Home Tech/Gadgets Trai Voice Plan Data Price Impact India

હવે મળશે સસ્તા વોઇસ પ્લાન, પણ ડેટાના ભાવ પર હજુ પણ સવાલ : જાણો TRAIનો મોટો નિર્ણય

TRAI Voice Plan, Telecom Tariff India
Published by: Vishal Dave
Last Updated: Apr 24, 2026, 06:46 PM IST

ભારતમાં મોબાઇલ યુઝર્સ માટે મોટો બદલાવ આવવાનો છે. TRAIએ ટેલિકોમ કંપનીઓને નવા નિયમો લાગુ કરવાની ડેડલાઇન આપી છે, જેના કારણે હવે સસ્તા વોઇસ પ્લાન મળશે. પરંતુ સાથે જ એક મોટો સવાલ ઉભો થયો છે શું હવે ડેટા મોંઘું થશે?

ભારતીય ટેલિકોમ સેક્ટરમાં એક મહત્વપૂર્ણ ફેરફાર થવાનો છે. ટેલિકોમ રેગ્યુલેટર TRAIએ તમામ ટેલિકોમ ઓપરેટર્સને 28 એપ્રિલ 2026 સુધી નવા ટારિફ સિસ્ટમ લાગુ કરવા માટે નિર્દેશ આપ્યો છે. આ નવા નિયમ મુજબ હવે દરેક વેલિડિટી માટે અલગથી માત્ર વોઇસ અને SMS પ્લાન ઉપલબ્ધ કરાવવાનું ફરજિયાત રહેશે. આનો સીધો અર્થ એ છે કે અત્યાર સુધી જે બંડલ પ્લાન (ડેટા + વોઇસ + SMS) મળતા હતા, તે ઉપરાંત હવે ગ્રાહકોને માત્ર વોઇસ કોલ અને SMS માટે અલગ પ્લાન પણ મળશે.

શું ખરેખર સસ્તા બનશે પ્લાન?

TRAIના ડ્રાફ્ટ મુજબ, હાલના બંડલ પ્લાન જેટલી જ વેલિડિટી ધરાવતા વોઇસ-ઓનલી પ્લાન રજૂ કરવા પડશે. આ પ્લાનની કિંમત ડેટા ભાગ ઘટાડીને નક્કી કરાશે, એટલે કે તે હાલના પ્લાન કરતાં સસ્તા હોવાની શક્યતા છે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ એ છે કે દેશના ઘણા યુઝર્સ ખાસ કરીને વૃદ્ધ, ગ્રામ્ય વિસ્તારોના લોકો અને ઓછા આવક ધરાવતા લોકો—ડેટાનો ઉપયોગ કરતા નથી, છતાં તેમને મજબૂરીમાં મોંઘા ડેટા પ્લાન લેવા પડે છે.

આ નવા નિયમથી તેઓને પોતાની જરૂરિયાત મુજબ સસ્તા વિકલ્પો મળશે.

20 વર્ષ પછી ટારિફમાં સીધો હસ્તક્ષેપ

ભારતમાં 2004થી “ટારિફ ફૉરબિયરન્સ” નીતિ અમલમાં છે, જેમાં કંપનીઓને પોતે ભાવ નક્કી કરવાની છૂટ આપવામાં આવી હતી. આ કારણે ભારત દુનિયાના સૌથી સસ્તા ડેટા બજારોમાં સામેલ બન્યું.

પરંતુ હવે TRAIનો આ નિર્ણય આ નીતિથી અલગ છે. લાંબા સમય પછી પહેલી વાર રેગ્યુલેટર સીધો ટારિફ સ્ટ્રક્ચર પર અસર પાડતો દેખાઈ રહ્યો છે.

ગ્રાહકોને શું મળશે ફાયદો?

જો આ નિયમ સંપૂર્ણ રીતે લાગુ થાય તો ગ્રાહકોને ઘણા ફાયદા થઈ શકે છે:

  • પોતાની જરૂરિયાત મુજબ સસ્તા પ્લાન પસંદ કરવાની તક

  • વૃદ્ધ અને ફીચર ફોન યુઝર્સ માટે ખાસ રાહત

  • “જબરદસ્તી ડેટા ખરીદવાનો” પ્રશ્ન ઓછો થશે

આ બદલાવ ખાસ કરીને તે લોકો માટે લાભદાયી છે, જે માત્ર કોલિંગ અને SMS માટે મોબાઇલનો ઉપયોગ કરે છે.

પરંતુ શું ડેટા થશે મોંઘો?

અહીંથી જ ચર્ચાનો બીજો પાસો શરૂ થાય છે. ટેલિકોમ ઉદ્યોગનો મોટો હિસ્સો “બંડલ પ્રાઇસિંગ” પર આધારિત છે, જ્યાં ડેટાથી મળતી આવક વોઇસ સેવાઓને સસ્તી રાખવામાં મદદ કરે છે.

જો વોઇસ અને ડેટા સંપૂર્ણપણે અલગ થઈ જાય, તો કંપનીઓ ડેટા પ્લાનના ભાવ વધારી શકે છે.

આથી:

  • ડેટા વાપરતા મોટા ભાગના યુઝર્સ માટે ખર્ચ વધી શકે છે

  • બંડલ પ્લાનની કિંમત વધી શકે છે

  • કુલ મોબાઇલ ખર્ચ વધવાની શક્યતા

એટલે કે થોડા લોકો માટે સસ્તું, પરંતુ મોટા ભાગ માટે મોંઘું બની શકે છે.

ફૉરબિયરન્સ મોડલ પર ઉઠ્યા પ્રશ્નો

TRAIના આ પગલાથી “ફ્રી માર્કેટ” મોડલ પર પણ પ્રશ્નો ઊભા થયા છે. જો નિયમન વધુ કડક બનશે તો:

  • કંપનીઓની ભાવ નક્કી કરવાની સ્વતંત્રતા ઘટી શકે

  • નવી સેવાઓ અને ઇનોવેશન પર અસર પડી શકે

  • લાંબા ગાળે કિંમતો વધવાની શક્યતા

ડિજિટલ ઇન્ડિયા પર શું અસર પડશે?

એક્સપર્ટ્સનું માનવું છે કે જો ડેટા મોંઘું બનશે, તો તેનો સીધો અસર દેશના ડિજિટલ વિકાસ પર પડી શકે છે.

ભારતમાં ઇન્ટરનેટનો વિસ્તાર અને ડિજિટલ સેવાઓનો વિકાસ મોટા પ્રમાણમાં સસ્તા ડેટા પર આધારિત રહ્યો છે. જો કંપનીઓની આવક પર દબાણ વધશે, તો નેટવર્ક ઈન્વેસ્ટમેન્ટ અને વિસ્તરણની ગતિ ધીમી પડી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now