગરમીનો કહેર વધશે: 44 ડિગ્રી પાર જશે તાપમાન!, અંબાલાલ પટેલની મોટી આગાહી

‘અકસ્માત ઝોન’ તરીકે ઓળખાતું સ્થળ ફરી બન્યું જીવલેણ

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર તારાપુર-વટામણ હાઈવે પર ફતેપુરા ગામ નજીકનો વિસ્તાર લાંબા સમયથી અકસ્માતપ્રવણ વિસ્તાર તરીકે ઓળખાય છે. અહીં અગાઉ પણ અનેક ગંભીર અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે, છતાં તંત્ર દ્વારા પૂરતી સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી.

સ્થાનિકોના કહેવા મુજબ ફતેપુરા પાસે આવેલા CNG પંપ સુધી પહોંચવા માટે કોઈ યોગ્ય સર્વિસ રોડ ઉપલબ્ધ નથી. ફતેપુરા, રિંઝા, પચેગામ અને ગોલાણા જેવા ગામોના વાહનચાલકો અને ખેડૂતોને CNG પુરાવવા માટે દોઢ કિલોમીટર સુધી રોંગ સાઈડ વાહન ચલાવવું પડે છે. કારણ કે નિયમિત રીતે જવું હોય તો આશરે 6 કિલોમીટર દૂર કસબારા બ્રિજ સુધી જઈને યુ-ટર્ન લેવો પડે છે. આ પરિસ્થિતિને કારણે વારંવાર અકસ્માતનો ખતરો ઉભો થાય છે.

સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે વિસ્તારમાં ‘અકસ્માત ઝોન’ દર્શાવતા કોઈ સાઈન બોર્ડ કે ચેતવણીના નિશાન લગાવવામાં આવ્યા નથી. જો અગાઉથી યોગ્ય સુરક્ષા વ્યવસ્થા અને ટ્રાફિક નિયંત્રણના પગલાં લેવામાં આવ્યા હોત તો કદાચ આ પરિવારનો જીવ બચાવી શકાયો હોત.
હિમાચલમાં ગુજરાતી પરિવારને 'કાળ આભડ્યો'!: કાર ખીણમાં ખાબકતાં 5 નાં મોત, 4નો બચાવ

પોલીસ તપાસ શરૂ

પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માત સમયે ટ્રક રોડ પર કેવી સ્થિતિમાં ઉભી હતી, પૂરતી ચેતવણી વ્યવસ્થા હતી કે નહીં અને ટેમ્પોની ઝડપ કેટલી હતી તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now